________________
પ્રમાણમીમાંસા
૨૩૧ આવૃત હોવાના કારણે પોતાના પૂર્ણ રૂપમાં વિકસિત થઈ શકી નથી. ધ્યાન આદિ સાધનાઓથી તે આગન્તુક આવરણનો જેમ જેમ ક્ષય કરવામાં આવે છે તેમ તેમ જ્ઞાનની સ્વરૂપજ્યોતિ તેવી રીતે પ્રકાશમાન થવા લાગે છે જેવી રીતે વાદળો દૂર થતા સૂર્યનો પ્રકાશ. પોતાના અનન્ત શક્તિવાળા જ્ઞાન ગુણના વિકાસની પરમ પ્રકર્ષ અવસ્થા જ સર્વજ્ઞતા છે. આત્માના જે ગુણો કર્મવાસનાઓથી આવત છે તે ગુણો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્રરૂપ સાધનાઓથી પ્રકટ થાય છે, જેમ કોઈ ઇષ્ટ જનની ભાવના કરવાથી તેનું સાક્ષાત્ સ્પષ્ટ દર્શન થાય છે.
પ્રશ્ન - જો સર્વજ્ઞના જ્ઞાનમાં અનાદિ અને અનન્ત ઝળકે છે તો તેમની અનાદિતા અને અનન્તતા ક્યાંથી રહી શકે ?
ઉત્તર - જે પદાર્થો જેવા છે તેવા જ જ્ઞાનમાં પ્રતિભાસિત થાય છે. જો આકાશની ક્ષેત્રકૃત અને કાલની સમયકૃત અનન્તતા છે તો આકાશ અને કાલ તે જ રૂપમાં જ્ઞાનનો વિષય બને છે. જો દ્રવ્યો અનન્ત છે તો તે બધાં દ્રવ્યો પણ તે જ રૂપમાં જ્ઞાનમાં પ્રતિભાસિત થાય છે. મૌલિક દ્રવ્યનું દ્રવ્યત્વ એ જ છે કે તે અનાદિ અને અનન્ત હોય. તેના નિજ સ્વભાવને અન્યથી કરી શકાતો નથી અને ન તો તે અન્ય રૂપમાં કેવળજ્ઞાનનો વિષય બને છે. તેથી જગતના સ્વરૂપભૂત અનાદિઅનન્તત્વનું તે જ રૂપમાં જ્ઞાન થાય છે.
પ્રશ્ન – આગમોમાં કહેવામાં આવેલાં સાધનોનું અનુષ્ઠાન કરીને સર્વજ્ઞતા પ્રાપ્ત થાય છે અને સર્વજ્ઞ દ્વારા આગમોને ઉપદેશવામાં આવે છે, તેથી બન્ને પરસ્પરાશ્રિત હોવાથી અસિદ્ધ છે, શું નથી?
ઉત્તર - સર્વજ્ઞ આગમના કારક છે. પ્રકૃતિ સર્વજ્ઞનું જ્ઞાન પૂર્વસર્વજ્ઞ દ્વારા પ્રતિપાદિત આગમાર્થના આચરણથી ઉત્પન્ન થાય છે અને પૂર્વસર્વજ્ઞનું જ્ઞાન તપૂર્વસર્વજ્ઞ દ્વારા પ્રતિપાદિત આગમાર્થના આચરણથી ઉત્પન્ન થાય છે. આ રીતે પૂર્વ પૂર્વ સર્વજ્ઞ અને આગમોની શૃંખલા બીજાંકુરની સત્તતિની જેમ અનાદિ છે અને અનાદિ સન્નતિમાં અન્યોન્યાશ્રયદોષનો વિચાર થતો નથી. મુખ્ય પ્રશ્ન એ છે કે શું આગમ સર્વજ્ઞ વગર હોઈ શકે છે? અને પુરુષ સર્વજ્ઞ બની શકે છે કે નહિ? બન્નેનો ઉત્તર એ છે કે પુરુષ પોતાનો વિકાસ કરી સર્વજ્ઞ બની શકે છે, અને તેના ગુણોથી વચનોમાં પ્રમાણતા આવતી હોવાથી તે વચનો આગમ' નામ પામે છે.
પ્રશ્ન - જ્યારે આજકાલ પ્રાયઃ પુરુષો રાગી, દ્વેષી અને અજ્ઞાની જ જોવામાં આવે છે ત્યારે અતીત અને ભવિષ્યમાં ક્યારેક કોઈ વીતરાગી યા સર્વજ્ઞની સંભાવના કેવી રીતે માની શકાય?, કેમ કે પુરુષની શક્તિઓની સીમાનું ઉલ્લંઘન થઈ શકતું નથી.