________________
૧૯૦
જૈનદર્શન પૂરી કરી દે છે. તે મનોહર છે, પ્રકાશમાન છે અને ઘણું કામનું છે. તે લાલ ચંદન જેવું દુર્લભ છે, નિરાળી ગન્ધવાળું છે અને સર્જનો દ્વારા પ્રશસિત છે. તે પર્વતની ટોચ જેવું ઉન્નત છે, અચલ છે, અગમ્ય છે. તે રાગદ્વેષ રહિત છે અને ક્લેશબીજોને ઉપજવા માટે અયોગ્ય છે. તેનું સ્થાન ન તો પૂર્વમાં છે, ન તો પશ્ચિમમાં છે, ન તો ઉત્તરમાં છે, ન તો દક્ષિણમાં છે, ન તો ઊર્ધ્વ દિશામાં છે, ન તો અધોદિશામાં છે, કે ન તો તિર્ય દિશામાં છે. નિર્વાણ પ્રાપ્ત થવાનું કોઈ નિશ્ચિત સ્થાન નથી, તેમ છતાં નિર્વાણ છે. સત્યના માર્ગે ચાલી, મનને સારાઈમાં લગાવવાથી નિર્વાણનો સાક્ષાત્કાર કરી શકાય છે” (પૃ. ૩૯૨-૪૦૩નો સાર).
આ અવતરણો ઉપરથી એ જાણવા મળે છે કે બુદ્ધ નિર્વાણનું કોઈ સ્થાનવિશેષ માનતા ન હતાં. ન તો કોઈ કાલવિશેષમાં તેની ઉત્પત્તિ કે અનુત્પત્તિની ચર્ચા કરી શકાય છે. એમ તો એનું જ સ્વરૂપ “ઈન્દ્રિયાતીત સુખમય, જન્મ-જરા-મૃત્યુથી રહિત, રાગદ્વેષાદિ ક્લેશોથી શૂન્ય” ઈત્યાદિ શબ્દો દ્વારા વર્ણવવામાં આવે છે તે શૂન્ય યા અભાવાત્મક નિર્વાણનું ન હોતાં સુખરૂપ નિર્વાણનું છે. - નિર્વાણને બુદ્ધ આકાશ જેવું અસંસ્કૃત કહ્યું છે. અસંસ્કૃતનો અર્થ છે જે ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્યથી રહિત હોય. જેની ઉત્પત્તિ યા અનુત્પત્તિ આદિનું કોઈ વિવેચન થઈ શકતું ન હોય તે અસંસ્કૃત પદાર્થ છે. માધ્યમિક કારિકાની સંસ્કૃતપરીક્ષામાં ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્યને સંસ્કૃતનું લક્ષણ કહ્યું છે. જો આ અસંસ્કૃતતા નિર્વાણના સ્થાનના સંબંધમાં હોય તો તે પણ ઉચિત જ છે કેમ કે જો નિર્વાણ કોઈ સ્થાનવિશેષ પર હોય તો તે જગતની જેમ સત્તતિની દષ્ટિએ અનાદિ-અનન્ત જ હોય, તેના ઉત્પાદ યા અનુત્પાદની ચર્ચા જ વ્યર્થ છે. પરંતુ તેનું સ્વરૂપ જન્મ-જરા-મૃત્યુથી રહિત તથા રાગદ્વેષાદિ સમસ્ત ક્લેશોથી રહિત સુખમય જ હોઈ શકે છે.
અશ્વઘોષે સૌન્દરનન્દમાં (૧૬. ૨૮-૨૯) નિર્વાણપ્રાપ્ત આત્મા અંગે લખ્યું છે કે તેલ ખલાસ થઈ જતાં દીપક જેમ ન કોઈ દિશામાં, ન કોઈ વિદિશામાં, ન આકાશમાં કે ન પૃથ્વી તરફ જાય છે પરંતુ કેવળ બુઝાઈ જાય છે તેમ કૃતી ક્લેશોનો ક્ષય થતાં કોઈ દિશા કે વિદિશામાં, આકાશમાં કે પાતાળમાં જતો નથી પરંતુ શાન્ત થઈ જાય છે. આ વર્ણન નિર્વાણના સ્થાનવિશેષની બાબતમાં લાગે છે, સ્વરૂપની બાબતમાં લાગતું નથી. જેમ સંસારી આત્માનાં નામ, રૂપ અને આકાર આદિ બતાવી શકાય છે તેમ નિર્વાણાવસ્થા પ્રાપ્ત વ્યક્તિનું સ્વરૂપ સમજાવી શકાતું નથી.
૧. શ્લોક માટે જુઓ આ ગ્રન્થનું પૃ. ૧૧૨