________________
જૈનદર્શન
૪૦૮
કહેતો કે તે નથી, હું એમ પણ નથી કહેતો કે તે નથી એમ પણ નહિ. પરલોક છે એમ પણ નથી, પરલોક નથી એમ પણ નથી, પરલોક છે પણ અને નથી પણ એમ પણ નથી. પરલોક ન તો છે અને ન તો નથી એમ પણ નથી.’’
પરલોક, દેવતા, કર્મલ અને મુક્તિ વિશેના સંજયના આ વિચાર શત પ્રતિશત અજ્ઞાનવાદ યા અનિશ્ચયવાદના છે. સજય સ્પષ્ટ કહે છે કે ‘‘જો હું જાણતો હોઉં તો બતાવું.” તે સંશયાળુ નહિ, ઘોર અનિશ્ચયવાદી હતો. તેથી તેનું દર્શન, રાહુલજી અનુસાર, ‘‘માનવની સહજ બુદ્ધિને ભ્રમમાં પાડવા ઇચ્છતું નથી અને ન તો કોઈ નિશ્ચય કરીને ભ્રાન્ત ધારણાઓની પુષ્ટિ કરવા ચાહે છે.’’ તે અજ્ઞાનવાદી હતો.
બુદ્ધ અને સંજય
ભગવાન બુદ્ધે (૧) લોક નિત્ય છે, (૨) અનિત્ય છે, (૩) નિત્ય-અનિત્ય છે, (૪) ન નિત્ય ન અનિત્ય છે, (૫) લોક અન્તવાન છે, (૬) નથી, (૭) છે અને નથી, (૮) ન છે ન નથી, (૯) મૃત્યુ પછી તથાગત હોય છે, (૧૦) નથી હોતા, (૧૧) હોય છે પણ ખરા અને નથી પણ હોતા, (૧૨) ન તો હોય છે ન તો નથી હોતા, (૧૩) જીવ શરીરથી ભિન્ન છે, (૧૪) જીવ શરીરથી ભિન્ન નથી' (માધ્યમિકવૃત્તિ, પૃ. ૪૪૬) આ ચૌદ વસ્તુઓને અવ્યાકૃત કહેલ છે. મઝિમનિકાયમાં (૨.૨૩) તેમની સંખ્યા દસ છે. તેમનામાંથી પ્રથમ બે પ્રશ્નોમાં ત્રીજો અને ચોથો વિકલ્પ ગણાવ્યો નથી. તેમના અવ્યાકૃત હોવાનું કારણ બુદ્ધે દર્શાવ્યું છે કે તેમના અંગે કહેવું સાર્થક નથી, ભિક્ષુચર્યા માટે ઉપયોગી નથી, ન તો તે નિર્વેદ, નિરોધ, શાન્તિ, પરમજ્ઞાન યા નિર્વાણ માટે આવશ્યક છે. તાત્પર્ય એ કે બુદ્ધની દૃષ્ટિમાં તેમને જાણવા મુમુક્ષુ માટે આવશ્યક નથી. બીજા શબ્દોમાં બુદ્ધ પણ સંજયની જેમ તેમના અંગે કંઈક કહીને માનવની સહજ બુદ્ધિને ભ્રમમાં પાડવા ઇચ્છતા ન હતા અને ન તો ભ્રાન્ત ધારણાઓની સૃષ્ટિ રચવા ઇચ્છતા હતા. હા, સંજય જ્યારે પોતાની અજ્ઞાનતા અને પોતાના અનિશ્ચયને સાફ સાફ શબ્દોમાં કહી દે છે કે ‘જો હું જાણતો હોઉં તો બતાવું', ત્યારે બુદ્ધ પોતાના જાણવા ન જાણવાનો ઉલ્લેખ કર્યા વિના તે રહસ્યને શિષ્યો માટે અનુપયોગી જણાવીને છૂટકારો મેળવી લે છે. આજ સુધી આ પ્રશ્ન તાર્કિકોની સમક્ષ જેમનો તેમ છે કે ‘બુદ્ધની અવ્યાકૃતતા અને સંજયના અનિશ્ચયવાદમાં શું અંતર છે, ખાસ કરીને ચિત્તની નિર્ણયભૂમિમાં ? સિવાય કે સંજય ફક્કડની જેમ છાતી ઠોકીને ખરેખરી વાત કહી દે છે જ્યારે બુદ્ધ કુશળ મોટા માણસોની શાલીનતાનો નિર્વાહ કરે છે.