________________
૧૧૦
જૈનદર્શન પદાર્થ અનન્તધર્માત્મક અને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યશાલી છે. આનું સંક્ષેપમાં આપણે સામાન્યવિશેષાત્મકના રૂપમાં પણ વિવેચન કરી શકીએ છીએ. પ્રત્યેક પદાર્થમાં બે પ્રકારના અસ્તિત્વો છે – સ્વરૂપાસ્તિત્વ અને સાદેશ્યાસ્તિત્વ. પ્રત્યેક દ્રવ્યને અન્ય સજાતીય યા વિજાતીય દ્રવ્યથી અસંકીર્ણ રાખનારું અને તેના સ્વતંત્ર વ્યક્તિત્વનું પ્રયોજક સ્વરૂપાસ્તિત્વ છે. તેના કારણે પ્રત્યેક દ્રવ્યના પર્યાયો પોતાનાથી ભિન્ન કોઈ પણ સજાતીય યા વિજાતીય દ્રવ્યના પર્યાયોથી અસંકીર્ણ બન્યા રહે છે અને પોતાનું પૃથક અસ્તિત્વ ટકાવી રાખે છે. આ સ્વરૂપાસ્તિત્વ જ્યાં એક તરફ ઇતર દ્રવ્યોથી વિવક્ષિત દ્રવ્યને વ્યાવૃત્ત કરે છે ત્યાં બીજી તરફ તે વિવક્ષિત દ્રવ્યના પોતાના કાલક્રમે થનારા પર્યાયોમાં અનુગત પણ રહે છે. આ સ્વરૂપાસ્તિત્વથી દ્રવ્યના પોતાના પર્યાયોમાં અનુગત પ્રત્યય ઉત્પન્ન થાય છે અને ઇતર દ્રવ્યોથી વ્યાવૃત્ત પ્રત્યય ઉત્પન્ન થાય છે. આ સ્વરૂપાસ્તિત્વને ઊર્ધ્વતા સામાન્ય કહે છે. તે જ દ્રવ્ય કહેવાય છે કેમ કે તે જ પોતાના ક્રમિક પર્યાયોમાં દ્રવિત થાય છે - સંતતિ અર્થાત પરંપરા દ્વારા પર્યાયોને પ્રાપ્ત કરે છે. બૌદ્ધોની સંતતિ અને આ સ્વરૂપાસ્તિત્વમાં નિમ્નલિખિત ભેદ વિચારણીય છે.
સ્વરૂપાસ્તિત્વ અને સત્તાન
જેમ જૈનો એક સ્વરૂપાસ્તિત્વ અર્થાત્ બ્રૌવ્ય યા દ્રવ્ય માને છે તેમ બૌદ્ધો સન્તાનને સ્વીકારે છે. પ્રત્યેક દ્રવ્ય પ્રતિક્ષણ પોતાના અર્થપર્યાયોરૂપે પરિણમન કરે છે, તેનામાં એવો કોઈ પણ સ્થાયી અંશ નથી બચતો જે દ્વિતીય ક્ષણમાં પર્યાયોના રૂપમાં ન બદલાતો હોય. જો એમ માનવામાં આવે કે તેનો કોઈ એક અંશ તદ્દન અપરિવર્તનશીલ રહે છે અને કેટલાક અંશ પરિવર્તનશીલ છે તો નિત્ય તથા ક્ષણિક બન્ને પક્ષોને આપવામાં આવતા દોષો એવી વસ્તુમાં આવે. કથંચિત્ તાદાત્મ સંબંધ માનવાના કારણે પર્યાયો પરિવર્તિત હોતાં દ્રવ્યમાં કોઈ અપરિવર્તિષ્ણુ અંશ બચી જ શકતો નથી. અન્યથા તે અપરિવર્તિષ્ણુ અંશ સાથે તાદામ્ય ધરાવવાના કારણે શેષ અંશો પણ અપરિવર્તનશીલ જ સિદ્ધ થશે. આમ કોઈ એક માર્ગ જ પકડવો જોઈએ - કાં તો વસ્તુને તદ્દન નિત્ય માનો કાં તો તદ્દન પરિવર્તનશીલ અર્થાત્ ચેતન વસ્તુ પણ અચેતનરૂપે પરિણમવાવાળી. આ બન્ને અન્તિમ સીમાઓની મધ્યનો જ તે માર્ગ છે જેને અમે દ્રવ્ય કહીએ છીએ, જે ન તો તદ્દન અપરિવર્તનશીલ છે કે ન તો એટલું વિલક્ષણ પરિવર્તન પામનારું છે કે જેથી એક દ્રવ્ય પોતાની દ્રવ્યત્વની સીમાનું ઉલ્લંઘન કરીને બીજા કોઈ સજાતીય યા વિજાતીય દ્રવ્યરૂપે પરિણત થઈ જાય. ૧. દ્રવ્યપર્યાયામિિવશેષાભાર્થનમ્ | ન્યાયવિનિશ્ચય, ૧.૩.