________________
૫૨
જૈનદર્શન
અનાદિસિદ્ધ અપૌરુષેય ગ્રન્થ કે શ્રુતિપરંપરાનો વ્યાખ્યાતા યા માત્ર અનુસરણ કરનારો જ નથી હોતો. આ જ કારણે શ્રમણ પરંપરામાં કોઈ અનાદિસિદ્ધ શ્રુતિ યા ગ્રન્થ નથી, જેનો અંતિમ નિર્ણાયક અધિકાર ધર્મમાર્ગમાં સ્વીકૃત બને. વસ્તુતઃ શબ્દના ગુણદોષ વક્તાના ગુણદોષને અધીન છે. શબ્દ તો એક નિર્જીવ માધ્યમ છે જે વક્તાના પ્રભાવને વહન કરે છે. તેથી શ્રમણ પરંપરામાં શબ્દની પૂજા થતી નથી, વીતરાગ વિજ્ઞાની સંતોની પૂજા કરવામાં આવે છે. આ સંતોના ઉપદેશોનો સંગ્રહ જ ‘શ્રુત' કહેવાય છે, જે પછીના આચાર્યો અને સાધકો માટે ત્યાં સુધી માર્ગદર્શક બની રહે છે જ્યાં સુધી તે આચાર્યો અને સાધકો સ્વયં વીતરાગતા અને નિર્મલ જ્ઞાન પ્રાપ્ત કરી ન લે. નિર્મલ જ્ઞાનની પ્રાપ્તિ પછી તેઓ સ્વયં ધર્મમાં પ્રમાણ હોય છે. નિગંઠ નાથપુત્ત ભગવાન મહાવીરની સર્વજ્ઞ અને સર્વદર્શીના રૂપમાં જે પ્રસિદ્ધિ હતી કે તેઓ સૂતા કે જાગતા પ્રત્યેક અવસ્થામાં જાણે છે અને દેખે છે તેનું રહસ્ય એ હતું કે તેઓ સદા સ્વયં સાક્ષાત્કૃત ત્રિકાલાબાધિત ધર્મમાર્ગનો ઉપદેશ દેતા હતા. તેમના ઉપદેશોમાં ક્યાંય પણ પૂર્વાપર વિરોધ યા અસંગતિ ન હતી.
નિરીશ્વરવાદ
આજની જેમ પુરાણા યુગમાં બહુસંખ્યા ઈશ્વરવાદીઓની રહી છે. તેઓ જગતના કર્તા અને વિધાતા એક અનાદિસિદ્ધ ઈશ્વરને માનતા રહ્યા છે. ઈશ્વરની કલ્પના ભય અને આશ્ચર્યમાંથી જન્મી છે કે નહિ એ વિવાદમાં પડ્યા વિના અમે એ જોવા માગીએ છીએ કે તેનો વાસ્તવિક અને દાર્શનિક આધાર કયો છે. જૈનદર્શનમાં આ જગતને અનાદિ માનવામાં આવેલું છે. કોઈ પણ એવા સમયની કલ્પના કરી શકાતી નથી કે જે સમયે અહીં કંઈ ન હોય અને કંઈ જ ન હોવામાંથી કંઈક ઉત્પન્ન થઈ ગયું હોય. અનન્ત સત્ અનાદિ કાળથી અનન્ત કાળ સુધી પ્રતિક્ષણ પરિવર્તન પામતું પોતાની મૂલધારામાં પ્રવાહિત છે. તેમના પરસ્પર સંયોગ અને વિયોગથી આ સૃષ્ટિચક્ર સ્વયં સંચાલિત છે. કોઈ એક બુદ્ધિમાને બેસીને અસંખ્ય કાર્યકારણભાવ અને અનન્ત સ્વરૂપોની કલ્પના કરી હોય અને તે પોતાની ઇચ્છાથી જગતનું નિયત્રણ કરતો હોય એ તો વસ્તુસ્થિતિથી તદ્દન પ્રતિકૂળ તો છે જ, અનુભવગમ્ય પણ નથી. પ્રત્યેક સત્ પોતપોતામાં પરિપૂર્ણ અને સ્વતન્ત્ર છે, તેમ જ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ તેનો સ્વભાવ હોવાના કારણે પરસ્પર પ્રભાવિત થઈને અનેક અવસ્થાઓમાં સ્વયં પરિવર્તન પામી રહ્યું છે. આ પરિવર્તન ક્યાંક મનુષ્યની બુદ્ધિ, ઇચ્છા અને પ્રયત્નોથી બંધાઈને પણ ચાલે છે. આટલો જ પુરુષનો પ્રયત્ન છે અને આટલો જ તેનો પ્રકૃતિ ઉપર વિજય છે, પરંતુ