________________
૩૨૭
પ્રમાણમીમાંસા પર્યાયોરૂપ ભેદો દ્રવ્યમાં વાસ્તવિક છે, કેવળ પ્રતિભાસિક અને કાલ્પનિક નથી. દ્રવ્ય પોતે પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વભાવના કારણે તે તે પર્યાયોના રૂપે પરિણત થાય છે. તેથી એક દ્રવ્યમાં અદ્વૈત હોવા છતાં પણ ભેદની સ્થિતિ એટલી જ સત્ય છે જેટલી અભેદની છે. પર્યાયો પણ દ્રવ્યની જેમ વસ્તુત છે કેમ કે તે તેના પર્યાયો છે. એ સાચું કે સાધના કરતી વખતે યોગીને ધ્યાનકાળમાં એવી નિર્વિકલ્પ અવસ્થા પ્રાપ્ત થઈ શકે છે જેમાં જગતના અનન્ત ભેદો યા સ્વપર્યાયગત ભેદો પણ પ્રતિભાસિત ન હોતાં કેવળ અદ્વૈત આત્માનો જ સાક્ષાત્કાર થાય, પરંતુ એટલા માત્રથી જગતની સત્તાનો લોપ ન કરી શકાય.
“જગત ક્ષણભંગુર છે, સંસાર સપનું છે, મિથ્યા છે, ગંધર્વનગરની જેમ પ્રતિભાસ માત્ર છે? ઈત્યાદિ ભાવનાઓ છે. તે ભાવનાઓ દ્વારા ચિત્તને ભાવિત કરીને તેની પ્રવૃત્તિને જગતના વિષયોમાંથી પાછી વાળી આત્મલીન કરવામાં આવે છે. ભાવનાઓથી તત્ત્વની વ્યવસ્થા નથી થતી. તેના માટે તો સુનિશ્ચિત કાર્યકારણભાવની પદ્ધતિ અને તન્લક પ્રયોગ જ અપેક્ષિત છે. જૈનાચાર્યો પણ અનિત્યભાવનામાં જગતને મિથ્યા અને સ્વપ્નવત અસત્ય કહે છે. પરંતુ તેનું પ્રયોજન કેવળ વૈરાગ્ય અને ઉપેક્ષાવૃત્તિને જાગૃત કરવાનું છે. તેથી ભાવનાઓના બળે તત્ત્વજ્ઞાન માટે યોગ્ય એવી ચિત્તની ભૂમિકા તૈયાર થતી હોવા છતાં તત્ત્વવ્યવસ્થામાં તેનો ઉપયોગ કરવાનો મિથ્યા ક્રમ છોડી દેવો જ જોઈએ.
“એક બ્રહ્મના જ બધા અંશો છે, પરસ્પરનો ભેદ જૂઠો છે, તેથી બધાએ હળીમળીને પ્રેમપૂર્વક રહેવું જોઈએ આ જાતના ઉદાર ઉદ્દેશ્યથી બ્રહ્મવાદનું સમર્થન કરવાનો ઢગ કેવળ ઔદાર્યના પ્રચારનું કલ્પિત સાધન બની શકે છે.
આજના ભારતીય દાર્શનિકો એ કહેતાં ધરાતા નથી કે “દર્શનની ચરમ કલ્પનાનો વિકાસ અદ્વૈતવાદમાં જ થઈ શકે છે. તો શું દર્શન કેવળ કલ્પનાની દોડ છે? જો દર્શન કેવળ કલ્પનાની સીમામાં જ પ્રવૃત્ત રહેવા ઇચ્છતું હોય તો તેણે સમજી લેવું જોઈએ કે વિજ્ઞાનના આ સુસમ્બદ્ધ કાર્યકારણભાવના યુગમાં તેનું કોઈ વિશિષ્ટ સ્થાન રહી શકશે નહિ. નક્કર વસ્તુનો આધાર છોડી કેવળ દિમાગી કસરતમાં પડ્યા રહેવાના કારણે જ આજ ભારતીય દર્શન અનેક વિરોધાભાસોનું અજાયબઘર બની ગયું છે. દર્શનનું તો કેવળ એ જ કામ હતું કે તે સ્વયંસિદ્ધ પદાર્થોનું સમુચિત વર્ગીકરણ કરીને તેમની વ્યાખ્યા કરે પરંતુ તેણે તો પ્રયોજન અને ઉપયોગની દષ્ટિએ પદાર્થોનું કાલ્પનિક નિર્માણ જ શરૂ કરી દીધું.