________________
૧૫૬
જૈનદર્શન
આદિના બીજને નહિ. તેથી જણાય છે કે ઉપાદાનકારણમાં કાર્યનો સદ્ભાવ છે. જગતમાં બધાં કારણોથી બધા કાર્યો પેદા થતાં નથી, પરંતુ પ્રતિનિયત કારણોથી પ્રતિનિયત કાર્યો ઉત્પન્ન થાય છે. આનો સીધો અર્થ એ છે કે જે કારણોમાં કાર્યનો સદ્ભાવ છે તે કારણોથી જ કાર્ય ઉત્પન્ન થાયછે, અન્યથી નહિ. જે કાર્યનો કારણમાં સદ્ભાવ હોય છે તે કાર્ય જ તે કારણથી ઉત્પન્ન થાય છે, અન્ય ઉત્પન્ન થતું નથી. આ જ રીતે સમર્થ કારણ પણ શક્ય કાર્યને જ પેદા કરે છે, અશક્ય કાર્યને પેદા કરતું નથી. આ શક્યતા કારણમાં કાર્યના સદ્ભાવ સિવાય બીજું શું હોઈ શકે ? અને જો કારણ સાથે કાર્યનું તાદાત્મ્ય સ્વીકારવામાં ન આવે તો જગતમાં કોઈ કોઈનું કારણ હોઈ જ ન શકે. કાર્યકારણભાવ ખુદ જ કારણમાં કોઈ ને કોઈ રૂપમાં કાર્યનો સાવ સિદ્ધ કરી જ દે છે. બધા કાર્યો પ્રલયકાળે કોઈ એક કારણમાં લીન થઈ જાય છે. તેઓ જેમાં લીન થાય છે તેમાં તેમનો સદ્ભાવ કોઈ ને કોઈ રૂપમાં રહેતો આવ્યો છે. સાખ્ય ચિંતકો કારણમાં કાર્યનું અસ્તિત્વ શક્તિરૂપે માને છે, અભિવ્યક્તિરૂપે માનતા નથી. બધાં કાર્યોનું મૂલ કારણતત્ત્વ પ્રધાન યા પ્રકૃતિ છે, તેનાથી જગતના બધા કાર્યભેદો ઉત્પન્ન થઈ જાય છે.
નૈયાયિકનો અસત્કાર્યવાદ
નૈયાયિક આદિ અસત્કાર્યવાદી છે. તેમનો આશય એ છે કે જે સ્કન્ધ પરમાણુઓના સંયોગથી ઉત્પન્ન થાય છે તે એક નવું જ અવયવી દ્રવ્ય છે. આ પરમાણુઓનો સંયોગ વિખેરાઈ જતાં તે નાશ પામે છે. ઉત્પત્તિના પહેલાં તે અવયવી દ્રવ્યનું કોઈ અસ્તિત્વ ન હતું. જો કાર્યનું અસ્તિત્વ કારણમાં સ્વીકારવામાં આવે તો કાર્યે પોતાના આકાર-પ્રકારમાં તે સમયે પ્રાપ્ત થવું જોઈતું હતું, પરંતુ એવું દેખાતું નથી. અવયવ દ્રવ્ય અને અવયવી દ્રવ્ય જો કે ભિન્ન દ્રવ્યો છે તેમ છતાં તેમનું ક્ષેત્ર પૃથક્ નથી, તેઓ અયુતસિદ્ધ છે. ક્યાંય પણ જો અવયવીની ઉપલબ્ધિ થાય છે તો તે કેવળ અવયવોમાં જ થાય છે. અવયવોથી અવયવીને ભિન્ન અર્થાત્ પૃથક્ કરીને, જુદો પાડીને, અલગ કરીને દેખાડી શકાતો નથી.
બૌદ્ધોનો અસત્કાર્યવાદ
બૌદ્ધો પ્રતિક્ષણ નવો ઉત્પાદ માને છે. તેમની દૃષ્ટિમાં પૂર્વ અને ઉત્તરની સાથે વર્તમાનનો કોઈ સંબંધ નથી. જે કાળમાં જ્યાં જે છે તે જ કાળમાં ત્યાં જ તે નાશ પામે છે. સદશતા જ કાર્યકારણભાવ આદિ વ્યવહારોની નિયામિકા છે. વસ્તુતઃ બે ક્ષણોનો પરસ્પર કોઈ વાસ્તવિક સંબંધ નથી.