________________
લોકવ્યવસ્થા
૯૭
(૩) વિશ્વની રચના, યોજના અને વ્યવસ્થા તેના પોતાના નિજી સ્વભાવના કારણે છે, કોઈના નિયત્રણથી નથી.
(૪) કોઈ સત્નો ન તો સર્વથા વિનાશ થાય છે કે ન તો સર્વથા અસત્નો ઉત્પાદ થાય છે.
(૫) જગતનો પ્રત્યેક અણુ-પરમાણુ પ્રતિક્ષણ ગતિશીલ અર્થાત્ પરિવર્તનશીલ છે. આ પરિવર્તનો પરિમાણાત્મક પણ હોય છે અને ગુણાત્મક પણ. (૬) પ્રત્યેક વસ્તુ સેકડો વિરોધી શક્તિઓનો સમાગમ છે. (૭) જગતનું આ પરિવર્તનચક્ર અનાદિ-અનન્ત છે.
આપણે આ નિષ્કર્ષો પર ઠંડા દિલ અને દિમાગથી વિચાર કરીએ તો જણાશે કે ભૌતિકવાદીઓની આ વસ્તુસ્વરૂપની વિવેચના વસ્તુસ્થિતિની વિરુદ્ધ નથી. જ્યાં સુધી ભૂતોના વિશિષ્ટ રાસાયનિક સંયોજનથી જીવતત્ત્વની ઉત્પત્તિનો પ્રશ્ન છે ત્યાં સુધી તેમનું કહેવું એક હદ સુધી વિચારણીય છે. પરંતુ તેમની સામાન્યસ્વરૂપની વ્યાખ્યા કેવળ તર્કસિદ્ધ જ નહિ પણ અનુભવગમ્ય પણ છે. તેમનો સૌથી મૌલિક સિદ્ધાન્ત એ છે કે પ્રત્યેક વસ્તુમાં સ્વભાવથી જ બે વિરોધી શક્તિઓ મોજૂદ છે, જેમના સંઘર્ષથી તેને ગતિ મળે છે, તેનું પરિવર્તન થાય છે અને જગતનું સમગ્ર કાર્યકારણચક્ર ચાલે છે. અમે પહેલા જણાવી ગયા છીએ કે જૈનદર્શનની દ્રવ્યવ્યવસ્થાનો મૂલ મંત્ર ઉત્પાદવ્યય-ધ્રૌવ્યરૂપ ત્રિલક્ષણતા છે. ભૌતિકવાદીઓએ જ્યારે વસ્તુના કાર્યકારણપ્રવાહને અનાદિ અને અનન્ત સ્વીકાર્યો છે અને સત્નો સર્વથા વિનાશ તથા અસત્ની ઉત્પત્તિ માની નથી ત્યારે તેમણે દ્રવ્યની અવિચ્છિન્ન ધારારૂપ ધ્રૌવ્યત્વનો સ્પષ્ટ સ્વીકાર કરી જ લીધો છે. ધ્રૌવ્યનો અર્થ સર્વથા અપરિણામીનિત્ય અને કૂટસ્થ નથી, પરંતુ જે દ્રવ્ય અનાદિ કાળથી આ વિશ્વના રંગમંચ ઉપર પરિવર્તન પામતું ચાલતું આવી રહ્યું છે તેની પરિવર્તનની ધારાનો ક્યારેય સમૂલોચ્છેદ ન થવો એ છે. આ કારણે એક દ્રવ્ય પ્રતિક્ષણ પોતાના પર્યાયોમાં પરિવર્તન પામતું અર્થાત્ બદલાતું હોવા છતાં પણ ન તો ક્યારેય સમાપ્ત થાય છે કે ન તો દ્રવ્યાન્તરમાં વિલીન થાય છે. આ દ્રવ્યાન્તરઅસંક્રાન્તિનો અને દ્રવ્યની કોઈ ને કોઈ રૂપમાં સ્થિતિનો નિયામક ધ્રૌવ્યાંશ છે, જેનો ભૌતિકવાદી પણ ઇનકાર નથી કરી શકતા.
વિરોધીઓનો સમાગમ અર્થાત્ ઉત્પાદ અને વ્યય
જે વિરોધી શક્તિઓના સમાગમની ચર્ચા ભૌતિકવાદીઓએ દ્વન્દ્વવાદ (Dialectism)ના રૂપમાં કરી છે તે વિરોધી શક્તિઓ પ્રત્યેક દ્રવ્યમાં રહેનાર તેના