________________
૩૨૨
જૈનદર્શન
ઉત્તરપર્યાયની ઉત્પત્તિ અને દ્રવ્યરૂપે સ્થિતિ આ ત્રયાત્મકતા વિના પદાર્થ કોઈ પણ અર્થક્રિયા કરી શકતો નથી. ‘લોકવ્યવસ્થા’ આદિ પ્રકરણોમાં અમે આનું વિસ્તારથી નિરૂપણ કરી દીધું છે. જો સર્વથા નિત્ય સામાન્ય આદિરૂપ પદાર્થ અર્થક્રિયાકારી હોય, તો સમર્થના માટે કારણાન્તરની અપેક્ષા ન હોવાથી સમસ્ત કાર્યોની ઉત્પત્તિ એક સાથે થઈ જવી જોઈએ. અને જો તે અસમર્થ હોય તો કાર્યોત્પત્તિ બિલકુલ જ ન થવી જોઈએ. ‘સહકારી કારણો મળતાં કાર્યોત્પત્તિ થાય છે' આમ કહેવાનો સીધો અર્થ એ જ છે કે સહકારીઓ તે કારણના અસામર્થ્યને દૂર કરી તેનામાં સામર્થ્ય ઉત્પન્ન કરે છે અને આ રીતે તે ઉત્પાદ અને વ્યયનો આધાર બની જાય છે. સર્વથા ક્ષણિક પદાર્થમાં કાલકૃત ક્રમ ન હોવાના કારણે કાર્યકારણભાવ અને ક્રમિક કાર્યોત્પત્તિનો નિર્વાહ થઈ શકતો નથી. પૂર્વનો ઉત્તર સાથે કોઈ વાસ્તવિક સ્થિર સંબંધ ન હોવાથી જગતનો કાર્યકારણભાવમૂલક બધો જ વ્યવહાર ઉચ્છેદ પામી જશે. બદ્ધનો જ મોક્ષ તો ત્યારે જ થઈ શકે જ્યારે એક જ અનુસ્યૂત ચિત્ત પહેલાં બંધાય અને પછી તે જ છૂટે. હિંસકને જ પાપનું ફળ ભોગવવાનો અવસર તો જ આવી શકે જો હિંસારૂપ ક્રિયાથી લઈને ફળ ભોગવવા સુધી તેનું વાસ્તવિક અસ્તિત્વ અને પરસ્પર સંબંધ હોય.
આ વિષયાભાસોમાં બ્રહ્મવાદ અને શબ્દાદ્વૈતવાદ સર્વથા નિત્ય પદાર્થનું પ્રતિનિધિત્વ કરનારી ઉપનિષદ્ધારામાંથી નીકળ્યા છે. સાંખ્યનો એકપ્રધાનવાદ યા પ્રકૃતિવાદ પણ કેવલસામાન્યવાદમાં આવે છે. પ્રતિક્ષણ પદાર્થોનો વિનાશ માનવો અને પરસ્પર વિશકલિત ક્ષણિક પરમાણુઓનો પુંજ માનવો એ કેવલવિશેષવાદમાં સમાવિષ્ટ છે. તથા સામાન્યને સ્વતન્ત્ર પદાર્થ અને દ્રવ્ય, ગુણ, કર્મ આદિ વિશેષોને પૃથક્ સ્વતન્ત્ર પદાર્થ માનવા એ પરસ્પર નિરપેક્ષ ઉભયવાદમાં સમાવેશ પામે છે. બ્રહ્મવાદવિચાર
(૧) વેદાન્તીનો પૂર્વપક્ષ - વેદાન્તી જગતમાં કેવળ એક બ્રહ્મને જ સત્ માને છે.` તે કૂટસ્થનિત્ય અને અપરિવર્તનશીલ છે. તે સત્ રૂપ છે. ‘છે’ આ અસ્તિત્વ જ તે મહાસત્તાનું સૌથી પ્રબળ સાધક પ્રમાણ છે. ચેતન અને અચેતન જેટલા પણ ભેદો છે તે બધા આ બ્રહ્મના પ્રતિભાસમાત્ર છે. તેમની સત્તા પ્રાતિભાસિક યા વ્યાવહારિક છે, પારમાર્થિક નથી. જેમ એક સમુદ્ર વાયુવેગથી અનેક પ્રકારની વીચી, તરંગો, ફીણ, બુર્બુદો આદિ રૂપે પ્રતિભાસિત થાય છે તેમ એક સત્ બ્રહ્મ અવિદ્યા યા માયાના કારણે અનેક જડ-ચેતન, જીવાત્મા-પરમાત્મા અને ઘટ-પટ આદિરૂપે પ્રતિભાસિત થાય છે. આ તો દૃષ્ટિસૃષ્ટિ છે. અવિદ્યાના કારણે પોતાની ૧. સર્વે ત્વિયં બ્રહ્મ । છાન્દોગ્ય ઉપનિષદ્, ૩.૧૪.૧