________________
૨૧૮
જૈનદર્શન આપણે માત્ર “છે'ના રૂપમાં નિર્દેશી શકીએ છીએ. આ દર્શન અસ્તિત્વરૂપ મહાસત્તા યા સામાન્યસત્તાનો પ્રતિભાસ કરે છે. તેના પછી તે વિષયની અવાત્તર સત્તા (મનુષ્યત્વ આદિ)થી યુક્ત વસ્તુનું ગ્રહણ કરનારું “આ પુરુષ છે” એવું અવગ્રહરૂપ જ્ઞાન થાય છે. અવગ્રહજ્ઞાનમાં પુરુષત્વવિશિષ્ટ પુરુષનો સ્પષ્ટ બોધ થાય છે. જે ઈન્દ્રિયો પ્રાપ્યકારી છે તેમના દ્વારા દર્શન પછી સૌપ્રથમ વ્યંજનાવગ્રહ થાય છે. જેમ કોરા ઘડામાં પહેલાં તો બે, ત્રણ, ચાર જલબિન્દુઓ પડતત તરત જ શોષાઈ જાય છે પણ પછી ઘડો ધીરે ધીરે ભીનો થાય છે તેમ વ્યંજનાવગ્રહમાં પદાર્થનો અવ્યક્ત બોધ થાય છે. તેનું કારણ એ છે કે પ્રાપ્યકારી સ્પર્શન, રસન, ધ્રાણ અને શ્રોત્ર ઇન્દ્રિયો અનેક પ્રકારની ઉપકરણચાઓથી આવૃત હોય છે, તેથી તેમને ભેદીને ઇન્દ્રિય સુધી વિષયસંબંધ થવામાં એક ક્ષણ તો લાગી જ જાય છે. અપ્રાપ્યકારી ચક્ષુનાં ઉપકરણભૂત પોપચાં આંખની કીકી ઉપર હોય છે અને પોપચાં ખુલ્યા પછી જ જોવાનું શરૂ થાય છે. આંખ ખુલ્યા પછી પદાર્થને જોવામાં અસ્પષ્ટતાની ગુંજાશ રહેતી નથી. જેટલી શક્તિ હશે તેટલું સ્પષ્ટ જ દેખાશે. તેથી ચક્ષુ ઇન્દ્રિયથી વ્યંજનાવગ્રહ થતો નથી. વ્યંજનાવગ્રહ બાકીની ચાર ઇન્દ્રિયોથી જ થાય છે.
અવગ્રહ પછી તે અવગ્રહ દ્વારા જ્ઞાન વિષયમાં “આ પુરષ દક્ષિણનો હશે કે ઉત્તરનો?” એ જાતનો વિશેષવિષયક સંશય જન્મે છે. સંશય પછી તરત જ ભાષા, વેશને જોઈને નિર્ણય ભણી મૂકનારું “આ દક્ષિણનો હોવો જોઈએ એવું સંભાવનારૂપ ઈહાજ્ઞાન થાય છે.
ઈહા પછી વિશેષ ચિહ્નો ઉપરથી “આ દક્ષિણનો જ છે એવું નિર્ણયાત્મક અવાયજ્ઞાન થાય છે. ક્યાંક તેનો અપાય તરીકે પણ ઉલ્લેખ મળે છે, જેનો અર્થ છે “અનિષ્ટ અંશની નિવૃત્તિ કરવી'. અપાય એટલે નિવૃત્તિ. અવાયમાં ઈષ્ટ અંશનો નિશ્ચય વિવલિત છે જ્યારે અપાયમાં અનિષ્ટ અંશની નિવૃત્તિ મુખ્યપણે લક્ષિત છે.
આ જ અવાય ઉત્તરકાળે દઢ બનીને ધારણા બની જાય છે. આ ધારણાના કારણે કાલાન્તરમાં તે વસ્તુનું સ્મરણ થાય છે. ધારણાને સંસ્કાર પણ કહે છે. જ્યાં સુધી ઇન્દ્રિયવ્યાપાર ચાલુ હોય છે ત્યાં સુધી ધારણા ઇન્દ્રિયપ્રત્યક્ષના રૂપમાં રહે છે. ઇન્દ્રિયવ્યાપાર નિવૃત્ત થતાં આ જ ધારણા શક્તિરૂપે સંસ્કાર બની જાય છે.
આ બધામાં સંશયજ્ઞાનને છોડીને બાકીના વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા, અવાય અને ધારણા અર્થનો યથાર્થ નિશ્ચય કરાવે તો પ્રમાણ છે, અન્યથા અપ્રમાણ. પ્રમાણતાનો અર્થ છે જે વસ્તુ જેવી પ્રતિભાસિત થતી હોય તે વસ્તુ તે જ રૂપમાં પ્રાપ્ત થવી.”