________________
પ્રમાણમીમાંસા
૩૪૯ અન્ય સત્તાના સંબંધની કલ્પના કરવામાં નથી આવતી તેવી જ રીતે દ્રવ્ય આદિ પણ સ્વતઃસિદ્ધ સત્ છે, તેમનામાં પણ સત્તાના સંબંધની કલ્પના નિરર્થક છે.
વૈશેષિકો તુલ્ય આકૃતિવાળા અને તુલ્ય ગુણવાળા પરમાણુઓમાં, મુક્ત આત્માઓમાં અને મુક્ત આત્માઓએ ત્યજી દીધેલાં મનોમાં ભેદપ્રત્યય કરાવવા માટે પ્રત્યેકમાં એક વિશેષ નામનો પદાર્થ માને છે. આ વિશેષો અનન્ત છે અને નિત્યદ્રવ્યવૃત્તિ છે. અન્ય અવયવી વગેરે પદાર્થોમાં જાતિ, આકૃતિ અને અવયવસંયોગ આદિના કારણે ભેદ કરી શકાય છે પરંતુ સમાન આકૃતિવાળા સમાન ગુણવાળા નિત્ય દ્રવ્યોમાં ભેદ કરવા માટે કોઈ અન્ય નિમિત્ત જોઈએ અને તે નિમિત્ત છે વિશેષ પદાર્થ. પરંતુ પ્રત્યયના આધારે પદાર્થવ્યવસ્થા માનવાનો સિદ્ધાન્ત જ ખોટો છે. જેટલા પ્રકારના પ્રત્યયો થાય છે તેટલા સ્વતંત્ર પદાર્થો જો માનવામાં આવે તો પદાર્થોની કોઈ સીમા ન રહે. જેમ એક વિશેષ બીજા વિશેષથી સ્વતઃ વ્યાવૃત્ત છે, તેમાં કોઈ વ્યાવર્તક યા ભૂદકની આવશ્યકતા નથી તેમ પરમાણુ આદિ સઘળા પદાર્થો પોતાના અસાધારણ નિજ સ્વરૂપથી જ સ્વતઃ વ્યાવૃત્ત રહી શકે છે, તેના માટે પણ સ્વતંત્ર વિશેષ પદાર્થની કોઈ આવશ્યકતા નથી. વ્યક્તિઓ સ્વયં જ વિશેષ છે. પ્રમાણનું કાર્ય છે સ્વતસિદ્ધ પદાર્થોની અસંકર વ્યાખ્યા કરવાનું અને નહિ કે નવા નવા પદાર્થોની કલ્પના કરવાનું.
ફલાભાસ
પ્રમાણથી ફળને સર્વથા અભિન્ન યા ભિન્ન કહેવું એ ફલાભાસ છે. જો પ્રમાણ અને ફળને સર્વથા ભિન્ન માનવામાં આવે તો ભિન્ન ભિન્ન આત્માઓનાં પ્રમાણ અને ફળોમાં જેમ પ્રમાણ-ફળભાવ ઘટતો નથી તેમ એક આત્માનાં પ્રમાણ અને ફળમાં પણ પ્રમાણ-ફળભાવ યા પ્રમાણ-હળવ્યવહાર ન ઘટવો જોઈએ. સમવાય સંબધ પણ સર્વથા ભેદની સ્થિતિમાં નિયામક બની શકતો નથી. જો પ્રમાણ અને ફળને સર્વથા અભિન્ન માનવામાં આવે તો “આ પ્રમાણ છે અને આ ફળ છે એવો ભેદ વ્યવહાર અને કાર્યકારણભાવ પણ ન ઘટી શકે. જે આત્માની પ્રમાણરૂપે પરિણતિ થઈ છે તે આત્માના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે, તેથી એક આત્માની દૃષ્ટિએ પ્રમાણ અને ફળમાં અભેદ છે અને સાધકતમ કારણરૂપ તથા પ્રમિતિક્રિયારૂપ પર્યાયોની દષ્ટિએ તેમનામાં ભેદ છે. તેથી પ્રમાણ અને ફળમાં કથંચિત ભેદભેદ માનવો જ ઉચિત છે.
૧. પરીક્ષામુખ, ૬.૬૬-૭૨.