________________
પદાર્થનું સ્વરૂપ
૧૧૫ ઉચ્છિન્ન થઈ જાય, કોઈ પણ ક્રિયા ફલવતી નહિ બની શકે. પુણ્ય-પાપ, બન્ધ-મોક્ષ આદિ વ્યવસ્થા નષ્ટ થઈ જશે. તેથી તે વસ્તુમાં પરિવર્તન તો અવશ્ય સ્વીકારવું જોઈશે. આપણે જોઈએ છીએ કે બાળક બીજના ચન્દ્રની જેમ વૃદ્ધિ પામે છે, શીખે છે અને જીવનવિકાસને પામે છે. જડ જગતનાં વિચિત્ર પરિવર્તનો તો આપણી આંખો સામે છે. જો પદાર્થો સર્વથા નિત્ય હોય તો તેઓ ક્રમથી કે યુગપત્ કોઈ પણ રીતે અર્થક્રિયા ન કરી શકે અને અર્થક્રિયાના અભાવમાં તો તેમની સત્તા જ સંદિગ્ધ બની જાય.
આ જ રીતે જો પદાર્થને પર્યાય નામક વિશેષના રૂપમાં જ સ્વીકારવામાં આવે અર્થાત્ સર્વથા ક્ષણિક માનવામાં આવે અર્થાત્ પૂર્વ ક્ષણનો ઉત્તર ક્ષણ સાથે કોઈ સંબંધ સ્વીકારવામાં ન આવે તો પણ લેવડ-દેવડ, ગુરુ-શિષ્ય આદિ વ્યવહાર તથા બન્ધ-મોક્ષ આદિ વ્યવસ્થાઓ સમાપ્ત થઈ જાય, ન તો કાર્યકારણભાવ બને કે ન તો અર્થક્રિયા સંભવે. તેથી પદાર્થને ઊર્ધ્વતાસામાન્ય અને પર્યાય નામક વિશેષના રૂપમાં સામાન્યવિશેષાત્મક યા દ્રવ્યપર્યાયાત્મક જ સ્વીકારવો જોઈએ.