________________
૧૫૭
છ દ્રવ્યોનું વિવેચન જૈનદર્શનનો સદસત્કાર્યવાદ
જૈન દર્શન સદસત્કાર્યવાદી છે. તેનો સિદ્ધાન્ત છે કે પ્રત્યેક પદાર્થમાં મૂળભૂત દ્રવ્યયોગ્યતાઓ હોવા છતાં પણ કેટલીક તત્પર્યાયયોગ્યતાઓ પણ હોય છે. આ તત્પર્યાયયોગ્યતાઓ મૂલ દ્રવ્યયોગ્યતાઓની બહારની નથી પરંતુ તેમનામાંથી વિશેષ અવસ્થાઓમાં સાક્ષાત્ વિકાસ પામનારી હોય છે. ઉદાહરણાર્થ, માટીરૂપ પુદ્ગલના પરમાણુઓમાં પુદ્ગલની ઘટ, પટ આદિ રૂપે પરિણમન કરવાની બધી દ્રવ્યયોગ્યતાઓ છે પરંતુ માટીની તત્પર્યાયયોગ્યતા તો ઘટને જ સાક્ષાત ઉત્પન્ન કરી શકે છે. પટ આદિને નહિ. તાત્પર્ય એ કે કાર્ય પોતાના કારણદ્રવ્યમાં દ્રવ્યયોગ્યતાની સાથે જ તત્પર્યાયયોગ્યતા યા શક્તિના રૂપમાં રહે જ છે. અર્થાત તેનું અસ્તિત્વ યોગ્યતારૂપે એટલે કે દ્રવ્યરૂપે જ છે, પર્યાયરૂપે નથી.
સાખ્યોને ત્યાં કારણદ્રવ્ય તો કેવળ એક પ્રધાન જ છે જેમાં જગતના સમસ્ત કાર્યોને ઉત્પન્ન કરવાની શક્તિ છે. આવી દશામાં જ્યારે તેનામાં શક્તિરૂપે બધાં કાર્યો મોજૂદ છે ત્યારે અમુક સમયે અમુક જ કાર્ય ઉત્પન્ન થાય એવી વ્યવસ્થા ઘટતી નથી. કારણ એક હોવાથી પરસ્પર વિરોધી અનેક કાર્યોની યુગપત ઉત્પત્તિ સંભવતી જ નથી. તેથી સાંખ્ય ચિંતકે એમ કહેવાનો કોઈ વિશેષ અર્થ રહેતો નથી કે “કારણમાં કાર્ય શક્તિરૂપે છે, વ્યક્તિરૂપે નથી, કેમ કે શક્તિરૂપે તો બધાં બધે મોજૂદ છે જ. કેમ કે પ્રધાન વ્યાપક અને નિરંશ છે એટલે તેમાંથી એક સાથે વિભિન્ન દેશોમાં પરસ્પર વિરોધી અનેક કાર્યોનો આવિર્ભાવ થવો પ્રતીતિવિરુદ્ધ છે. સીધો પ્રશ્ન તો એ છે કે જ્યારે સર્વશક્તિમાન પ્રધાન નામનું કારણ સર્વત્ર વિદ્યમાન છે તો માટીના પિંડમાંથી ઘડાની જેમ કાપડ અને પુસ્તક કેમ ઉત્પન્ન થતાં નથી ?
જૈન દર્શનનો ઉત્તર તો સ્પષ્ટ છે કે માટીના પરમાણુઓમાં જો કે પુસ્તક અને પટરૂપે પરિણમન કરવાની મૂળભૂત દ્રવ્યયોગ્યતા છે પરંતુ માટીના પિંડરૂપ પર્યાયમાં સાક્ષાત્ પટ અને પુસ્તક બનવાની તત્પર્યાયયોગ્યતા નથી, તેથી માટીનો પિંડ પુસ્તક યા પટ નથી બની શકતો. વળી, કારણદ્રવ્ય પણ એક નથી પણ અનેક છે. તેથી સામગ્રી અનુસાર પરસ્પર વિરુદ્ધ અનેક કાર્યોનો યુગપત્ ઉત્પાદ ઘટે છે. મહત્તા તત્પર્યાયયોગ્યતાની છે. જે ક્ષણે કારણદ્રવ્યોમાં જેટલી તત્પર્યાયયોગ્યતાઓ હશે તેમાંથી કોઈ એકનો વિકાસ પ્રાપ્ત કારણસામગ્રી અનુસાર થઈ જાય છે. પુરુષનો પ્રયત્ન તેને ઈષ્ટ આકાર અને પ્રકારમાં પરિણત કરાવવા માટે વિશેષ સાધક બને છે. ઉપાદાનવ્યવસ્થા આ જ તત્પર્યાયયોગ્યતાના આધાર પર થાય છે, માત્ર મૂલભૂત દ્રવ્યયોગ્યતાના આધાર પર થતી નથી કેમ કે મૂલભૂત દ્રવ્યયોગ્યતા તો ઘઉં