________________
જૈનદર્શન
૧૪૪
છે. કોઈ પણ ભાવાત્મક પદાર્થ બૌદ્ધ મતે ઉત્પાદ આદિથી શૂન્ય કેવી રીતે હોઈ શકે ? એ તો હોઈ શકે કે તેમાં થનારા ઉત્પાદ આદિનું આપણે વર્ણન ન કરી શકીએ પરંતુ તેના સ્વરૂપભૂત ઉત્પાદાદિનો તેનામાં નિષેધ તો ન જ કરી શકાય અને ન તો તેને કેવળ આવરણાભાવરૂપ માની શકાય. અભિધમ્મર્ત્યસંગહમાં આકાશધાતુને પરિચ્છેદરૂપ માનેલ છે. તે ચાર ભૂતોની જેમ નિષ્પન્ન નથી થતો પરંતુ અન્ય પૃથ્વી આદિ ધાતુઓના પરિચ્છેદ અર્થાત્ દર્શન માત્રથી તેનું જ્ઞાન થાય છે, તેથી તેને પરિચ્છેદરૂપ કહેવામાં આવેલ છે. પરંતુ આકાશ કેવળ પરિચ્છેદરૂપ ન હોઈ શકે કેમ કે તે અર્થક્રિયાકારી છે. તેથી તે ઉત્પાદાદિ લક્ષણોથી યુક્ત એક સંસ્કૃત પદાર્થ છે.
(૬) કાલદ્રવ્ય
સમસ્ત દ્રવ્યોના ઉત્પાદાદિરૂપ પરિણમનમાં સહકારી કાલદ્રવ્ય બને છે. કાલનું લક્ષણ વર્તના છે. તે સ્વયં પરિવર્તન કરતા અન્ય દ્રવ્યોના પરિવર્તનમાં સહકારી બને છે અને સમસ્ત લોકાકાશમાં ઘડી, પળ, દિન, રાત આદિ વ્યવહારોમાં નિમિત્ત બને છે. તે પણ અન્ય દ્રવ્યોની જેમ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય લક્ષણવાળો છે. રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ આદિથી રહિત હોવાથી તે અમૂર્તિક છે. લોકાકાશના પ્રત્યેક પ્રદેશ પર એક એક કાલદ્રવ્ય પોતાની સ્વતન્ત્ર સત્તા ધરાવે છે. ધર્મ અને અધર્મ દ્રવ્યની જેમ તે લોકાકાશવ્યાપી એક દ્રવ્ય નથી કેમ કે પ્રત્યેક આકાશપ્રદેશ પર સમયભેદ તેને અનેક દ્રવ્ય માન્યા વિના ઘટતો નથી. લંકા અને કુરુક્ષેત્રમાં દિન, રાત આદિનો પૃથક્ પૃથક્ વ્યવહાર તે તે સ્થાનોના કાલોના ભેદના કારણે જ થાય છે. એક અખંડ દ્રવ્ય માનતાં કાલભેદ થઈ શકે નહિ. દ્રવ્યોમાં પરત્વ-અપરત્વ (કનિષ્ઠ-જયેષ્ઠ) આદિ વ્યવહાર કાલથી જ થાય છે. પુરાણાપણું, નવાપણું પણ કાલકૃત જ છે. અતીત, વર્તમાન અને ભવિષ્ય એ વ્યવહાર પણ કાલના ક્રમિક પર્યાયોથી જ થાય છે. કોઈ પણ પદાર્થના પરિણમનને અતીત, વર્તમાન યા ભવિષ્ય કહેવું એ તો કાલની અપેક્ષાએ જ શક્ય છે.
વૈશેષિકની માન્યતા
વૈશેષિક કાલને નિત્ય, એક અને વ્યાપક દ્રવ્ય માને છે પરંતુ નિત્ય અને એક દ્રવ્યમાં જ્યારે સ્વયં અતીતાદ્દિભેદ નથી ત્યારે તેના નિમિત્તથી અન્ય પદાર્થોમાં અતીતાદિભેદ કેવી રીતે માપી શકાય ? કોઈ પણ દ્રવ્યનું પરિણમન કોઈક સમયે જ થાય છે. સમય વિના તે પરિણમનને અતીત, અનાગત યા વર્તમાન કેવી રીતે