________________
૯૬
જૈનદર્શન થયો હોય. જે અવિનાશી છે તે અનુત્પન્ન છે. જો આ ચારે વાત યથાર્થ છે તો તેમનામાંથી આ પરિણામ અવશ્ય નીકળે છે કે પદાર્થો અને ગતિ સદાયથી છે અને સદા રહેવાના છે. તેઓ ન વધી શકે છે કે ન ઘટી શકે છે. આમાંથી એ પણ પરિણામ નીકળે છે કે ન તો કોઈ ચીજ ક્યારેય ઉત્પન્ન થઈ છે કે થઈ શકે છે અને ન તો ક્યારેય કોઈ એનો રચનારો થયો છે કે થઈ શકે છે. આમાંથી એ પરિણામ પણ નીકળે છે કે પદાર્થ અને ગતિની પાછળ ન કોઈ યોજના હોઈ શકતી હતી કે ન તો કોઈ બુદ્ધિ. ગતિ વિના બુદ્ધિ હોઈ શકે જ નહિ. પદાર્થ વિના ગતિ હોઈ શકે જ નહિ. તેથી પદાર્થથી પહેલાં કોઈ પણ રીતે કોઈ બુદ્ધિની કે કોઈ ગતિની સંભાવના હોઈ જ શકતી નથી. આમાંથી એ પરિણામ નીકળે છે કે પ્રકૃતિથી પર યા ઉપરવટ ન કંઈ છે કે ન હોઈ શકે છે. જો આ ચારે શિલાન્યાસ યથાર્થ વાતો છે તો પ્રકૃતિનો કોઈ સ્વામી નથી. જો પદાર્થ અને ગતિ અનાદિ કાળથી અનન્ત કાળ સુધી છે તો તેમાંથી આ અનિવાર્ય પરિણામ નીકળે છે કે કોઈ પરમાત્મા નથી અને ન કોઈ પરમાત્માએ જગત રચ્યું છે અને ન કોઈ જગત પર શાસન કરે છે. એવો કોઈ પરમાત્મા નથી જે પ્રાર્થના સાંભળતો હોય. બીજા શબ્દોમાં આનાથી આ સિદ્ધ થાય છે કે મનુષ્યને ભગવાન પાસેથી કોઈ સહાયતા મળી નથી, તમામ પ્રાર્થનાઓ અનન્ત આકાશમાં એમ જ વિલીન થઈ ગઈ.. જો પદાર્થો અને ગતિ સદાયથી ચાલ્યા આવે છે તો એનો મતલબ એ થયો કે જે સંભવ હતું તે થયું છે, જે સંભવ છે તે થઈ રહ્યું છે અને જે સંભવ હશે તે થશે. વિશ્વમાં કોઈ પણ વાત એમ જ અચાનક નથી બનતી. પ્રત્યેક ઘટના જનિત હોય છે. જે બન્યું નથી તે બની શકતું જ ન હતું. વર્તમાન તમામ ભૂતનું અવશ્યભાવી પરિણામ છે અને ભવિષ્યનું અવયંભાવી કારણ છે.
જો પદાર્થ અને ગતિ સદાયથી છે તો આપણે કહી શકીએ છીએ કે મનુષ્યનો કોઈ ચેતન રચનારો નથી, મનુષ્ય કોઈએ બનાવેલી વિશેષ રચના નથી. જો આપણે કંઈ જાણીએ છીએ તો એ જાણીએ છીએ કે તે દૈવી કુંભારે, તે બ્રહ્માએ ક્યારેય માટી અને પાણી મેળવીને પુરુષો અને સ્ત્રીઓની રચના નથી કરી કે ન તો તેણે તેમનામાં ક્યારેય પ્રાણ ફૂક્યા છે.”
સમીક્ષા અને સમન્વય - ભૌતિકવાદના ઉક્ત મૂલ સિદ્ધાન્તોના વિવેચનથી નીચે લખેલી વાતો ફલિત થાય છે - (૧) વિશ્વ અનન્ત સ્વતંત્ર મૌલિક પદાર્થોનો સમુદાય છે. (૨) પ્રત્યેક મૌલિક પદાર્થમાં વિરોધી શક્તિઓનો સમાગમ છે, જેના કારણે
તેમાં સ્વભાવતઃ ગતિ યા પરિવર્તન થતું રહે છે.