________________
જૈનદર્શન
૩૩૬
છે અને તે જ પુસ્તક બીજા આત્મામાં દ્વેષ ઉત્પન્ન કરે છે, એટલે એનો અર્થ એ ન થાય કે પુસ્તકમાં રાગ અને દ્વેષ છે. ચેતન ભાવોનું ચેતન જ ઉપાદાનકારણ હોઈ શકે, જડ નહિ. સ્વયં રાગ અને દ્વેષથી શૂન્ય જડ પદાર્થ પણ આત્માઓના રાગ અને દ્વેષનું નિમિત્ત બની શકે છે.
જો બન્ધ અને મોક્ષ પ્રકૃતિના જ થતા હોય તો પુરુષની કલ્પના નિરર્થક છે. બુદ્ધિમાં વિષયની છાયા પડવા છતાં પણ જો પુરુષમાં ભોતૃત્વરૂપ પરિણમન ન થતું હોય તો તેને ભોક્તા કેવી રીતે માની શકાય ? જો પુરુષ સર્વથા નિષ્ક્રિય હોય તો તે ભોગક્રિયાનો કર્તા પણ ન હોઈ શકે અને તેથી ભોક્તત્વની સાથે અકર્તા પુરુષની કોઈ સંગતિ જ નથી બેસતી.
મૂલ પ્રકૃતિ જો નિર્વિકાર હોય અને ઉત્પાદ તથા વ્યય કેવળ ધર્મોના જ થતા હોય તો પ્રકૃતિને પરિણામી કેવી રીતે કહી શકાય ? કારણમાં કાર્યોત્પાદનની શક્તિ તો માની શકાય છે, પરંતુ કાર્યકાલની જેમ કાર્યનો પ્રકટ સદ્ભાવ તો સ્વીકારી ન શકાય. ‘માટીમાં ઘડો પોતાના આકારમાં વિદ્યમાન છે અને તે કેવળ કુંભારના વ્યાપારથી પ્રકટ થાય છે' એમ કહેવાના બદલે આમ કહેવું વધારે યોગ્ય છે કે ‘માટીમાં સામાન્યપણે ઘટ આદિ કાર્યોને ઉત્પન્ન કરવાની શક્તિ છે, કુંભારનો વ્યાપાર આદિ નિમિત્ત મળતા તે શક્તિવાળી માટી પોતાનો પિંડરૂપ પૂર્વપર્યાય છોડી ઘટપર્યાયને ધારણ કરે છે' અર્થાત્ માટી પોતે જ ઘડો બની જાય છે. કાર્ય દ્રવ્યનો પર્યાય છે અને તે પર્યાય કોઈ પણ દ્રવ્યમાં શક્તિરૂપમાં જ વ્યવહત થઈ શકે છે.
વસ્તુતઃ પ્રકૃતિપુરુષના સંયોગથી ઉત્પન્ન થવા છતાં પણ બુદ્ધિ, અહંકાર આદિ ધર્મોનો આધાર પુરુષ જ હોઈ શકે છે, ભલે તે ધર્મો પ્રકૃતિસંસર્ગજન્ય હોવાથી અનિત્ય હોય. અભિન્ન સ્વભાવવાળી એક જ પ્રકૃતિ અખંડ તત્ત્વ હોઈને કેવી રીતે અનન્ત પુરુષો સાથે વિભિન્ન પ્રકારના સંસર્ગો એક સાથે કરી શકે ? અભિન્ન સ્વભાવ હોવાના કારણે બધા પુરુષો સાથે એક પ્રકારનો સંસર્ગ જ હોવો જોઈએ. વળી, મુક્ત આત્માઓ સાથે અસંસર્ગ અને સંસારી આત્માઓ સાથે સંસર્ગ આ ભેદ પણ વ્યાપક અને અભિન્ન પ્રકૃતિમાં કેવી રીતે ઘટી શકે ?
પ્રકૃતિને આંધળી અને પુરુષને પગ માનીને બન્નેના સંસર્ગથી સૃષ્ટિની કલ્પનાનો વિચાર સાંભળવામાં સુન્દર તો લાગે છે, પરંતુ જેવી રીતે અંધ સ્ત્રી અને પગુ પુરુષ બન્નેમા સસર્ગની ઇચ્છા અને એ જાતનું પરિણમન થાય તો જ સૃષ્ટિ સંભવ બને છે તેવી રીતે જ્યાં સુધી પુરુષ અને પ્રકૃતિ બન્નેમાં સ્વતન્ત્ર પરિણમનની યોગ્યતા