________________
પ્રમાણમીમાંસા
૩૩૭ માનવામાં ન આવે ત્યાં સુધી કેવળ એકના પરિણામી હોવાથી ન તો સંસર્ગની સંભાવના છે કે ન તો સૃષ્ટિની. બન્ને એકબીજાનાં પરિણમનમાં નિમિત્તકારણ બની શકે છે, ઉપાદાનકારણ નહિ.
એક જ ચૈતન્ય હર્ષ, વિષાદ, જ્ઞાન, વિજ્ઞાન, આદિ અનેક પર્યાયોને ધારણ કરનારો સંવિરૂપે અનુભવમાં આવે છે. તે ચૈતન્યને મહતુ, અહંકાર આદિ સંજ્ઞાઓ આપી શકાય છે, પરંતુ આ વિભિન્ન ભાવોને ચેતનથી ભિન્ન એવી જડ પ્રકૃતિના ધર્મો ન માની શકાય. જલકમલવત પુરુષ જો સર્વથા નિર્લિપ્ત હોય તો પ્રકૃતિગત પરિણમનોનું તેનામાં ઔપચારિક ભોસ્તૃત્વ ઘટાવી દેવા છતાં પણ વસ્તુતઃ ન તો તે ભોક્તા સિદ્ધ થાય છે કે ન તો ચેતયિતા. તેથી પુરુષને વાસ્તવિક ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનો આધાર માનીને પરિણામીનિત્ય જ સ્વીકારવો જોઈએ. અન્યથા કૃતનાશ અને અકૃતાભ્યાગમ નામના દૂષણો આવે છે. જે પ્રકૃતિએ કાર્ય કર્યું તે તો તેનું ફળ ભોગવતી નથી અને જે પુરુષ ભોક્તા છે તે તો કર્તા નથી. આ અસંગતિ પુરુષને અવિકારી માનવામાં આવે છે જ.
જો વ્યક્તરૂપ મહત્ આદિ વિકાર અને અવ્યક્તરૂપ પ્રકૃતિમાં અભેદ હોય તો મહત્ આદિની ઉત્પત્તિ અને વિનાશથી પ્રકૃતિ અલિપ્ત કેવી રીતે રહી શકે? તેથી પરસ્પર વિરોધી અનન્ત કાર્યોની ઉત્પત્તિના નિર્વાહ માટે અનન્ત પ્રકૃતિતત્ત્વો જુદા જુદા માનવા જોઈએ જેમના વિલક્ષણ પરિણામોથી આ સૃષ્ટિનું વૈચિત્ર્ય સુસંગત થઈ શકે છે. આ બધાં તત્ત્વો એક પ્રકૃતિ જાતિના હોઈ શકે છે, પરંતુ સર્વથા એક નહિ, તેમનું પ્રથકુ અસ્તિત્વ રહેવું જ જોઈએ. શબ્દમાંથી આકાશ, રૂપમાંથી અગ્નિ ઈત્યાદિ ગુણોમાંથી ગુણીની ઉત્પત્તિની વાત અસંગત છે. ગુણ ગુણીને પેદા કરતા નથી પણ ઊલટું ગુણીમાં જ અનેક ગુણો અવસ્થાભેદથી ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. ઘડો, શકો, સુરાહી આદિ કાર્યોમાં માટીનો અન્વય જોઈને એટલું તો સિદ્ધ કરી શકાય કે તેમના ઉત્પાદક પરમાણુ એક માટી જાતિના છે.
સત્કાર્યવાદની સિદ્ધિ માટે જે “અRI’ આદિ પાંચ હેતુઓ આપ્યા છે તે બધા કથંચિત્ અસતકાર્યવાદમાં જ સંભવી શકે છે. અર્થાત પ્રત્યેક કાર્ય પોતાના આધારભૂત દ્રવ્યમાં શક્તિની દૃષ્ટિએ જ સત્ કહી શકાય છે, પર્યાયની દૃષ્ટિએ નહિ. જો પર્યાયની દષ્ટિએ પણ સત્ હોય તો કારણનો વ્યાપાર નિરર્થક થઈ જાય છે. ઉપાદાન-ઉપાદેયભાવ, શક્ય હેતુએ શક્યક્રિય કાર્યને જ પેદા કરવું, અને કારણકાર્યવિભાગ આદિ કથંચિત્ સત્કાર્યવાદમાં જ સંભવે છે.