________________
પ્રમાણમીમાંસા
૩૨૯
એ સાચું કે આપણે પ્રતિભાસ વિના બીજાને પદાર્થનું અસ્તિત્વ સમજાવી શકતા નથી અને ન તો આપણે ખુદ સમજી શકીએ છીએ, પરંતુ એટલા માત્રથી તે પદાર્થને ‘પ્રતિભાસસ્વરૂપ' જ ન કહી શકાય. અંધારામાં જો પ્રકાશ વિના આપણે ઘટ, પટ, આદિ પદાર્થોને જોઈ શકતા નથી અને બીજાઓને દેખાડી શકતા નથી તો એનો અર્થ એ કદાપિ ન થઈ શકે કે ઘટ, પટ આદિ પદાર્થો ‘પ્રકાશરૂપ' જ છે. પદાર્થોની પોતપોતાનાં કારણોથી પોતપોતાની સ્વતન્ત્ર સત્તાઓ છે અને પ્રકાશની તેનાં પોતાનાં કારણોથી તેમ છતાં જેમ બન્ને વચ્ચે પ્રકાશ્ય-પ્રકાશકભાવ છે તેમ પ્રતિભાસ અને પદાર્થો વચ્ચે પ્રતિભાસ્ય-પ્રતિભાસકભાવ છે. બન્નેની એક સત્તા કદાપિ હોઈ શકતી નથી. તેથી પરમ કાલ્પનિક સંગ્રહનયની દૃષ્ટિએ સમસ્ત જગતના પદાર્થોને એક ‘સત્' ભલે કહી દેવામાં આવે પરંતુ આ કહેવું તેવી જ રીતે એક કાલ્પનિક શબ્દસંકેતમાત્ર છે જેવી રીતે દુનિયાની અનન્ત કેરીઓને એક કેરી શબ્દથી કહેવી. જગતનો પ્રત્યેક પદાર્થ પોતાના વ્યક્તિત્વ માટે સંઘર્ષ કરતો દેખાય છે અને પ્રકૃતિનો નિયમ થોડા વખત માટે તેના અસ્તિત્વને બીજા સાથે જોડીને પણ છેવટે તો તેને સ્વતન્ત્ર જ રહેવાનું વિધાન કરે છે. જડ પરમાણુઓમાં આ સંબંધનો સિલસિલો પરસ્પર સંયોગના કારણે બનતો અને બગડતો રહે છે, પરંતુ ચેતન તત્ત્વોમાં તો તેની પણ સંભાવના નથી. બધાં ચેતન તત્ત્વોની પોતપોતાની અનુભૂતિઓ, વાસનાઓ અને પ્રકૃતિઓ જુદી જુદી છે. તેમનામાં સમાનતા હોઈ શકે છે, એકતા નહિ. આ રીતે અનન્ત ભેદોના ભંડારભૂત આ વિશ્વમાં એક અદ્વૈતની વાત સુન્દર કલ્પનાથી અધિક મહત્ત્વ ધરાવતી નથી.
જૈન દર્શનમાં આ પ્રકારની કલ્પનાઓને સંગ્રહનયમાં સ્થાન આપીને પણ એક શરત લગાવી દીધી છે કે કોઈ પણ નય પોતાના પ્રતિપક્ષી નયથી નિરપેક્ષ બનીને સત્ય હોઈ શકતો નથી. અર્થાત્ ભેદથી નિરપેક્ષ અભેદ પરમાર્થસત્ની પદવીએ પહોંચી શકતો નથી. તેણે એ કહેવું જ પડશે કે ‘આ સ્વયંસિદ્ધ ભેદોમાં આ દૃષ્ટિએ અભેદ કહી શકાય.’ જે નય પ્રતિપક્ષી નયના વિષયનો નિષેધ કરીને એકાન્ત તરફ ઢળે છે તે દુર્નય છે, નયાભાસ છે. તેથી સન્માત્ર અદ્વૈત સંગ્રહનયનો વિષય નથી પરંતુ સંગ્રહનયાભાસનો વિષય છે.
શબ્દાદ્વૈતવાદ સમીક્ષા
(૧) શબ્દાદ્વૈતવાદનો પૂર્વપક્ષ - ભર્તૃહરિ આદિ વૈયાકરણો જગતમાં માત્ર શબ્દને જ પરમાર્થસત્ કહીને સમસ્ત વાચ્ય-વાચક તત્ત્વોને તે શબ્દબ્રહ્મના વિવો