________________
૪૨
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૦
તેથી તેના વ્યવચ્છેદ માટે મૂલગાથામાં “દ્વિતીય” શબ્દનો ઉલ્લેખ કર્યો છે. કારણકે પ્રથમ અપૂર્વકરણકાલે ક્ષપકશ્રેણિના કાળ જેટલી વિશુદ્ધિ ન સંભવતી હોવાથી પ્રસ્તુત એવો આ સામર્થ્યયોગ પણ સંભવતો નથી. બીજું અપૂર્વકરણ શ્રેણિકાલે સંભવે છે. તેમાં પણ ક્ષપકશ્રેણિ કાલે જ આ સામર્થ્યયોગ પ્રગટે છે. તેથી મૂલગાથામાં દ્વિતીય શબ્દનો ઉલ્લેખ કર્યો છે.
અપૂર્વકરણ એટલે અપૂર્વ એવો શુભ આત્મપરિણામ. અનાદિકાળમાં આ જીવ તેવા તેવા પ્રકારના ધર્મસ્થાનોમાં વર્તતો હોવા છતાં કદાપિ પૂર્વે ન પ્રવર્તેલો એવો શુભ આત્મપરિણામ ક્યારેક પામી જાય છે કે જેના ફળરૂપે ગ્રન્થિભેદાદિ (આદિ શબ્દથી અનિવૃત્તિકરણ-અંતરકરણ વગેરે) કાર્ય અવશ્ય કરી શકે છે. આવા અપૂર્વકાર્યને કરવાવાળો જે શુભ આત્મપરિણામ તે અપૂર્વકરણ કહેવાય છે. અપૂર્વકરણ એ એક અદ્વિતીય “આત્મપરિણામ” જ છે. જેનું ફળ (એટલે કાર્ય) ગ્રંથિભેદ છે અને ગ્રંથિભેદનું ફળ સમ્યગ્દર્શન છે. અનાદિકાળથી આ જીવને ભારે રાગ-દ્વેષ વર્તે છે. સુખનો રાગ અને દુઃખનો દ્વેષ, અને તેના જ કારણે સુખનાં સાધનોનો રાગ, અને દુઃખનાં સાધનોનો દ્વેષ સદા વર્તે છે. તે ગાઢ છે. દુર્ભેદ્ય છે. ઘનીભૂત છે. તે કારણથી વિશિષ્ટ વૈરાગ્યમય એવા આ અપૂર્વકરણરૂપ આત્મ-પરિણામ દ્વારા જ જીવ આ ગ્રન્થિનો ભેદ કરે છે. આ ગ્રંથિભેદ એવો થાય છે કે ફરી આ ગ્રન્થિ કદાપિ સંધાતી નથી. ફરીથી આવા સ્વરૂપવાળા રાગદ્વેષ આ આત્માને થતા નથી. આ આત્માને ફરીથી તેવા તીવ્રકષાયોનો ઉદય, અને તીવ્રકર્મોન બંધ કદાપિ થતો નથી. આ ગ્રન્થિભેદ એ જ મુક્તિના બીજભૂત સમ્યગ્દર્શનનું અવધ્ય કારણ બને છે. ગ્રન્થિભેદ થયા પછી સમ્યગ્દર્શન અવશ્ય થાય જ છે અને તેના વડે જગના પદાર્થોનું યથાર્થરુચિ સ્વરૂપ જ્ઞાન પણ થાય છે, અને તેનાથી તે જીવને પરમ આનંદ (આલ્હાદ) પ્રગટ થાય છે. જેમ ચક્ષુર્વિહીન પુરુષને ચક્ષુ પ્રાપ્ત થતાં, અને રોગવ્યાપ્તદેહવાળાને નિરોગિતા પ્રાપ્ત થતાં જે અપૂર્વ આનંદ પ્રસરે છે, તેવો અપૂર્વ આનંદ આ આત્માને અપૂર્વકરણ દ્વારા ગ્રન્થિભેદ કરવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિકાળે થાય છે.
આ સમ્યગ્દર્શન (મુક્તિબીજ) આવવાથી આત્મામાં પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા ગુણો પ્રગટે છે. આ ગુણો એ સમ્યગ્દર્શનનાં લિંગો (ચિહ્નો) છે. એટલે પ્રશમાદિ પાંચ લિંગો દ્વારા જણાતો પરમાત્માએ પ્રકાશિત કરેલ તત્ત્વો ઉપરની યથાર્થ રુચિરૂપ જે આત્મપરિણામ એ જ સમ્યગ્દર્શન છે. તત્ત્વાર્થસૂત્ર ઉપરના સ્વોપલ્લભાષ્યમાં પૂ. શ્રીઉમાસ્વાતિજીએ કહ્યું છે કે પ્રશમાદિભાવોની અભિવ્યક્તિ (આવિર્ભાવ-પ્રગટતા) થવી એ જેનું લક્ષણ છે. એવી તત્ત્વભૂત પદાર્થોની રુચિ (રુચિરૂપ જે આત્મપરિણામ) તે જ સમ્યગ્દર્શન કહેવાય છે. આ સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી આ આત્માને અવર્ણનીય આનંદ પ્રસરે છે. આત્મસ્વરૂપની અપૂર્વ અનુભૂતિ થાય છે. અને તેનાથી સંસાર નિશ્ચિતરૂપે સીમિત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org