________________
સાત તત્ત્વોનું નિરૂપણ
૧૬૩
ઉપયોગી છે.’ આ રીતે બુદ્ધે પેલા આત્માના સંબંધમાં કોઈ પણ નિશ્ચિત વાત કહી નથી કે જેને દુઃખ થાય છે અને જે દુઃખનિવૃત્તિની સાધના કરવા ઇચ્છે છે.
(૧) આત્મતત્ત્વ
જૈનોનાં સાત તત્ત્વોનું મૂળ આત્મા
નિગંઠ નાથપુત્ત મહાશ્રમણ મહાવીર પણ વૈદિક ક્રિયાકાંડને તેટલા જ નિરર્થક અને શ્રેયપ્રતિરોધી માનતા હતા જેટલા બુદ્ધ માનતા હતા. મહાવીર આચાર અર્થાત્ ચારિત્રને જ મોક્ષનું અન્તિમ સાધન માનતા હતા. પરંતુ તેમણે એ સાક્ષાત્કાર કર્યો કે જ્યાં સુધી વિશ્વવ્યવસ્થા અને ખાસ કરીને પેલા આત્માના વિષયમાં શિષ્યો નિશ્ચિત વિચાર સ્થિર કરી લે નહિ કે જે આત્માને દુઃખ થાય છે અને જેને મોક્ષ પામવો છે ત્યાં સુધી તેઓ માનસ સંશયથી મુક્ત બનીને સાધના કરી શકે જ નહિ. જ્યારે મગધ અને વિદેહમાં ઠેર ઠેર સર્વત્ર આ પ્રશ્નો ગુજી રહ્યા હોય કે ‘આત્મા દેહરૂપ છે કે દેહથી ભિન્ન છે ? પરલોક શું છે ? નિર્વાણ યા મોક્ષ શું છે ?’ અને અન્યતીર્થિકો આ બધાના અંગે પોતાના મતોનો પ્રચાર કરી રહ્યા હોય અને આ જ પ્રશ્નો ઉપર સિદ્ધાન્તો સ્થપાઈ રહ્યા હોય તથા વાદો થઈ રહ્યા હોય ત્યારે શિષ્યોને એમ કહીને તત્કાલ તો ભલે ચૂપ કરી દેવાય કે ‘શું રાખ્યું છે આ વિવાદમાં કે આત્મા શું છે અને કેવો છે ? આપણે તો દુઃખમુક્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ’ પરંતુ એનાથી તેમના મનમાં રહેલો કાંટો અને બુદ્ધિમાં જાગેલી શંકા નીકળી શકતાં ન હતાં અને તેઓ આ બૌદ્ધિક હીનતા અને વિચારદીનતાના હીનતર ભાવોથી પોતાના ચિત્તની રક્ષા કરી શકતા ન હતા. વળી, સંઘમાં તો વિભિન્ન મતવાદીઓના શિષ્યો, ખાસ કરીને વૈદિક બ્રાહ્મણ વિદ્વાનો પણ દીક્ષિત થતા હતા. જ્યાં સુધી આ બધી પચરંગી વ્યક્તિઓના - જે વ્યક્તિઓ આત્માના વિષયમાં ભિન્ન ભિન્ન મતો ધરાવતી હતી અને તેમની ચર્ચાઓ પણ કરતી હતી - સંશયનું વસ્તુસ્થિતિમૂલક સમાધાન ન થઈ જાય ત્યાં સુધી તેઓ પરસ્પર સમતા અને માનસ અહિંસાનું વાતાવરણ ઊભું કરી શકતા ન હતા. કોઈ પણ ધર્મ પોતાના સુસ્થિર અને સુદૃઢ દર્શન વિના પરીક્ષક શિષ્યોને પોતાના અનુયાયી બનાવી શકતો નથી. શ્રદ્ધામૂલક ભાવના તત્કાલ ગમે તેટલું સમર્પણ કેમ ન કરાવી લે પરંતુ તેનું સ્થાયિત્વ તો વિચારશુદ્ધિ વિના કોઈ પણ રીતે સંભવતું જ નથી.
આ કારણે જ ભગવાન મહાવીરે તે મૂલભૂત આત્મતત્ત્વના સ્વરૂપનું યથાર્થ વર્ણન કર્યું અને પોતાના શિષ્યોને કહ્યું કે ધર્મ વસ્તુના યથાર્થ સ્વરૂપની પ્રાપ્તિ જ છે.