________________
૧૯૪
- જૈનદર્શન શક્તિઓને આત્મવિકાસોન્મુખ કરવી. મનની શુદ્ધિ વિના કેવળ શારીરિક બ્રહ્મચર્ય ન તો શરીરને લાભ કરે છે કે ન તો મન યા આત્મામાં પવિત્રતા લાવે છે. અનુપ્રેક્ષા
સવિચાર, ઉત્તમ ભાવનાઓ એને આત્મચિંતન અનુપ્રેક્ષા છે. જગતની અનિત્યતા, અશરણતા, સંસારનું સ્વરૂપ, આત્માએ એક્લાએ જ ફળ ભોગવવાં, દેહની આત્માથી ભિન્નતા, દેહની અશુચિતા, રાગાદિ ભાવોની હેયતા, સદાચારની ઉપાદેયતા, લોકસ્વરૂપનું ચિંતન અને બોધિની દુર્લભતા આદિનો વારંવાર વિચાર કરીને ચિત્તને સુસંસ્કારી બનાવવું જેથી તે કન્દ્રદશામાં સમતાભાવ રાખી શકે. આ ભાવનાઓ ચિત્તને આસ્રવ તરફથી વાળીને સંવરની તરફ ઢળતું કરે છે. પરીષહજય
સાધકે ભૂખ, તરસ, ઠંડી, ગરમી, ડાંસ, મચ્છર, ચાલવા ફરવા સૂવા આદિમાં કાંકરા, કાંટા આદિની બાધાઓ, તાડન-પીડન, વધ, આક્રોશ અને મળ આદિની બાધાઓ શાન્તિથી સહન કરવી જોઈએ. નગ્ન રહીને પણ સ્ત્રી આદિને જોઈને પ્રકૃતિસ્થ જ રહેવું, ચિર તપસ્યા કરીને પણ જો ઋદ્ધિ-સિદ્ધિ ન પ્રાપ્ત થાય તો તપસ્યા પ્રત્યે અનાદર ન કરવો અને જો કોઈ ઋદ્ધિ પ્રાપ્ત થઈ જાય તો તેનો ગર્વ ન કરવો, સત્કાર-પુરસ્કારમાં હર્ષ ન પામવો અને અપમાનમાં ખિન્ન ન થવું, ભિક્ષાભોજન કરતાં પણ આત્મામાં દીનતા ન આવવા દેવી, ઈત્યાદિ પરીષહોના જયથી ચારિત્રમાં દઢ નિષ્ઠા થાય છે અને કર્મોનો આસ્રવ અટકીને સંવર થાય છે.
ચારિત્ર
અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું સંપૂર્ણ પાલન કરવું એ પૂર્ણ ચારિત્ર છે. ચારિત્રના સામાયિક આદિ અનેક ભેદ છે. સામાયિક – સમસ્ત પાપક્રિયાઓનો ત્યાગ અને સમતાભાવની આરાધના. છેદોપસ્થાપના - વ્રતોમાં દોષ લાગી જતાં દોષનો પરિહાર કરીને પુનઃ વ્રતોમાં સ્થિર થવું. પરિહારવિશુદ્ધિ - આ ચારિત્રની ધારક વ્યક્તિના શરીરમાં એટલું હલકાપણું આવી જાય છે કે તે સર્વત્ર ગમન આદિ પ્રવૃત્તિઓ કરવા છતાં પણ તેના શરીરથી જીવોની વિરાધના અર્થાત હિંસા થતી નથી. સૂક્ષ્મપરાય - સમસ્ત ક્રોધ આદિ કષાયોનો નાશ થયા પછી પણ બચેલા સૂક્ષ્મ લોભના નાશની તૈયારી કરવી. યથાખ્યાત – સમસ્ત કષાયોનો ક્ષય થતાં જીવન્મુક્ત વ્યક્તિએ પૂર્ણ આત્મસ્વરૂપમાં વિચરણ કરવું. આ રીતે ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય અને ચારિત્રથી કર્મશત્રુને આવવાનાં દ્વાર બંધ થઈ જાય છે. આ સંવર છે.