________________
જૈનદર્શન
૮૨
એક સંકોચ-વિકાસશીલ (સંકોચ પામનારું અને વિસ્તાર પામનારું દ્રવ્ય છે જે પોતાના સંસ્કારોના પરિપાક અનુસાર નાનામોટા સ્થૂળ શરીરોના આકારનું બની જાય છે. દેહાત્મવાદ(જડવાદ)ના બદલે દેહપ્રમાણ આત્મા માનવાથી બધી સમસ્યાઓ ઉકલી જાય છે.
આત્મા દેહપ્રમાણ પણ પોતાના કર્મસંસ્કારના કારણે જ થાય છે. કર્મસંસ્કાર છૂટી ગયા પછી તેના પ્રસારનું કોઈ કારણ નથી રહેતું, તેથી તે પોતાના અન્તિમ શરીરના આકારનો જ બની રહે છે, ન સંકોચાય છે કે ન ફેલાય છે. આવા સંકોચવિકાસશીલ, શરીરપ્રમાણ રહેનાર, અનાદિ કાર્યણશરીરથી સંયુક્ત, અર્ધભૌતિક આત્માની પ્રત્યેક ક્રિયા, તેનો પ્રત્યેક વિચાર અને તેનો પ્રત્યેક વચનવ્યવહાર પોતાનો એક સંસ્કાર આત્મા અને તેના અનાદિ સાથી કાર્પણ શરીર ઉપર પાડે છે. સંસ્કાર તો આત્મા પર પડે છે પરંતુ તે સંસ્કારનું પ્રતિનિધિ દ્રવ્ય પેલા કાર્મણશરીર સાથે બંધાઈ જાય છે જેના પરિપાક અનુસાર આત્મામાં તે જ ભાવ અને વિચાર જાગે છે અને તેની જ અસર બાહ્ય સામગ્રી પર પણ પડે છે જે હિત અને અહિતમાં સાધક બની જાય છે. ઉદાહરણાર્થ, કોઈ વિદ્યાર્થી કોઈ બીજા વિદ્યાર્થીનું પુસ્તક ચોરી લે છે યા એનું ફાનસ એ ઇરાદાથી નષ્ટ કરી નાખે છે કે તે ભણી ન શકે તો તે જ્ઞાનવિરોધક ક્રિયા તથા વિચાર પોતાના આત્મામાં એક જાતનો વિશિષ્ટ કુસંસ્કાર પાડે છે. તે જ સમયે આ સંસ્કારનાં મૂર્તરૂપ પુદ્ગલદ્રવ્યો આત્માના ચિરસંગી કાર્મણશરીર સાથે બંધાઈ જાય છે. જ્યારે તે સંસ્કારનો પરિપાક થાય છે ત્યારે તે બંધાયેલ કર્મદ્રવ્યોના ઉદયથી આત્મા સ્વયં હીન અને અજ્ઞાન અવસ્થામાં પહોંચી જાય છે જેથી તેનો ઝોક જ્ઞાનવિકાસ તરફ થઈ શકતો નથી. તે લાખ પ્રયત્નો કરે પરંતુ પેલા કુસંસ્કારના ફલસ્વરૂપે તે જ્ઞાનથી વંચિત થઈ જ જાય છે. આને જ કહેવાય છે ‘કરણી તેવી ભરણી'. તે વિચાર અને ક્રિયા કેવળ આત્માને જ અસર કરતાં નથી પરંતુ આસપાસના વાતાવરણને પણ થોડીઘણી અર્થાત્ તીવ્ર, મન્દ કે મધ્યમ અસર કરે છે. શરીર, મસ્તિષ્ક અને હૃદય પર તો તેની અસર નિરાળી જ થાય છે. આ રીતે પ્રતિક્ષણવર્તી વિચાર અને ક્રિયાઓ જો કે પૂર્વબદ્ધ કર્મના પરિપાકથી ઉત્પન્ન થયેલ છે તેમ છતાં તેમના ઉત્પન્ન થતાં વેત જ આત્માની નવી આસક્તિ, અનાસક્તિ, રાગ, દ્વેષ અને તૃષ્ણા આદિરૂપ જે પરિણિત થાય છે બરાબર તેના અનુસાર નવા નવા સંસ્કારો અને તે સંસ્કારોના પ્રતિનિધિ પુદ્ગલો જોડાતા જાય છે અને પુરાણા ખરતા જાય છે. આ રીતે આ કર્મબન્ધનનો સિલસિલો ત્યાં સુધી ચાલુ રહે છે જ્યાં સુધી આત્મા સઘળી પુરાણી વાસનાઓથી શૂન્ય બની પૂર્ણ વીતરાગ યા સિદ્ઘ ન બની જાય.