________________
૨૮૮
જૈનદર્શન આજનું વિજ્ઞાન શબ્દતરંગોને તેવી જ રીતે ક્ષણિક માને છે જેવી રીતે જૈન, બૌદ્ધ આદિ દર્શનો માને છે. તેથી અતીન્દ્રિય પદાર્થોમાં વેદની અન્તિમ પ્રમાણતા માનવા માટે એ આવશ્યક છે કે તેનો આદ્ય પ્રતિપાદક પોતે જ અતીન્દ્રિયદર્શી હોય. અતીન્દ્રિયદર્શનની અસંભવતા કહીને અન્ય પરંપરા ચલાવવાથી પ્રમાણતાનો નિર્ણય થઈ શકતો નથી. જ્ઞાનસ્વભાવવાળા આત્માના સર્વ આવરણો દૂર થઈ જતાં તેનું પૂર્ણ જ્ઞાની બની જવું અસંભવ વાત નથી. શબ્દ એ તો વક્તાના ભાવોને વહન કરનારું એક માધ્યમ છે જેની પ્રમાણતા અને અપ્રમાણતા શબ્દની પોતાની ન હોતા વક્તાના ગુણો અને દોષો પર આશ્રિત હોય છે. અર્થાત ગુણવાન વક્તા દ્વારા કહેવામાં આવેલો શબ્દ પ્રમાણ હોય છે અને દોષવાળા વક્તા દ્વારા પ્રતિપાદિત શબ્દ અપ્રમાણ હોય છે. તેથી કોઈ શબ્દને ધન્યવાદ કે ગાળ દેતું નથી પરંતુ તેના બોલનાર વક્તાને દે છે. વક્તાનો અભાવ માનીને “દોષો નિરાશ્રય રહેતા નથી” આ યુક્તિથી વેદને નિર્દોષ કહેવા એ તો એના જ જેવું છે કે મેઘગર્જન અને વીજળીના કડાકાને નિર્દોષ દર્શાવવા. વેદ આ વિધિથી નિર્દોષ બની પણ જાય પરંતુ મેઘગર્જન આદિની જેમ તે નિરર્થક જ સિદ્ધ થશે. તે વિધિ-નિષેધ આદિ પ્રયોજનોનો સાધક બની શકશે નહિ.
વ્યાકરણ આદિના અભ્યાસથી લૌકિક શબ્દોની જેમ વૈદિક પદોના અર્થની સમસ્યાને ઉકેલવી એટલા માટે અસંગત છે કેમ કે જ્યારે શબ્દના અનેક અર્થો હોય છે ત્યારે અનિષ્ટ અર્થનો પરિહાર કરીને ઈષ્ટ અર્થનું નિયમન કરવું કેવી રીતે સંભવ બનશે ? પ્રકરણ આદિ પણ અનેક હોઈ શકે છે. તેથી ધર્મ આદિ અતીન્દ્રિય પદાર્થોનો સાક્ષાત્કાર કરનાર વિના ધાર્મિક નિયમ-ઉપનિયમોમાં વેદની નિબંધતા સિદ્ધ થઈ શકતી નથી. જ્યારે એક વાર અતીન્દ્રિયદર્શીને સ્વીકારી લીધો ત્યારે પછી તો વેદને અપૌરુષેય માનવો નિરર્થક છે. કોઈ પણ પદ અને વાક્ય યા શ્લોક આદિ છન્દરચના પુરુષની ઇચ્છા અને બુદ્ધિ વિના સંભવે નહિ. ધ્વનિ આપોઆપ પુરુષપ્રયત્ન વિના નીકળી શકે છે પરંતુ ભાષા માણસની પોતાની દેણ છે, તેમાં તેનો પ્રયત્ન,વિવક્ષા અને જ્ઞાન બધાં કારણો હોય છે.
શબ્દાર્થપ્રતિપત્તિ
સ્વાભાવિક યોગ્યતા અને સકેતના કારણે શબ્દ અને હસ્તસંજ્ઞા આદિ વસ્તુની પ્રતિપત્તિ કરાવે છે. જેમ જ્ઞાન અને શેયમાં જ્ઞાપકશક્તિ અને જ્ઞાપ્યશક્તિ સ્વાભાવિક છે તેમ શબ્દ અને અર્થમાં પ્રતિપાદકશક્તિ અને પ્રતિપાદ્ઘશક્તિ સ્વાભાવિક જ છે. જેવી રીતે હસ્તસંજ્ઞા આદિનો પોતાના અભિવ્યંજનીય અર્થની