________________
૩૨૮
જૈનદર્શન વિભિન્ન પ્રત્યયોના અર્થાત્ પ્રતીતિઓના આધારે પદાર્થોની પૃથક પૃથફ સત્તા માનવાનો ક્રમ જ ગલત છે. એક જ પદાર્થમાં અવસ્થાભેદે વિભિન્ન પ્રત્યયો થઈ શકે છે. “એક જાતિનું હોવું અને “એક હોવું એ બે સાવ જુદી વાત છે. “સર્વત્ર “સત “સંત” એવો પ્રત્યય થતો હોવાના કારણે સન્માત્ર એક તત્ત્વ છે.' આ વ્યવસ્થા કરવી એ કેવળ નરી કલ્પના જ નથી પરંતુ પ્રત્યક્ષાદિથી બાધિત પણ છે. બે પદાર્થો વિભિન્નસત્તાક હોવા છતાં પણ સાદૃશ્યના કારણે સમાન પ્રત્યયના વિષય બની શકે છે. પદાર્થોનું વર્ગીકરણ સાદૃશ્યના કારણે “એકજાતિકના રૂપમાં જો થાય છે તો એનો અર્થ એ કદાપિ ન હોઈ શકે કે તે બધા પદાર્થો “એક જ છે. અનન્ત જડ પરમાણુઓને સામાન્યલક્ષણથી એક પુદ્ગલદ્રવ્ય યા અજીવદ્રવ્ય જે કહેવામાં આવે છે તે જાતિની અપેક્ષાએ છે, વ્યક્તિઓ તો પોતપોતાની પૃથક પૃથક સત્તા ધરાવતી જુદી જુદી જ છે. આ જ રીતે અનન્ત જડ અને અનન્ત ચેતન પદાર્થોને એક દ્રવ્યત્વની દષ્ટિએ એક કહેવા છતાં પણ તેમનું પોતાનું પૃથક વ્યક્તિત્વ સમાપ્ત થઈ જતું નથી. વળી, આ જ રીતે દ્રવ્ય, ગુણ, પર્યાય આદિને એક સની દૃષ્ટિએ સન્માત્ર કહેવા છતાં પણ તેમના દ્રવ્ય અને દ્રવ્યાંશ રૂપના અસ્તિત્વમાં કોઈ બાધા ન આવવી જોઈએ. આ બધી કલ્પનાઓ સાદશ્યમૂલક છે અને નહિ કે એકત્વમૂલક. એકત્વમૂલક અભેદ તો પ્રત્યેક દ્રવ્યનો પોતાના ગુણો અને પર્યાયો સાથે જ હોઈ શકે છે. દ્રવ્ય પોતાના કાલક્રમે થનારા અનન્ત પર્યાયોની એક અવિચ્છિન્ન ધારા છે જે સજાતીય અને વિજાતીય દ્રવ્યાન્તરોથી અસંકરિત રહીને અનાદિ-અનન્ત પ્રવાહિત છે. આ રીતે પ્રત્યેક દ્રવ્યનું અદ્વૈત તાત્ત્વિક અને પારમાર્થિક છે, પરંતુ અનન્ત અખંડ દ્રવ્યોનું “સત’ની સામાન્યદષ્ટિએ કરવામાં આવતું સાદૃશ્યમૂલક સંગઠન કાલ્પનિક અને વ્યાવહારિક જ છે, પારમાર્થિક નથી.
અમુક ભૂભાગનું નામ અમુક દેશ રાખવા છતાં પણ તે દેશ કોઈ દ્રવ્ય બની જતું નથી અને ન તો એનું મનુષ્યના ભાવોથી અતિરિક્ત બહાર કોઈ પારમાર્થિક સ્થાન છે. “સેના’ ‘વન' ઇત્યાદિ સંગ્રહમૂલક વ્યવહાર શબ્દપ્રયોગની સહજતા માટે છે અને નહિ કે તેમનું પારમાર્થિક અસ્તિત્વ સાબિત કરવા માટે. તેથી અદ્વૈતને કલ્પનાનો ચરમ વિકાસ કહી ખુશ થવું એ તો સ્વયં તેની વ્યાવહારિક અને પ્રતિભાસિક સત્તાને ઘોષિત કરવા બરાબર છે. આપણે વૈજ્ઞાનિક પ્રયોગો કરવા છતાં પણ અનન્ત કાળમાં ક્યારેય પણ બે પરમાણુઓને અવિભાગી એક અખંડ દ્રવ્ય બનાવી શકતા નથી, અર્થાત્ એકની સત્તાનો લોપ વિજ્ઞાનની કોઈ ભટ્ટી પણ કરી શકતી નથી. તાત્પર્ય એ કે દિમાગી કલ્પનાઓને પદાર્થવ્યવસ્થાનો આધાર બનાવી શકાય નહિ.