________________
સ્યાદ્વાદ અને સપ્તભંગી
૩૯૧ યુવા, વૃદ્ધ આદિ અવસ્થાઓની દષ્ટિએ અનેક અનુભવાય છે. દ્રવ્ય પોતાના ગુણ અને પર્યાયોથી સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રયોજન આદિની અપેક્ષાએ ભિન્ન હોવા છતાં પણ દ્રવ્યથી ગુણ અને પર્યાયોની પૃથક સત્તા આપણને પ્રાપ્ત થતી ન હોવાના કારણે યા પ્રયત્ન કરવા છતાં પણ આપણે દ્રવ્યથી ગુણ-પર્યાયોનું વિવેચન અર્થાત્ પૃથક્કરણ ન કરી શકતા હોવાના કારણે દ્રવ્ય અને ગુણ-પર્યાયોનો અભેદ છે. સત્ સામાન્યની દૃષ્ટિએ સમસ્ત દ્રવ્યોને એક કહી શકાય છે અને પોતપોતાના વ્યક્તિત્વની દષ્ટિએ પૃથફ અર્થાત અનેક પણ કહી શકાય છે. આ રીતે સમગ્ર વિશ્વ અનેક હોવા છતાં વ્યવહારાર્થ સંગ્રહનયની દૃષ્ટિએ તેને એક કહેવામાં આવે છે. એક દ્રવ્ય પોતાના ગુણો અને પર્યાયોની દષ્ટિએ અનેકાત્મક છે. એક જ આત્મા હર્ષ, વિષાદ, સુખ-દુઃખ, જ્ઞાન આદિ અનેક રૂપોએ અનુભવમાં આવે છે. દ્રવ્યનું લક્ષણ અન્વયરૂપ છે જ્યારે પર્યાયો વ્યતિરેક રૂપ હોય છે. દ્રવ્યની સંખ્યા એક છે અને પર્યાયોની અનેક, દ્રવ્યનું પ્રયોજન અન્વયજ્ઞાન છે અને પર્યાયનું પ્રયોજન વ્યતિરેકજ્ઞાન છે. પર્યાયો પ્રતિક્ષણ નાશ પામે છે જ્યારે દ્રવ્ય અનાદિ-અનન્ત હોય છે. આ રીતે એક હોવા છતાં પણ દ્રવ્યની અનેકરૂપતા જ્યારે પ્રતીતિસિદ્ધ છે ત્યારે તેમાં વિરોધ, સંશય આદિ દૂષણોને કોઈ અવકાશ નથી. નિત્યાનિત્યાત્મક તત્ત્વ
જો દ્રવ્યને સર્વથા નિત્ય માનવામાં આવે તો તેમાં કોઈ પણ પ્રકારના પરિણનની સંભાવના જ ન રહે અને પરિણામે કોઈ અર્થક્રિયા તે નહિ કરી શકે અને અર્થક્રિયાશૂન્ય હોવાથી પુણ્ય-પાપ, બંધ-મોક્ષ, લેવડદેવડ આદિની બધી વ્યવસ્થાઓનો લોપ થઈ જાય. જો પદાર્થ સર્વથા એકસરખો ફૂટસ્થનિત્ય રહેતો હોય તો જગતના પ્રતિક્ષણનાં પરિવર્તનો અસંભવ બની જાય. અને જો પદાર્થને સર્વથા વિનાશી માનવામાં આવે તો પૂર્વ પર્યાયનો ઉત્તર પર્યાય સાથે કોઈ વાસ્તવિક સંબંધ બની શકે નહિ અને પરિણામે લેવડદેવડ, બન્ધ-મોક્ષ, સ્મરણ, પ્રત્યભિજ્ઞાન આદિ બધા વ્યવહારોનો ઉચ્છેદ થઈ જાય. જે કરે છે તે જ તેનું ફળ ભોગવે છે એ ક્રમ રહે નહિ. નિત્યપક્ષમાં કર્તુત્વ ઘટતું નથી, તો અનિત્યપક્ષમાં કરનારો એક અને ભોગવવાવાળો બીજો હોય છે. ઉપાદાન-ઉપાદેયભાવમૂલક કાર્યકારણભાવ પણ આ પક્ષમાં ઘટી શકતો નથી. તેથી સમસ્ત લોકવ્યવહાર, લોક-પરલોક તથા કાર્યકારણભાવ આદિની સુવ્યવસ્થા માટે પદાર્થમાં પરિવર્તનની સાથે સાથે જ તેની મૌલિકતાના અને અનાદિઅનન્તરૂપ દ્રવ્યત્વના આધારભૂત ધુવત્વનો પણ સ્વીકાર કરવો જોઈએ.