________________
જૈનદર્શન
આ સ્પષ્ટ કથનનો ફલિતાર્થ એ છે કે પરસ્પર નિમિત્તનૈમિત્તિક ભાવ હોવા છતાં પણ પ્રત્યેક દ્રવ્ય પોતાના ગુણ-પર્યાયોનો જ કર્તા બની શકે છે. અધ્યાત્મમાં કર્તૃત્વવ્યવહાર ઉપાદાનમૂલક છે. અધ્યાત્મ અને વ્યવહાર વચ્ચે આ જ મૂળભૂત અન્તર છે કે અધ્યાત્મક્ષેત્રમાં પદાર્થોના મૂળ સ્વરૂપ અને શક્તિઓનો વિચાર થાય છે તથા તેના આધારે નિરૂપણ થાય છે જ્યારે વ્યવહારમાં પરનિમિત્તની પ્રધાનતાથી કથન કરવામાં આવે છે. ‘કુંભારે ઘડો બનાવ્યો’ આ વ્યવહાર નિમિત્તમૂલક છે કેમ કે ઘટપર્યાય કુંભારનો નથી પરંતુ પેલા પરમાણુઓનો છે જેઓ ઘડાના રૂપમાં પરિણત થયા છે. કુંભારે ઘડો બનાવતી વખતે પણ પોતાના યોગ અર્થાત્ હલનચલન અને ઉપયોગરૂપે જ પરિણતિ કરી છે. કુંભારનું સન્નિધાન પામીને માટીના પરમાણુઓએ ઘટપર્યાયરૂપે પરિણતિ કરી લીધી છે. આ રીતે પ્રત્યેક દ્રવ્ય પોતાના પરિણમનનો સ્વયં ઉપાદાનમૂલક કર્તા છે. આચાર્ય કુન્દકુન્દે આ રીતે નિમિત્તમૂલક કર્તૃત્વવ્યવહારને અધ્યાત્મક્ષેત્રમાં સ્વીકાર્યો નથી પરંતુ સ્વકર્તૃત્વ તો તેમને બધી રીતે ઇષ્ટ છે જ અને તેનું સમર્થન અને વિવેચન તેમણે વિશદ રીતે કર્યું છે. પરંતુ આ નિયતિવાદમાં તો સ્વકર્તૃત્વ જ નથી. પ્રત્યેક દ્રવ્યના પ્રતિક્ષણના અનન્ત ભવિષ્યત્કાલીન પર્યાયો તેમના ક્રમમાં સુનિશ્ચિત છે. તે તેમની ધારાને બદલી શકતું નથી. તે તો કેવળ નિયતિ પિશાચિનીનું ક્રીડાસ્થળ છે અને તેના જ યન્ત્રથી અનન્તકાળ સુધી પરિચાલિત રહેશે. આગલા ક્ષણને તે અસત્થી સત્ની તરફ યા અંધકારથી પ્રકાશની તરફ લઈ જવામાં પોતાના ઉત્થાન, બલ, વીર્ય, પરાક્રમ યા પૌરુષનો કંઈ પણ ઉપયોગ કરી શકતું નથી. જ્યારે તે પોતાના ભાવોને જ નથી બદલી શકતું ત્યારે સ્વકર્તૃત્વ ક્યાં રહ્યું ? સચ્ચાઈ તો એ છે કે ભવિષ્યના પ્રત્યેક ક્ષણનું અમુક રૂપમાં હોવું અનિશ્ચિત છે. માત્ર એટલું જ નિશ્ચિત છે કે કંઈ ને કંઈ થશે અવશ્ય. ‘દ્રવ્ય’ શબ્દ સ્વયં ભવ્ય અર્થાત્ થવા યોગ્ય, યોગ્યતા અને શક્તિનો વાચક છે. દ્રવ્ય પેલા પીગળેલા મીણ જેવું છે જેને કોઈ ને કોઈ બીબામાં ઢળવું છે. એ નિશ્ચિત નથી કે તે કયા બીબામાં ઢળશે. જે આત્માઓ અબુદ્ધ અને પુરુષાર્થહીન છે તેમના અંગે કદાચિત્ ભવિષ્યવાણી કરી પણ શકાય કે આગલા ક્ષણમાં તેમનું આ પરિણમન થશે પરંતુ સામગ્રીની પૂર્ણતા અને પ્રકૃતિ પર વિજય મેળવવા દૃઢપ્રતિજ્ઞ આત્માના અંગે કોઈ ભવિષ્ય કહેવું અસંભવ છે કેમ કે ભવિષ્ય સ્વયં અનિશ્ચિત છે. તે જેવું ઇચ્છે તેવું એક સીમા સુધી બનાવી શકે છે. પ્રતિસમય વિકસિત થવા માટે સેકડો યોગ્યતાઓ છે. જેની સામગ્રી જ્યારે જે રૂપમાં મળી જાય છે કે મેળવી આપવામાં આવે છે તે યોગ્યતા કાર્યરૂપમાં પરિણત થઈ જાય છે. જો કે આત્માની સંસારી અવસ્થામાં નિતાન્ત પરતન્ત્ર સ્થિતિ છે અને તે એક રીતે
૭૪