________________
૫૬
જૈનદર્શન
અને નિગ્રહસ્થાન જેવા અસદ્ ઉપાયોનું પણ આલંબન લઈને સન્માર્ગની રક્ષાનું લક્ષ્ય સિદ્ધ કરવાની પરંપરાનું સમર્થન કર્યું છે. છલ, જાતિ અને નિગ્રહસ્થાનોની કિલ્લેબંધી પ્રતિવાદીને કોઈ પણ રીતે ચૂપ કરવા માટે કરવામાં આવી હતી, જેનો આશ્રય લઈને સદોષ સાધનવાદી પણ નિર્દોષ પ્રતિવાદી ઉપર કાદવ ઉડાડી શકતો હતો અને તેને પરાજિત કરી શકતો હતો. પરંતુ જૈનદર્શને શાસનપ્રભાવનાને પણ અસદ્ ઉપાયોથી કરવાનું ઉચિત ન માન્યું. જૈનો સાધ્યની જેમ સાધનની પવિત્રતા પર તેટલો જ ભાર આપે છે. સત્ય અને અહિંસાનો તેમનો આગ્રહ ઐકાન્તિક હોવાના કારણે તેમણે વાદકથા જેવા કલુષિત ક્ષેત્રમાં પણ છલ, જાતિ આદિના પ્રયોગોને સર્વથા અન્યાય્ય કહીને નીતિનો સીધો માર્ગ દેખાડ્યો કે જે કોઈ પોતાનો પક્ષ સિદ્ધ કરી લે તેનો જય અને બીજાનો પરાજય થવો જોઈએ, અને છલ-જાતિ આદિના પ્રયોગની કુશળતા સાથે જય-પરાજયનો કોઈ સંબંધ નથી. બૌદ્ધોનો પણ આ જ દૃષ્ટિકોણ છે. (વિશેષ માટે જુઓ જય-પરાજયવ્યવસ્થાનું પ્રકરણ).
તત્ત્વાધિગમના ઉપાયો
જૈનદર્શને પદાર્થના વાસ્તવિક સ્વરૂપનું સૂક્ષ્મ વિવેચન તો કર્યું જ છે પરંતુ સાથે સાથે જ તે પદાર્થોને જાણવાની, જોવાની, સમજવાની અને સમજાવવાની દૃષ્ટિઓનું પણ સ્પષ્ટ નિરૂપણ કર્યું છે. તે દૃષ્ટિઓમાં નય અને સપ્તભંગીનું વિવેચન પોતાનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે. પ્રમાણની સાથે નયોને પણ તત્ત્વાષિગમના ઉપાયોમાં ગણાવવા એ જૈનદર્શનની પોતાની વિશેષતા છે. અખંડ વસ્તુને ગ્રહણ કરવાના કારણે પ્રમાણ તો મૂક છે. વસ્તુને અનેક દૃષ્ટિઓથી વ્યવહારમાં ઉતારવાનું કામ તો અંશગ્રાહી સાપેક્ષ નયો જ કરે છે. નયો પ્રમાણ દ્વારા ગૃહીત અખંડ વસ્તુને વિભાજિત કરી તેના એક એક અંશને ગ્રહણ કરે છે અને તેને શબ્દવ્યવહારનો વિષય બનાવે છે. નયોના ભેદપ્રભેદોનું વિશેષ વિવેચન કરનારા નયચક્ર, નયવિવરણ આદિ અનેક ગ્રન્થ અને પ્રક૨ણ જૈનદર્શનના કોષાગારને પોતાના પ્રકાશથી સમૃદ્ધ કરી રહ્યા છે. (વિસ્તૃત વિવેચન માટે જુઓ નયમીમાંસાનું પ્રકરણ) .
આ રીતે જૈનદર્શને વસ્તુસ્વરૂપના વિચારમાં અનેક મૌલિક દષ્ટિઓનું પ્રદાન ભારતીય દર્શનને કર્યું છે, જેનાથી ભારતીય દર્શનનો કોષાગાર કેવળ જીવનોપયોગી મૌલિક તત્ત્વોથી જ નહિ પરંતુ સમાજરચના અને વિશ્વશાન્તિના મૌલિક તત્ત્વોથી પણ સમૃદ્ધ બન્યો છે. ઈતિ