________________
૬૪
જૈનદર્શન
દ્રવ્યો નિષ્ક્રિય છે. શુદ્ધ જીવોમાં પણ એક સ્થાનથી અન્ય સ્થાન જવારૂપ ક્રિયા નથી હોતી. તેમના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક નિજ સ્વભાવના કારણે તથા તેમનામાં રહેલા અગુરુલઘુગુણના સદ્ભાવથી તેમનામાં સદા સમાન પરિણમન થતું રહે છે. પ્રશ્ન છે સસારી જીવ અને પુદ્ગલદ્રવ્યનો. તેમનામાં વૈભાવિક શક્તિ છે. તેથી જે જે પ્રકારની સામગ્રી જે જે સમયે ઉપસ્થિત થાય છે તેની શક્તિની તરતમતા અનુસાર તે તે સમયે તેવું તેવું ઉપાદાન બદલાતું જાય છે. જોકે નિમિત્તભૂત સામગ્રી કોઈ સર્વથા અસદ્ભૂત પરિણમનને તે દ્રવ્યમાં પેદા નથી કરતી, પરંતુ તે દ્રવ્યના જે શક્ય અર્થાત્ સંભાવ્ય પરિણમનો છે તેમનામાંથી તે પર્યાયથી ઉત્પન્ન થનારું અમુક પરિણમન ઉત્પન્ન થઈ જાય છે. ઉદાહરણાર્થ, પ્રત્યેક પુદ્ગલ અણુમાં સમાનપણે પુદ્ગલજન્ય યાવત્ પરિણમનોની યોગ્યતા છે. પ્રત્યેક અણુ પોતાની સ્કન્ધ અવસ્થામાં કાપડ બની શકે છે, સુવર્ણ બની શકે છે, ઘડો બની શકે છે અને પથ્થર બની શકે છે અને તેલના આકારનો બની શકે છે. પરંતુ લાખ પ્રયત્નો કરવા છતાં પણ પથ્થરરૂપ પુદ્ગલમાંથી તેલ નીકળી શકતું નથી, જો કે તેલ પુદ્ગલનો જ પર્યાય છે. માટીમાંથી કાપડ બની શકતું નથી, જો કે કાપડ પણ પુદ્ગલનું જ એક વિશેષ પરિણમન છે. હા, જ્યારે પથ્થર સ્કન્ધના પુદ્ગલાણુ છૂટા પડી માટીમાં મળી જાય અને ખાતર બની તલના છોડમાં પહોચી તલબીજો બની જાય ત્યારે તે તલબીજોમાંથી તેલ નીકળી શકે છે. તેવી જ રીતે માટી કપાસનો છોડ બની કપાસરૂપે પરિણમે ત્યારે તે કપાસમાંથી કાપડ બની શકે છે, સાક્ષાત્ માટીમાંથી કાપડ બની શકતું નથી. તાત્પર્ય એ કે પુદ્ગલાણુઓમાં સમાન શક્તિ હોવા છતાં પણ અમુક સ્કન્ધોથી જ સાક્ષાત્ તે કાર્યોનો વિકાસ થઈ શકે છે જે કાર્યો તે પર્યાયથી શક્ય હોય અને જેમની નિમિત્તસામગ્રી ઉપસ્થિત હોય. તેથી સંસારી જીવો અને પુદ્ગલોની સ્થિતિ તે મીણ જેવી છે જેને શક્ય બધાં બીબાંઓમાં ઢાળી શકાય છે અને જે વિભિન્ન બીબાંઓમાં ઢળતું જાય છે.
નિમિત્તભૂત પુદ્ગલો યા જીવો પરસ્પર પ્રભાવિત થઈને પણ વિભિન્ન પરિણમનોના આધાર બની જાય છે. એક કાચા માટીના ઘડાને જ્યારે અગ્નિમાં પકવવામાં આવે છે ત્યારે તેમાં અનેક જગાના પુદ્ગલસ્કન્ધોમાં વિભિન્ન પ્રકારે રૂપ આદિનો પરિપાક થાય છે. તેવી જ રીતે અગ્નિમાં પણ તેના સન્નિધાનથી વિચિત્ર પરિણમનો થાય છે. એક જ કેરીમાં પરિપાક અનુસાર ક્યાંક ખાટો અને ક્યાંક મીઠો રસ તથા ક્યાંક મૃદુ અને ક્યાંક કઠોર સ્પર્શ તેમ જ ક્યાંક પીળો રંગ અને ક્યાંક લીલો રંગ એ તો આપણા રોજિંદા અનુભવની વાત છે. આનાથી એ નિર્વિવાદ સિદ્ધ થાય છે કે તે કેરીના સ્કન્ધગત સમ્મિલિત પરમાણુઓનું, સ્થૂલ કેરી