________________
લોકવ્યવસ્થા
૧૦૭
પ્રકૃતિના અણુપુજોને સ્વેચ્છિત પરિણમન કરવા માટે ફરજ પણ પાડી છે અને જ્યાં સુધી યન્ત્રનો પંજો તેમને દબોચે છે ત્યાં સુધી તેઓ બરાબર પોતાની દ્રવ્યયોગ્યતા અનુસાર તે રૂપે પરિણમન કરી પણ રહ્યા છે અને કરતા પણ રહેશે, પરંતુ અનન્ત મહાસમુદ્રમાં બુદ્ધ્દ સમાન આ યન્ત્રોનું કેટલું પ્રભુત્વ ? આ રીતે અનન્ત પરમાણુઓના નિયત્રક એક ઈશ્વરની કલ્પના મનુષ્યના પોતાના નબળા અને આશ્ચર્યચક્તિ દિમાગની ઉપજ છે. જ્યારે બુદ્ધિના ઉષઃકાલમાં માનવે એકાએક ભયંકર કુદરતના તાંડવો, ગગનચુંબી પર્વતમાળાઓ, વિકરાળ સમુદ્ર અને ફાટતા જ્વાળામુખીનો ધગધગતો લાવા, વગેરે જોયા તો માથું પકડી તે બેસી ગયો અને પોતાની સમજમાં ન આવનારી અર્દશ્ય શક્તિ આગળ તેણે માથું ટેકવી દીધું, અને પ્રત્યેક આશ્ચર્યકારી વસ્તુમાં તેણે દેવત્વની કલ્પના કરી. આ જ અસંખ્ય દેવોમાંથી એક દેવાધિદેવ મહાદેવ પણ બન્યા જેમની બુનિયાદ ભય, કૌતુહલ અને આશ્ચર્યની ભૂમિ પર ખડી થઈ છે અને કાયમ એ ભૂમિ પર જ રહી શકે છે.