________________
૨૯૪
જૈનદર્શન
થતો તેમને જ આપણે વિસંવાદી કહીને મિથ્યા ઠરાવીએ છીએ. પ્રત્યેક દર્શનકાર પોતાના દ્વારા પ્રતિપાદિત શબ્દોનો વસ્તુસંબંધ જ તો દર્શાવવાનો પ્રયત્ન કરે છે. તે તેની કાલ્પનિકતાનો પરિહાર પણ જુસ્સાથી કરે છે. અવિસંવાદનો આધાર અર્થપ્રાપ્તિ સિવાય બીજો કોઈ બની જ શકતો નથી.
અગોનિવૃત્તિરૂપ સામાન્યમાં જે ગૌની નિવૃત્તિ આપ કરવા ઇચ્છો છો તે ગૌનું નિર્વચન કરવું જ કઠણ છે. સ્વલક્ષણભૂત ગૌની નિવૃત્તિ તો એટલા માટે નથી કરી શકાતી કેમ કે તે શબ્દને અગોચર છે. જો અગોનિવૃત્તિના પેટમાં પડેલી ગૌને પણ અગોનિવૃત્તિરૂપ જ કહેવામાં આવતી હોય તો અનવસ્થાથી છૂટકારો થશે નહિ. વ્યવહા૨ી સીધો ગૌશબ્દ સાંભળીને ગૌઅર્થનું જ્ઞાન કરે છે, તેઓ અન્ય અગૌ આદિનો નિષેધ કરીને ગૌઅર્થ સુધી નથી પહોંચતા. ગાયોમાં જ ‘અગોનિવૃત્તિ’ મળે છે એનો અર્થ જ એ છે કે તે બધીમાં આ એક સમાન ધર્મ છે. ‘શબ્દનો અર્થ સાથે સંબંધ માનતાં તો અર્થને જોતાવેત શબ્દ સંભળાવો જોઈએ' આ આપત્તિ અત્યન્ત અજ્ઞાનપૂર્ણ છે કેમ કે વસ્તુમાં અનન્ત ધર્મ છે, તેમનામાંથી કોઈક જ ધર્મ કોઈક જ્ઞાનનો વિષય બને છે, બધા બધાંના વિષય બનતા નથી. જેની જ્યારે જેવી ઇન્દ્રિયાદિસામગ્રી અને યોગ્યતા હોય છે તે ધર્મ ત્યારે તે તે જ્ઞાનનો સ્પષ્ટ યા અસ્પષ્ટરૂપમાં વિષય બને છે.
જો ‘ગૌ’ શબ્દ દ્વારા અગોનિવૃત્તિ મુખ્યપણે કહેવાતી હોય તો ‘ગૌ’' શબ્દ સાંભળતાં જ સૌપ્રથમ ‘અગૌ’ એવું જ્ઞાન શ્રોતાને થવું જોઈએ, પરંતુ આવું દેખાતું નથી. આપ ‘ગૌ’ શબ્દથી અશ્વ આદિની નિવૃત્તિ કરો છો, તો અશ્વાદિનિવૃત્તિરૂપ ક્યો પદાર્થ શબ્દનો વાચ્ય બનશે ? અસાધારણ ગૌ સ્વલક્ષણ તો બની શકશે નહિ કેમ કે તે બધા શબ્દો અને વિકલ્પોને અગોચર છે. શાબલેય આદિ વ્યક્તિવિશેષને પણ શબ્દનો વાચ્ય ન કહી શકો કેમ કે જો ‘ગૌ' શબ્દ શાબલેય આદિનો વાચક હોય તો તે સામાન્યશબ્દ ન રહી શકે. તેથી સમસ્ત સજાતીય શાબલેય આદિ વ્યક્તિઓમાંની પ્રત્યેકમાં જે સાદૃશ્ય રહે છે તન્નિમિત્તક જ ગૌબુદ્ધિ થાય છે અને તે જ સાદૃશ્ય સામાન્યરૂપ છે.
૧
આપના મતે જે વિભિન્ન સામાન્યવાચી ગૌ, અશ્વ આદિ શબ્દો છે તે બધા માત્ર નિવૃત્તિના વાચક હોવાથી પર્યાયવાચી બની જશે, કેમ કે વાચ્યભૂત અપોહ નીરૂપ (તુચ્છ) હોવાથી તેમાં કોઈ ભેદ બાકી રહેતો નથી. એકત્વ, નાનાત્વ અને સંસૃષ્ટત્વ આદિ ધર્મ વસ્તુમાં જ પ્રતીત થાય છે. જો અપોહમાં ભેદ માનવામાં આવે તો અપોહ પણ વસ્તુ જ બની જાય.
૧. જુઓ પ્રમેયકમલમાર્તંડ, પૃ. ૪૩૩.