________________
અગિયારમું પ્રકરણ જૈન દર્શન અને વિશ્વશાન્તિ
વિશ્વશાન્તિ માટે જે વિચારસહિષ્ણુતા, સમાધાનની ભાવના, વર્ણ-જાતિ-રંગદેશ આદિના ભેદભાવ વિના સૌને સમાન અધિકારનો સ્વીકાર, વ્યક્તિસ્વાતન્ય અને બીજાના આન્તરિક મામલાઓમાં હસ્તક્ષેપ ન કરવો વગેરે મૂળભૂત આધારોની અપેક્ષા છે, તેમને દાર્શનિક ભૂમિકા પર પ્રસ્તુત કરવાનું કામ જૈનદર્શને બહુ પહેલેથી કર્યું છે. તેણે પોતાની અનેકાન્તદષ્ટિથી વિચારવાની દિશામાં ઉદારતા, વ્યાપકતા અને સહિષ્ણુતાનું એવું પલ્લવન કર્યું છે કે જેના કારણે એક વ્યક્તિ બીજાના દૃષ્ટિકોણને પણ વાસ્તવિક અને તથ્યપૂર્ણ માની શકે છે. તેનું સ્વાભાવિક ફળ એ છે કે તેના કારણે સમાધાનની ભાવના ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી આપણે આપણા પોતાના જ વિચાર અને દૃષ્ટિકોણને વાસ્તવિક અને સાચા માનીએ છીએ ત્યાં સુધી બીજાના પ્રત્યે આદર અને પ્રામાણિકતાનો ભાવ જ થઈ શકતો નથી. તેથી અનેકાન્તદષ્ટિ બીજાઓના દષ્ટિકોણ પ્રત્યે સહિષ્ણુતા, વાસ્તવિકતા અને સમાદરનો ભાવ ઉત્પન્ન કરે છે.
જૈનદર્શન અનન્ત આત્મવાદી છે. તે બધા આત્માઓને મૂળમાં સમાનસ્વભાવવાળા અને સમાનધર્મવાળા માને છે. તે જન્મથી કોઈ જાતિભેદ યા અધિકારભેદમાં માનતું નથી. તે અનન્ત જડ પદાર્થોનું પણ સ્વતંત્ર અસ્તિત્વ માને છે. આ દર્શને વાસ્તવિક બહુત્વને માનીને વ્યક્તિ સ્વાતત્યને સાધાર સ્વીકૃતિ આપી દીધી છે. તે એક દ્રવ્યના પરિણમન પર બીજા દ્રવ્યનો અધિકાર માનતું જ નથી. તેથી કોઈ પણ પ્રાણી દ્વારા બીજા પ્રાણીનું શોષણ, નિર્દશન યા સ્વાયત્તીકરણ અન્યાય જ છે. કોઈ ચેતનની અન્ય જડ પદાર્થોને પોતાને અધીન કરી લેવાની ચેષ્ટા પણ અનધિકાર ચેષ્ટા છે. તેવી જ રીતે કોઈ રાષ્ટ્ર યા દેશે બીજા રાષ્ટ્ર યા દેશને પોતાને અધીન કરવો, તેને પોતાનો ઉપનિવેશ બનાવવો એ મૂલતઃ અનધિકાર ચેષ્ટા જ છે, તેથી જ હિંસા અને અન્યાય છે.