________________
સ્યાદ્વાદ અને સપ્તભંગી
૪૪૩
ત્યારે વિરોધ કેવો ? વિરોધ યા અવિરોધ તો પ્રમાણ દ્વારા જ વ્યવસ્થાપિત કરાય છે. જો પ્રતીતિના બળે એકરૂપતા નિશ્ચિત કરાતી હોય તો દ્વિરૂપતા પણ જ્યારે પ્રતીત થતી હોય ત્યારે તેને માનવી જોઈએ. એકે એકરૂપ જ હોવું જોઈએ એવી કોઈ ઈશ્વરાજ્ઞા નથી.
શંકા - શીત અને ઉષ્ણ સ્પર્શની જેમ ભેદ અને અભેદમાં વિરોધ કેમ નહિ ?
સમાધાન - આ તો આપની બુદ્ધિનો દોષ છે, વસ્તુમાં કોઈ વિરોધ નથી. છાયા અને આતપની જેમ સહાનવસ્થાનરૂપ વિરોધ તથા શીત અને ઉષ્ણની જેમ ભિન્નદેશવર્તિત્વરૂપ વિરોધ તો કારણબ્રહ્મ અને કાર્યપ્રપંચમાં હોઈ શકતો નથી કારણ કે તે જ ઉત્પન્ન થાય છે, તે જ અવસ્થિત રહે છે અને તે જ પ્રલય પામે છે. જો વિરોધ હોય તો આ ત્રણેય બની શકે નહિ. અગ્નિમાંથી અંકુરની ઉત્પત્તિ, અગ્નિમાં અંકુરની સ્થિતિ અને અગ્નિમાં અંકુરનો લય એ રૂપ અગ્નિ અને અંકુરનો કાર્યકારણસંબંધ તો દેખાતો નથી. કારણભૂત માટી અને સુવર્ણ આદિથી જ તજ્જન્ય કાર્ય સર્વદા અનુચૂત દેખાય છે. તેથી આંખો મીંચીને જે આ પરસ્પર અસંગતિરૂપ વિરોધ કહેવામાં આવે છે તે કાં તો બુદ્ધિવિપર્યાસના કારણે કહેવામાં આવે છે કાં તો પછી પ્રારંભિક શ્રોત્રિયના કાનોને ઠગવા માટે. શીત અને ઉષ્ણ સ્પર્શ હમેશા ભિન્ન આધારોમાં રહે છે, તેમનામાં ન તો કદી ઉત્પાદ્ય-ઉત્પાદક સંબંધ રહ્યો છે કે ન તો કદી આધારાધેય સંબંધ, તેથી તેમનો વિરોધ હોઈ શકે છે. તેથી ‘શીતોષ્ણવત્’ આ દૃષ્ટાન્ત ઉચિત નથી. શંકાકાર બહુ પ્રગલ્ભતાથી કહે છે કે -
શંકા - ‘આ સ્થાણુ છે કે પુરુષ' આ સંશયજ્ઞાનની જેમ ભેદાભેદજ્ઞાન અપ્રમાણ કેમ નથી ?
સમાધાન - પરસ્પરપરિહારવાળાઓનું જ સહ અવસ્થાન નથી થઈ શકતું. સંશયજ્ઞાનમાં કોઈ પણ પ્રમેયનો નિશ્ચય થતો નથી, તેથી તે અપ્રમાણ છે. પરંતુ અહીં તો માટી, સુવર્ણ આદિ કારણ પૂર્વસિદ્ધ છે, તેમનામાંથી પછી ઉત્પન્ન થનાર કાર્ય તદાશ્રિત જ ઉત્પન્ન થાય છે. કાર્ય કારણના સમાન જ હોય છે. કારણના સ્વરૂપનો નાશ કરીને ભિન્ન દેશ યા ભિન્ન કાળમાં કાર્ય ઉત્પન્ન થતું નથી. તેથી પ્રપંચને મિથ્યા કહેવો ઉચિત નથી. કોઈ પુરુષની અપેક્ષાએ વસ્તુની સત્યતા યા અસત્યતા આંકી શકાતી નથી, જેમ કે ‘મુમુક્ષુઓ માટે પ્રપંચ અસત્ય છે અને ઇતર વ્યક્તિઓ માટે પ્રપંચ સત્ય છે’ એમ ન કહી શકાય. રૂપને આંધળાઓ માટે અસત્ય અને દેખતાઓ માટે સત્ય ન કહી શકાય. પદાર્થો પુરુષની ઇચ્છા અનુસાર સત્ય યા અસત્ય નથી હોતા. સૂર્ય સ્તુતિ કરનારને અને નિન્દા કરનારને બંનેને પ્રકાશ