________________
પ્રમાણમીમાંસા
૨૮૫
એક કલ્પકાલમાં ચોવીસ તીર્થંકરો થાય છે. તે બધા અક્ષરશઃ એક જ પ્રકારનો ઉપદેશ દેતા હોય એવી સંભાવના અધિક નથી, જો કે તે બધાનો તત્ત્વસાક્ષાત્કાર અને વીતરાગતા એકસરખાં જ હોય છે. પ્રત્યેક તીર્થંકરના સમયમાં વિભિન્ન વ્યક્તિઓની પરિસ્થિતિઓ જુદા જુદા પ્રકારની હોય છે, અને તે તે પરિસ્થિતિઓમાં ફસાયેલા-ગૂંચવાયેલા ભવ્ય જીવોને છૂટવાનો અને નિરાકુળ થવાનો માર્ગ બતાવે છે. એ સાચુ કે વ્યક્તિની મુક્તિ અને વિશ્વની શાન્તિ માટે અહિંસા, અપરિગ્રહ, અનેકાન્તદૃષ્ટિ અને વ્યક્તિસ્વાતન્ત્યના સિદ્ધાન્તો વૈકાલિક છે. આ મૂળ સિદ્ધાન્તોના સાક્ષાત્કારમાં કોઈ પણ તીર્થંકરને મતભેદ થયો નથી કેમ કે મૂલ સત્ય બે પ્રકારના હોતા નથી. પરંતુ તે મૂલ સત્યને જીવનવ્યવહારમાં ઉતારવાના પ્રકારો વ્યક્તિ, સમાજ, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ આદિની દૃષ્ટિએ અનન્ત પ્રકારના હોઈ શકે છે. આ વાત આપણા બધાના અનુભવની છે. જે કાર્ય એક સમયમાં અમુક પરિસ્થિતિમાં એકને માટે કર્તવ્ય હોય છે તે જ કાર્ય તે વ્યક્તિને પરિસ્થિતિ બદલાતાં અકર્તવ્ય થઈ પડે છે, ખટકે છે. તેથી કર્તવ્યાકર્તવ્ય અને ધર્માધર્મનો મૂળ આત્મા એક હોવા છતાં પણ તેનાં પરિસ્થિતિશરીરો અનેક હોય છે, પરંતુ સત્યાસત્યનો નિર્ણય તે મૂળ આત્મા સાથેની સંગતિ અને અસંગતિના આધારે થાય છે. જૈન પરંપરાની આ પદ્ધતિ શ્રદ્ધા અને તર્ક બન્નેને ઉચિત સ્થાન આપીને તેમનો સમન્વય કરે છે.
વેદાપૌરુષેયત્વવિચાર
અમે પહેલાં લખીને જણાવી ગયા છીએ કે મીમાંસકો પુરુષમાં પૂર્ણ જ્ઞાન અને વીતરાગતાનો વિકાસ માનતા નથી અને ધર્મપ્રતિપાદક વેદવાક્યને કોઈ પુરુષવિશેષની કૃતિ ન માનીને તેને અપૌરુષેય યા અકર્તૃક માને છે. આ અપૌરુષેયત્વની સિદ્ધિ માટે ‘અમ્મર્યમાળઈજ્જ હેતુ આપવામાં આવે છે. એનો અર્થ એ છે કે જો વેદનો કોઈ કર્તા હોત તો તેનું સ્મરણ અવશ્ય થાત જ, પરંતુ તેનું સ્મરણ જ નથી, તેથી વેદ અનાદિ છે અને અપૌરુષેય છે. પરંતુ કર્તાનું સ્મરણ ન હોવું એ કોઈની અનાદિતા અને નિત્યતાનું પ્રમાણ ન બની શકે. નિત્ય વસ્તુ અકર્તૃક જ હોય છે. કર્તાનું સ્મરણ હોવા ન હોવા સાથે અપૌરુષેયતા યા પૌરુષયેતાને કોઈ સંબંધ નથી. ઘણાખરા મકાનો, કૂવાઓ, ખંડેરો આદિ એવા મળે છે જેમના કર્તાઓ યા નિર્માતાઓનું કોઈ સ્મરણ નથી, તેમ છતાં પણ તેઓ અપૌરુષેય નથી.