________________
લોકવ્યવસ્થા
૮૭
કે જ્યારે જગતમાં અનન્ત જડ અને ચેતન પદાર્થ અનાદિકાળથી સ્વતન્ત્ર સિદ્ધ છે, ઈશ્વરે પણ અસત્માથી એક પણ સત્ન ઉત્પન્ન કરેલ નથી, તે બધા પરસ્પર સહકારી બનીને પ્રાપ્ત સામગ્રી અનુસાર પોતાનું પરિણમન કરતા રહે છે, ત્યારે એક સર્વાધિષ્ઠાતા ઈશ્વરને માનવાની આવશ્યકતા જ ક્યાં રહે છે ? જો ઈશ્વર કારુણિક છે તો તેણે જગતમાં દુઃખ અને દુઃખી પ્રાણીઓની સૃષ્ટિ જ શા માટે કરી ? અદૃષ્ટનું નામ લેવું એ તો કેવળ બહાનું છે કેમ કે અદૃષ્ટ પણ ઈશ્વરથી જ ઉત્પન્ન થાય છે. સૃષ્ટિ પહેલાં તો અનુકંપાયોગ્ય પ્રાણીઓ જ હતા નહિ, તો પછી તેણે કોના ઉપર અનુકંપા કરી ? આ રીતે જેમ જેમ આપણે આ સર્વનિયતૃવાદ પર વિચાર કરીએ છીએ તેમ તેમ તેની નિઃસારતા સિદ્ધ થતી જાય છે.
અનાદિકાળથી જડ અને ચેતન પદાર્થો પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ સ્વભાવના કારણે પરસ્પર સાપેક્ષ પણ બનીને તથા ક્યારેક સ્થૂલ બાહ્ય સામગ્રીથી નિરપેક્ષ પણ રહીને સ્વયં પરિણમન કરતા રહે છે. તેના માટે ન તો કોઈએ ચિન્તા કરવાની જરૂરત છે કે ન તો નિયત્રણ કરવાની. નિત્ય એક અને સમર્થ ઈશ્વરથી તો સમસ્ત ક્રમભાવી કાર્યો, યુગપત્ ઉત્પન્ન થઈ જવાં જોઈએ. સહકારી કારણોને પણ ઈશ્વરે જ તો ઉત્પન્ન કરવાનાં છે. સર્વવ્યાપક ઈશ્વરમાં ક્રિયા પણ ઘટી શકતી નથી. તેની ઇચ્છા અને તેનું જ્ઞાન પણ નિત્ય છે, તેથી ક્રમથી કાર્યોની ઉત્પત્તિ કોઈ પણ રીતે સંભવ નથી.
જગતના ઉદ્ધાર માટે કોઈ ઈશ્વરની કલ્પના કરવી એ તો દ્રવ્યોના નિજ સ્વરૂપને પરતન્ત્ર બનાવી દેવા બરાબર છે. પ્રત્યેક આત્મા પોતાના વિવેક અને સદાચરણથી પોતાની ઉન્નતિ માટે પોતે જ જવાબદાર છે. તેને કોઈ વિધાતા સમક્ષ ઉત્તરદાયી બનવાનું નથી. તેથી જગતની બાબતમાં પુરુષવાદ પણ અન્ય વાદોની જેમ નિઃસાર છે.
ભૂતવાદ
ભૂતવાદી પૃથ્વી, જલ, અગ્નિ, અને વાયુ આ ભૂતચતુષ્ટયમાંથી જ ચેતનઅચેતન અને મૂર્ત-અમૂર્ત બધા પદાર્થોની ઉત્પત્તિ માને છે. ચેતના પણ તેમના મતે પૃથિવી આદિ ભૂતોની જ એક વિશેષ પરિણતિ છે જે વિશેષ પ્રકારની પરિસ્થિતિમાં ઉત્પન્ન થાય છે અને તે પરિસ્થિતિ વિખેરાઈ જતાં તે ત્યાં જ સમાપ્ત થઈ જાય છે. જેવી રીતે અનેક જાતના નાના ભાગોથી એક યન્ત્ર (મશીન) તૈયાર થાય છે અને તે ભાગોના સંયોગથી યન્ત્રમાં ગતિ પણ આવી જાય છે અને કેટલાક સમય પછી