________________
૨૫૮
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૭૧
સર્વ જીવો માટે આ સુકર નથી, ગ્રંથિદેશ પાસે આવેલા ઘણા જીવો પતન પામી જાય છે. કોઈક મહાત્મા જ પર્વતની જેમ દુર્ભેદ્ય એવી ગ્રંથિને ભેદે છે કારણ કે રાગ-દ્વેષના આ સંસ્કાર અનાદિના છે અને અતિશય ગાઢ છે. મોહ અતિશય મંદ થવાથી જ વેદ્યસંવેદ્યપદ આવે છે. આ પદ આવવાથી પાપપ્રવૃત્તિ કરવાની પ્રાયઃ મનોવૃત્તિ રહેતી જ નથી. વેદ્યસંવેદ્યપદના પ્રભાવથી આત્માના શુદ્ધ સ્વરૂપનું ભાન થાય છે. અને તેનાથી તેની જ લગની લાગવાથી, જન્મ-જરા-મરણ-રોગ-શોક અને ભયાદિ અનંત દુઃખોની ખાણ તુલ્ય એવા આ ભયંકર સંસારથી દૂર ભાગે છે. જેમ ભયજનક સ્થાનથી ભય દેખાતાં માણસ મુઠ્ઠીઓ વાળીને ડબલ વેગે ભાગે છે. તેમ આ જીવને ભવમાં ભયો જ દેખાવાથી તેનાથી દૂર ભાગે છે. તેમાં રમતો નથી. સંસારસુખમાં આનંદ માનતો નથી. કહ્યું છે કે
तदर्शनमवाप्नोति, कर्मग्रन्थिं सुदारुणम् । निर्भिद्य शुभभावेन, कदाचित्कश्चिदेव हि ॥ सति चास्मिन्नसौ धन्यः, सम्यग्दर्शनसंयुतः । तत्त्वश्रद्धानपूतात्मा, रमते न भवोदधौ ॥
(પૂ. શ્રીહરિભદ્રસૂરિજી કૃત શાસ્ત્રવાર્તાસમુચ્ચય) (ર) સંગતિશય – આ સ્થિરાદિ દૃષ્ટિમાં આવેલા જીવને ભવભય અને પાપભય રૂપ સંવેગ પરિણામ અતિશયપણે હોવાથી પાપપ્રવૃત્તિ નિરસ અને અત્યન્ત ખેદવાળી બને છે. તેના ફળરૂપે વેદ્યસંવેદ્યપદના પ્રભાવથી આ જીવમાં તીવ્ર સંવેગ પરિણામ ઉત્પન્ન થાય છે. સંસાર ઊંડો ખાડો જ દેખાય છે. અનંતવાર ઇન્દ્રિયસુખો અનુભવવા છતાં ઇન્દ્રિયો અતૃપ્ત જ રહે છે અને તીવ્રકર્મ કરાવી જીવને નરકના ખાડામાં નાખી દે છે. સ્વાર્થથી ભરપૂર આ સંસાર કેવળ દુઃખદાયી જ છે. આત્માનું સહજાનંદરૂપ અનંત ગુણમય સ્વરૂપ હવે સમજાય છે. તેથી તે પ્રાપ્ત કરવા આ સંસારના પૌદ્ગલિક ભાવોમાંથી મન ઉઠી જાય છે. માટે પાપ પ્રવૃત્તિ કરતો નથી અને કુટુંબાદિ સંબંધી નિર્વાહની પરવશતાથી કદાચ કરવી પડે તો તેમાં નિરસતા વધારે હોય છે.
તથા સંવેગ એટલે મોક્ષાભિલાષ, સમ્યકત્વના પ્રતાપે આત્માના સહજ સુખ સ્વરૂપ અમૃતરસનો આંશિક આસ્વાદ માણ્યો હોવાથી હવે આ જીવને પૂર્ણપણે સહજ સુખ માણવાનો તીવ્ર મનોરથ જાગે છે. સંસાર અનેકવિધ ઉપાધિઓથી ભરપૂર દેખાય છે. આ સંસાર તીવ્ર કલેશ-કષાય અને રાગાદિને જ ઉત્પન્ન કરનારો લાગે છે. તેનાથી દુઃખોની જ પરંપરા સર્જાય છે. ક્યાંય સુખની છાયા પણ દેખાતી નથી, સુખ મુક્તિમાં જ માત્ર જણાય છે. જન્માદિ દુઃખોથી રહિત સર્વથા ભયમુક્ત અવ્યાબાધ સુખ ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org