________________
જૈનદર્શન
૪૨
વસ્તુના વિરાટ અનન્તધર્માત્મક યા અનેકાન્તાત્મક સ્વરૂપની ઝાંખી કરી શકતા હોત તો !
ભગવાન મહાવીરે આ અનેકાન્તના તત્ત્વજ્ઞાન તરફ મતવાદીઓનું ધ્યાન ખેંચ્યું અને બતાવ્યું કે - જુઓ, પ્રત્યેક વસ્તુ અનન્ત ગુણો પર્યાયો અને ધર્મોનો અખંડ પિંડ છે. તે પોતાના પ્રવાહની અનાદિ-અનન્ત સ્થિતિની દૃષ્ટિએ નિત્ય છે. ક્યારેય પણ એવો સમય આવવાનો સંભવ જ નથી કે જ્યારે વિશ્વના રંગમંચ ઉપરથી એક કણનો પણ સમૂલ વિનાશ થઈ જાય કે તેનો પ્રવાહ સર્વથા ઉચ્છિન્ન થઈ જાય. સાથે સાથે એ પણ સત્ય છે કે તેના (વસ્તુના) પર્યાયો પ્રતિક્ષણ બદલાતા રહે છે, તેના ગુણો તથા ધર્મોમાં પણ સદેશ યા વિસર્દેશ પરિવર્તન થતું રહે છે. તેથી તે અનિત્ય પણ છે. આ રીતે અનન્ત ગુણ, શક્તિ, પર્યાય અને ધર્મ પ્રત્યેક વસ્તુની નિજી સંપત્તિ છે. આપણો સ્વલ્પ જ્ઞાનલવ તેમનામાંથી એક અંશને વિષય કરીને ક્ષુદ્ર મતવાદોની સૃષ્ટિ રચે છે. આત્માને નિત્ય સિદ્ધ કરનારાઓનો પક્ષ પોતાની સઘળી શક્તિ અનિત્યવાદીઓને ઉખાડવા-પછાડવામાં લગાવે છે તો અનિત્યવાદીઓનું જૂથ નિત્યપક્ષવાળાઓને ભલુંપૂરું સંભળાવે છે. ભગવાન મહાવીરને આ મતવાદીઓની બુદ્ધિ અને પ્રવૃત્તિ ઉપર દયા આવતી હતી. તે બુદ્ધની જેમ આત્માના નિત્યત્વ અને અનિત્યત્વ, પરલોક અને નિર્વાણ આદિને અવ્યાકૃત કહીને બૌદ્ધિક નિરાશાને જન્મ દેવા ઇચ્છતા ન હતા. તેમણે તે બધાં તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ દેખાડીને શિષ્યોને અંધકારમાંથી પ્રકાશમાં લાવી માનસ સમતાની ભૂમિ ઉપર ખડા કરી દીધા. તેમણે બતાવ્યું કે વસ્તુને તમે જે દૃષ્ટિકોણથી જુઓ છો, વસ્તુ એટલી જ નથી. તેનામાં એવા અનન્ત દૃષ્ટિકોણોથી દેખાવાની ક્ષમતા છે. તેનું વિરાટ સ્વરૂપ અનન્તધર્માત્મક છે. તમને જે દૃષ્ટિકોણ વિરોધી લાગે છે તેનો જો ઈમાનદારીથી વિચાર કરશો તો તમને જણાશે કે તેનો વિષયભૂત ધર્મ પણ વસ્તુમાં વિદ્યમાન છે. ચિત્તમાંથી પક્ષપાતનો બદઈરાદો કાઢી નાખો અને બીજાના દૃષ્ટિકોણના વિષયને પણ સહિષ્ણુતાપૂર્વક ખોજો, તે પણ ત્યાં જ વિલસી રહ્યો છે. હા, વસ્તુની સીમા અને મર્યાદાનું ઉલ્લંઘન ન થવું જોઈએ. તમે જડમાં ચેતનત્વ યા ચેતનમાં જડત્વ ખોજવા ઇચ્છશો તો ત્યાં તે નહિ મળી શકે કેમ કે પ્રત્યેક પદાર્થના પોતપોતાના નિજી ધર્મો સુનિશ્ચિત છે.
વસ્તુ સર્વધર્માત્મક નથી
વસ્તુ અનન્તધર્માત્મક છે, સર્વધર્માત્મક નથી. અનન્ત ધર્મોમાં ચેતનમાં સંભવતા અનન્ત ધર્મો ચેતનમાં મળશે, અને અચેતનમાં સંભવતા અનન્ત ધર્મો અચેતનમાં. ચેતનના ગુણ-ધર્મો અચેતનમાં ન મળી શકે અને અચેતનના ગુણ