________________
ભારતીય દર્શનને જૈનદર્શનનું પ્રદાન
૪૭
દલીલોની ફાઈલ જેટલો ન્યાયાધીશનો ફેંસલો ભલે આકારમાં મોટો ન હોય પરંતુ તેમા વસ્તુસ્પર્શ, વ્યાવહારિકતા, સૂક્ષ્મતા અને નિષ્પક્ષપાતિતા અવશ્ય હોય છે. તેવી જ રીતે એકાન્તના સમર્થનમાં પ્રયુક્ત દલીલોના ભંડારરૂપ એકાન્તવાદી દર્શનો જેવો જૈનદર્શનમાં વિકલ્પ યા કલ્પનાઓનો ચરમ વિકાસ ભલે ન હોય પરંતુ તેની વસ્તુસ્પર્શિતા, વ્યાવહારિકતા, સમતાવૃત્તિ અને અહિંસાધારિતામાં તો સદેહ કરી જ ન શકાય. આ જ કારણે જૈનાચાર્યોએ વસ્તુસ્થિતિના આધારે પ્રત્યેક દર્શનના દૃષ્ટિકોણના સમન્વયની પવિત્ર ચેષ્ટા કરી છે અને પ્રત્યેક દર્શનને ન્યાય કર્યો છે. આ વૃત્તિ અહિંસાહૃદયીના સુસંસ્કૃત મસ્તિષ્કની ઉપજ છે. આ અહિંસાસ્વરૂપા અનેકાન્તદૃષ્ટિ જ જૈનદર્શનના ભવ્ય પ્રાસાદનો મધ્ય સ્તંભ છે. તેનાથી જૈનદર્શનની પ્રાણપ્રતિષ્ઠા છે. ભારતીય દર્શન આ અતુલ્ય સત્યને પામ્યા વિના ખરેખર અપૂર્ણ રહેત. જૈનદર્શને આ અનેકાન્તદૃષ્ટિના આધારથી નિર્માણ પામેલી મહત્ત્વપૂર્ણ ગ્રન્થરાશિ આપીને દર્શનશાસ્ત્રના કોષાગારમાં પોતાની નક્કર અને પર્યાપ્ત પૂજી જમા કરી છે. યુગપ્રધાન આચાર્ય સમન્તભદ્ર, સિદ્ધસેન આદિ દાર્શનિકોએ આ જ દૃષ્ટિના પુણ્ય પ્રકાશમાં સત્અસત્, નિત્ય-અનિત્ય, ભેદ-અભેદ, પુણ્ય-પાપ, દ્વૈત-અદ્વૈત, ભાગ્ય-પુરુષાર્થ આદિ વિવિધ વાદોનો સમન્વય કર્યો છે. મધ્યકાલીન આચાર્ય અકલંક, હરિભદ્ર આદિ તાર્કિકોએ અંશતઃ પ૨પક્ષનું ખંડન કરીને પણ એ જ દૃષ્ટિને પ્રૌઢ કરી છે.
વાચનિક અહિંસા સ્યાદ્વાદ
માનસ શુદ્ધિ માટે વિચારોની દિશામાં સમન્વયશીલતા લાવનારી અનેકાન્તદૃષ્ટિ આવી જવા છતાં પણ જો તદનુસારિણી ભાષાશૈલી ન ઘડવામાં આવી હોત તો તે અનેકાન્તદૃષ્ટિનો સાર્વજનિક ઉપયોગ થવો અસંભવ હતો. તેથી અનેકાન્તદર્શનનું બરાબર પ્રતિપાદન કરનારી ‘સ્યાદ્વાદ' નામની ભાષાશૈલીનો આવિષ્કાર તે જ અહિંસાના વાચનિક વિકાસના રૂપમાં થયો. જ્યારે વસ્તુ અનન્તધર્માત્મક છે અને તેને જાણનારી દૃષ્ટિ અનેકાન્તદૃષ્ટિ છે ત્યારે વસ્તુના સર્વથા એક અંશનું નિરૂપણ કરનારી નિર્ધારિણી ભાષા વસ્તુનું યથાર્થ પ્રતિપાદન કરનારી ન હોઈ શકે. એક ઉદાહરણ લઈએ. આ કલમ લાંબી-પહોળી, રૂપ, રસ, ગન્ધ, સ્પર્શવાળી, હલકી, ભારે આદિ અનેક ધર્મોવાળી છે, અનેક ધર્મોનો યુગપત્ આધાર છે. હવે જો શબ્દથી એ કહેવામાં આવે કે ‘કલમ લાંબી જ છે' તો શેષ ધર્મોનો લોપ આ વાક્યથી ફલિત થાય છે, જ્યારે વસ્તુતઃ તેમાં તે જ સમયે અનન્ત ધર્મો વિદ્યમાન છે. એટલું જ નહિ પણ જે સમયે કલમ અમુક અપેક્ષાએ લાંબી છે તે જ સમયે બીજી અપેક્ષાએ લાંબી નથી પણ. પ્રત્યેક ધર્મની અભિવ્યક્તિ સાપેક્ષ હોવાથી તેનો