________________
ત્રીજું પ્રકરણ ભારતીય દર્શનને જે
માનસ અહિંસા એટલે અનેકાન્ત દૃષ્ટિ
ભગવાન મહાવીર એક પરમ અહિંસક તીર્થંકર હતા. માનસિક, વાચિક અને કાયિક ત્રિવિધ અહિંસાની પરિપૂર્ણ સાધના, ખાસ કરીને માનસિક અહિંસાની સ્થાયી પ્રતિષ્ઠા, વસ્તુસ્વરૂપના યથાર્થ દર્શન વિના થવી અશક્ય હતી. આપણે ભલે શરીરથી બીજા પ્રાણીઓની હિંસા ન કરતા હોઈએ, પરંતુ વચનવ્યવહાર અને ચિત્તગત વિચાર જો વિષમ અને વિસંવાદી હોય તો કાયિક અહિંસાનું પાલન પણ કઠિન બની જાય છે. પોતાના વિચારને અર્થાત્ મતને પુષ્ટ કરવા માટે ઊંચ-નીચ શબ્દો અવશ્ય બોલાશે, પરિણામે ઝપાઝપીનો અવસર આવ્યા વિના નહિ રહે. ભારતીય શાસ્ત્રાર્થોનો ઈતિહાસ આ જાતના અનેક હિંસાકાંડોના રક્તથી રંજિત પૃષ્ઠોથી ભરેલો છે. તેથી તે આવશ્યક હતું કે અહિંસાની સર્વાગીણ પ્રતિષ્ઠા માટે, વિશ્વનું યથાર્થ તત્ત્વજ્ઞાન હોય અને વિચારશુદ્ધિમૂલક વચનશુદ્ધિની જીવનવ્યવહારમાં પ્રતિષ્ઠા થાય. આ તો સંભવ જ નથી કે – એક જ વસ્તુના વિષયમાં બે વિરોધી મતવાદો ચાલતા રહે, પોતપોતાના પક્ષના સમર્થન માટે ઉચિત-અનુચિત શાસ્ત્રાર્થો થતા રહે, પક્ષ-પ્રતિપક્ષોનાં સંગઠનો બને તથા શાસ્ત્રાર્થમાં હારી જનારાઓને ઊકળતા તેલના તાવડામાં નાખી જીવતા તળી નાખવા જેવી હિંસક હોડ પણ લાગે અને તેમ છતાં પરસ્પર અહિસા બની રહે. ભગવાન મહાવીરે જોયું કે આજનું સમગ્ર રાજકારણ ધર્મ અને મતવાદીઓના હાથમાં છે, જ્યાં સુધી આ મતવાદોનો વસ્તુસ્થિતિના આધારે યથાર્થદર્શનપૂર્વક સમન્વય ન થાય ત્યાં સુધી હિંસા અને સંઘર્ષની જડને કાપી શકાશે નહિ. તેમણે વિશ્વનાં તત્ત્વોનો સાક્ષાત્કાર કર્યો અને દર્શાવ્યું કે – “વિશ્વનું પ્રત્યેક ચેતન અને જડ તત્ત્વ અનન્ત ધર્મોનો ભંડાર છે. તેના વિરાટ સ્વરૂપને સાધારણ માનવી પૂર્ણરૂપે જાણી શકતો નથી. તેનું શુદ્ધ જ્ઞાન વસ્તુના એક એક અંશને જાણીને પોતાની પૂર્ણતાનું દુરભિમાન કરી બેઠું છે.” વિવાદ વસ્તુમાં નથી, વિવાદ તો જોનારાઓની દ્રષ્ટિમાં છે. કેટલું સારું હોત જો તેઓ