________________
નયવિચાર
૩૫૫ બીજી અભેદકલ્પના વિભિન્નસત્તાક અનેક દ્રવ્યોમાં સંગ્રહની દષ્ટિએ કરવામાં આવે છે. આ કલ્પના શબ્દવ્યવહારના નિર્વાહ માટે સાદૃશ્યની અપેક્ષાથી કરવામાં આવે છે. અનેક સ્વતન્નસત્તાક મનુષ્યોમાં સારશ્યમૂલક મનુષ્યત્વ જાતિની અપેક્ષાએ મનુષ્યત્વ સામાન્યની કલ્પના તિર્યકુ સામાન્ય કહેવાય છે. આ અનેક દ્રવ્યોમાં તીરછી ચાલે છે. એક દ્રવ્યના પર્યાયોમાં થનારી ભેદકલ્પના પર્યાય વિશેષ કહેવાય છે તથા વિભિન્ન દ્રવ્યોમાં પ્રતીત થતો ભેદ વ્યતિરેક વિશેષ કહેવાય છે. આમ બન્ને પ્રકારના અભેદોને વિષય કરનારી દષ્ટિ દ્રવ્યદષ્ટિ છે અને ભેદોને વિષય કરનારી દષ્ટિ પર્યાયદષ્ટિ છે.
પરમાર્થ અને વ્યવહાર
પરમાર્થતઃ પ્રત્યેક દ્રવ્યગત અભેદને ગ્રહણ કરનારી દષ્ટિ જ દ્રવ્યાર્થિક હોય છે, અને પ્રત્યેક દ્રવ્યગત પર્યાયભેદને જાણનારી દૃષ્ટિ જ પર્યાયાર્થિક હોય છે. અનેક દ્રવ્યગત અભેદ ઔપચારિક અને વ્યાવહારિક છે, તેથી તેમનામાં સારશ્યમૂલક અભેદ પણ વ્યાવહારિક જ છે, પારમાર્થિક નથી. અનેક દ્રવ્યોનો ભેદ પારમાર્થિક જ છે. “મનુષ્યત્વ' માત્ર સાદશ્યમૂલક કલ્પના છે. કોઈ એક એવો “મનુષ્યત્વ નામનો પદાર્થ નથી જે અનેક મનુષ્યદ્રવ્યોમાં, મોતીઓમાં દોરાની જેમ, પરોવવામાં આવ્યો હોય. સાદશ્ય પણ અનેકનિષ્ઠ ધર્મ નથી પરંતુ પ્રત્યેક વ્યક્તિમાં રહેનારો ધર્મ છે. તેનો વ્યવહાર અવશ્ય પરસાપેક્ષ છે પરંતુ સ્વરૂપ તો પ્રત્યેકનિષ્ઠ જ છે. તેથી કોઈ પણ સજાતીય યા વિજાતીય અનેક દ્રવ્યોનો સાદશ્યમૂલક અભેદ દ્વારા સંગ્રહ કેવળ વ્યાવહારિક છે, પારમાર્થિક નથી. અનન્ત પુદ્ગલપરમાણુદ્રવ્યોને પુલત્વથી એક કહેવા એ તો વ્યવહાર માટે છે, બે પૃથક પરમાણુઓની સત્તા
ક્યારેય એક ન હોઈ શકે, તે અશક્ય છે. એક દ્રવ્યગત ઊર્ધ્વતાસામાન્યને છોડીને જેટલી પણ અભેદકલ્પનાઓ અવાન્તરસામાન્ય યા મહાસામાન્યના નામે કરવામાં આવે છે તે બધી વ્યાવહારિક છે. તેમનો વસ્તુસ્થિતિ સાથે એટલો જ સંબંધ છે કે તેઓ શબ્દો દ્વારા તે પૃથફ વસ્તુઓનો સંગ્રહ કરી રહી છે. જેવી રીતે અનેક દ્રવ્યગત અભેદ વ્યાવહારિક છે તેવી જ રીતે એક દ્રવ્યમાં કાલિક પર્યાયભેદ વાસ્તવિક હોવા છતાં પણ તેમનામાં ગુણભેદ અને ધર્મભેદ તે અખંડ અનિર્વચનીય વસ્તુને સમજવા-સમજાવવા અને કહેવા માટે કરવામાં આવે છે. જેવી રીતે પૃથક સિદ્ધ દ્રવ્યોને આપણે વિશ્લેષણ કરી અલગ સ્વતન્તભાવે ગણાવી શકીએ છીએ તેવી રીતે કોઈ એક દ્રવ્યના ગુણ અને ધર્મોને દર્શાવી શકતા નથી. તેથી પરમાર્થ દ્રવ્યાર્થિક નય એક દ્રવ્યગત અભેદને વિષય કરે છે, અને વ્યવહાર પર્યાયાર્થિક નય