________________
પ્રમાણમીમાંસા
૩૧૧
જે અસ્વસવેદી જ્ઞાન પોતાના સ્વરૂપને જ જાણતું નથી તે પુરુષાન્તરના જ્ઞાનની જેમ આપણને અર્થબોધ કેવી રીતે કરાવી શકે ? નિર્વિકલ્પક દર્શન સંવ્યવહારાનુપયોગી હોવાના કારણે પ્રમાણની કક્ષામાં દાખલ કરાતું નથી. વસ્તુતઃ જ્યારે જ્ઞાનને પ્રમાણ માન્યું છે ત્યારે પ્રમાણ અને પ્રમાણાભાસની ચિન્તા પણ જ્ઞાનના ક્ષેત્રમાં જ કરાવી જોઈએ. બૌદ્ધ મતમાં શબ્દયોજના પહેલા થનારા જ્ઞાનને યા શબ્દસંસર્ગની યોગ્યતા ન ધરાવતા જ્ઞાનને નિર્વિકલ્પક દર્શન' શબ્દથી કહેલ છે; તે સંવ્યવહારાનુપયોગી દર્શનને જ પ્રમાણાભાસ કહેવું અહીં ઇષ્ટ છે, કેમકે સંવ્યવહાર માટે જ અર્થક્રિયાર્થી વ્યક્તિ પ્રમાણની ચિન્તા કરે છે. ધવલાદિ સિદ્ધાન્ત ગ્રન્થોમાં જે નિરાકારદર્શનરૂપ આત્મદર્શનનું વિવેચન છે તે જ્ઞાનથી ભિન્ન એવો આત્માનો એક પૃથક્ ગુણ છે. તેથી તેને પ્રમાણાભાસ ન કહેતાં પ્રમાણ અને અપ્રમાણના વિચારની બહાર જ રાખવું ઉચિત છે.
અવિસંવાદી અને સભ્યજ્ઞાનને પ્રમાણ કહેલ છે. જો કે આચાર્ય માણિક્યનન્દીએ પ્રમાણના લક્ષણમાં ‘અપૂર્વાર્થગ્રાહી' વિશેષણ મૂક્યું છે અને ગૃહીતગ્રાહી જ્ઞાનને પ્રમાણાભાસ પણ ઘોષિત કર્યું છે પરંતુ તેમના આ વિચાર સાથે વિદ્યાનન્દ આદિ આચાર્ય સહમત નથી. અકલકદેવે પણ ક્યાંક પ્રમાણના વર્ણનમાં અનધિગતાર્થગ્રાહી પદ મૂક્યું છે, પરંતુ તેમણે તેને પ્રમાણતાનું પ્રયોજક માન્યું નથી. પ્રમાણતાના પ્રયોજકના રૂપમાં તો તેમણે અવિસંવાદનું જ વર્ણન કર્યું છે. તેથી ગૃહીતગ્રાહિત્વને એટલો મોટો દોષ ન ગણી શકાય કે જેના કારણે તેવા જ્ઞાનને પ્રમાણાભાસની કોટિમાં દાખલ કરવું પડે.
જ્યારે વસ્તુના સામાન્ય ધર્મનું દર્શન થાય છે અને વિશેષ ધર્મ દેખાતો નથી એટલે ત્યારે બે પરસ્પર વિરોધી વિશેષોનું સ્મરણ થઈ આવે છે, પરિણામે જ્ઞાન તે બે વિશેષ કોટિઓમાં દોલાયમાન થવા લાગે છે. આ સંશયજ્ઞાન અનિર્ણયાત્મક હોવાથી પ્રમાણાભાસ છે. વિપર્યયજ્ઞાનમાં વિપરીત એક કોટિનો નિશ્ચય હોય છે અને અનધ્યવસાયજ્ઞાનમાં કોઈ પણ કોટિનો નિશ્ચય થતો નથી, તેથી આ જ્ઞાનો વિસંવાદી હોવાના કારણે પ્રમાણાભાસ છે.
સન્નિષ્કર્ષાદિ પ્રમાણાભાસ
ચક્ષુ અને રસનો સંયુક્તસમવાયસમ્બન્ધ હોવા છતાં પણ ચક્ષુથી રસજ્ઞાન થતું નથી અને રૂપની સાથે ચક્ષુનો સન્નિકર્ષ ન હોવા છતાં પણ રૂપજ્ઞાન થાય છે. તેથી સત્રિકર્ષને પ્રમાનું સાધકતમ કારણ ન કહી શકાય.' વળી, સન્નિકર્ષ તો અચેતન છે ૧. પરીક્ષામુખ, ૬.૫.