________________
૧૫૦
જૈનદર્શન
વિનાશની પ્રક્રિયાથી તો એ નિષ્કર્ષ નીકળે છે કે જે દ્રવ્યો પહેલાં ન હતાં તે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, જ્યારે ખરેખર તો કોઈ નવા દ્રવ્યનો ઉત્પાદ અને તેનો સદાને માટે નાશ એ તો વસ્તુસિદ્ધાન્તને પ્રતિકૂળ છે. એ તો સંભવ છે અને પ્રતીતિસિદ્ધ છે કે તે પરમાણુઓની વિભિન્ન અવસ્થાઓમાં પિંડ, સ્થાસ, કોશ, કુશૂલ આદિ વ્યવહાર થતાં થતાં પૂર્ણ કલશ અવસ્થામાં ઘટવ્યવહાર થાય. એમાં કોઈ નવા દ્રવ્યના ઉત્પાદની વાત નથી કે નથી વજન વધવાની વાત.
એ સાચું કે પ્રત્યેક પરમાણુ જલધારણ કરી શકતો નથી અને જલ તો ઘટમા ભરી શકાય છે, પરંતુ એટલામાત્રથી ઘટને પૃથક્ દ્રવ્ય ન માની શકાય. જલધારણ આદિ તો પરમાણુઓના વિશિષ્ટ સંગઠનનાં કાર્ય છે, જે કાર્યો આ જાતનું સંગઠન થતાં સ્વતઃ થાય છે. એક પરમાણુ આંખથી દેખાતો નથી પરંતુ અમુક પરમાણુઓનો સમુદાય જ્યારે વિશિષ્ટ અવસ્થાને પામે છે તો તે દેખાવા લાગે છે. સ્નિગ્ધતા અને રૂક્ષતાના કારણે પરમાણુઓના અનેક પ્રકારના સંબંધો થતા રહે છે જે પોતાની દૃઢતા અને શિથિલતા અનુસાર અધિક ટકાઉ કે કમ ટકાઉ હોય છે. કેમ કે સ્કન્ધાવસ્થામાં પરમાણુઓનું સ્વતન્ત્ર દ્રવ્યત્વ નષ્ટ થઈ જતું નથી એટલે તે તે ભાગના પરમાણુઓમાં પૃથક્ રૂપ અને રસાદિનું પરિણમન પણ થતું રહે છે. આ જ કારણે એક વસ્ર કોઈ ભાગમાં અધિક મેલું, કોઈમાં ઓછું મેલું અને કોઈમાં ઉજળું હોય છે.
આ તો અવશ્ય સ્વીકારવું પડશે કે જે પરમાણુઓ કોઈ સ્થૂળ ઘટ આદિ કાર્યરૂપે પરિણત થયા છે તેઓ પોતાની પરમાણુત્વ અવસ્થાને છોડી સ્કન્ધાવસ્થાને પામ્યા છે. આ સ્કન્ધાવસ્થા કોઈ નવા દ્રવ્યની નથી પરંતુ પેલા બધા પરમાણુઓની અવસ્થાઓનો યોગ છે. જો પરમાણુઓને સર્વથા પૃથક્ અને સદા પરમાણુરૂપ જ સ્વીકારવામાં આવે તો જેમ એક પરમાણુ આંખો વડે દેખાતો નથી તેમ સેંકડો પરમાણુઓને અતિ સમીપ રાખવા છતાં પણ તેઓ ઇન્દ્રિયગોચર નહિ બની શકે. અમુક સ્કન્ધાવસ્થામાં આવતાં તેમણે પોતાની અદૃશ્યતાને છોડીને દશ્યતાને ધારણ કરવી જ જોઈએ. કોઈ પણ વસ્તુની મજબૂતાઈ કે નબળાઈ તેના ઘટક અવયવોના દૃઢ કે શિથિલ બન્ધ ઉપર આધાર રાખે છે. તે જ પરમાણુઓ લોઢાના સ્કન્ધની અવસ્થાને પામીને કઠોર અને ચિરસ્થાયી બને છે, જ્યારે રૂની અવસ્થામાં મૃદુ અને અચિરસ્થાયી બને છે. આ બધું તો તેમના બન્ધના પ્રકારોથી બનતું રહે છે. એ તો સમજમાં આવે છે કે પ્રત્યેક પુદ્ગલપરમાણુદ્રવ્યમાં પુદ્ગલની બધી શક્તિઓ હોય અને વિભિન્ન સ્કન્ધોમાં તેમનો ન્યૂનાધિકરૂપમાં અનેક પ્રકારનો વિકાસ હોય. ઘડામાં જ પાણી ભરવામાં આવે છે કપડામાં નહિ, જો કે ૫૨માણુઓ તો બન્નેમાં છે