________________
૧૫૯
છ દ્રવ્યોનું વિવેચન આધારે બરાબર ઘટે છે. વિવક્ષિત કાર્ય પોતાના કારણમાં કાર્યાકારે અસત્ હોવા છતાં પણ યોગ્યતા યા શક્તિના રૂપમાં સત્ છે. જો કારણદ્રવ્યમાં તે શક્તિ ન હોત તો તેમાંથી તે કાર્ય ઉત્પન્ન જ ન થઈ શકત. એક અવિચ્છિન્ન પ્રવાહમાં ચાલનારી ધારામાં બદ્ધ પર્યાયોનો પરસ્પર એવો કોઈ વિશિષ્ટ સંબંધ હોવો જ જોઈએ જેના કારણે પોતાનો પૂર્વ પર્યાય જ પોતાના ઉત્તર પર્યાયમાં ઉપાદાનકારણ બની શકે, બીજાના ઉત્તર પર્યાયમાં ન બની શકે. આ અનુભવસિદ્ધ વ્યવસ્થા ન તો સાગના સત્કાર્યવાદમાં શક્ય છે કે ન તો બૌદ્ધ અને નૈયાયિક આદિના અસત્કાર્યવાદમાં શક્ય છે. સાંખ્યના પક્ષમાં કારણ એક જ હોવાથી એટલી તો અભિન્નતા છે કે કાર્યભેદને સિદ્ધ કરવો અસંભવ છે, અને બૌદ્ધોને ત્યાં એટલી ભિન્નતા છે કે અમુક ક્ષણ સાથે અમુક ક્ષણનો ઉપાદાન-ઉપાદેયભાવ ઘટાવવો અત્યન્ત મુશ્કેલ છે. આ જ રીતે તૈયાયિકોના અવયવીદ્રવ્યનો (કાર્યનો) અમુક જ અવયવો (કારણ) સાથે સમવાયસંબંધ સિદ્ધ કરવો એટલા માટે કઠિન છે કેમ કે તેમનો પરસ્પર અત્યન્ત ભેદ માનવામાં આવ્યો છે.
આ રીતે જૈન દર્શનમાં જીવ આદિ છ દ્રવ્યોને પ્રમાણમાં પ્રમેયો માનવામાં આવ્યાં છે. આ છ દ્રવ્યો સામાન્ય-વિશેષાત્મક અને ગુણપર્યાયાત્મક છે. ગુણ અને પર્યાય દ્રવ્ય સાથે કથંચિતાદામ્ય સંબંધ ધરાવતા હોવાના કારણે સત્ તો છે પરંતુ તેઓ દ્રવ્ય જેવા મૌલિક નથી પણ દ્રવ્યાંશ છે. આ જ અનેકાન્તાત્મક પદાર્થો યા દ્રવ્યો પ્રમેય છે અને તેમના એક-એક ધર્મોમાં નયોની પ્રવૃત્તિ થાય છે. જૈન દર્શનની દૃષ્ટિમાં દ્રવ્ય જ એક માત્ર મૌલિક પદાર્થ છે, બાકીનાં ગુણ, કર્મ, સામાન્ય, સમવાય આદિ તે દ્રવ્યના પર્યાયો છે, સ્વતન્ત પદાર્થો નથી.