________________
ગાથા : ૧૦૨ યોગદૃષ્ટિ સમુચ્ચય
૩૫૩ પરંતુ આગમ, અનુમાન અને યોગાભ્યાસથી ગુરુગમ દ્વારા થાય છે. અતીન્દ્રિય અર્થોને જાણનારા અને કહેનારા સર્વજ્ઞોમાં કદાપિ અર્થભેદ હોતો નથી.
ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, ઇત્યાદિ વ્યક્તિ રૂપે આ સંસારમાં બહુ સર્વજ્ઞો થયા છે, થાય છે અને થશે, પરંતુ તે સર્વે પારમાર્થિકપણે ભિન્ન-ભિન્ન અભિપ્રાયવાળા હોતા નથી. જે શાસ્ત્રના શાસ્તા (કહેનારા) સર્વજ્ઞ હોય છે તે શાસ્તા વીતરાગ, સર્વદોષ રહિત, અને પૂર્ણ જ્ઞાનકલાયુક્ત હોવાથી તેમનું જ શાસ્ત્ર માનનીય, અને સ્વીકાર યોગ્ય બને છે. તેવા સર્વજ્ઞો વ્યક્તિ રૂપે ભલે બહુ હોય, તથાપિ પૂર્ણ હોવાથી ભિન્ન-ભિન્ન મતવાળા-કે અભિપ્રાયવાળા સંભવતા નથી. બુદ્ધ, કપિલ, અક્ષપાદ, કણાદ, કૃષ્ણ, રામ, કે અરિહંત એમ વ્યક્તિ રૂપે ભલે અનેક હોય, પરંતુ તેમાં જે સર્વજ્ઞ છે તે સર્વે સમાન જ છે. પરંતુ પરસ્પર ભિન્ન અભિપ્રાયવાળા નથી. અને જેનો પરસ્પર ભિન્ન-ભિન્ન અભિપ્રાય છે તે અપૂર્ણ જ્ઞાની હોવાથી સર્વજ્ઞ નથી. તેથી સર્વજ્ઞની ભક્તિ કરનારો આત્મા નામ માત્રથી ગમે તે દેવને ઉપાસે, પરંતુ “સર્વજ્ઞતાના” ઉપાસકને સર્વજ્ઞતા એક સરખી સમાન હોવાથી ભેદ જણાતો નથી. કદાગ્રહ કે કુતર્ક સુઝતો જ નથી. સર્વજ્ઞતા એટલે ત્રિકાલાબાધિત જ્ઞાનવત્તા, આ સર્વજ્ઞતા અનેક વ્યક્તિઓમાં પણ ત્રણે કાળે એક સરખી સમાન જ હોવાથી પરમાર્થથી સર્વજ્ઞતાની અપેક્ષાએ સર્વે સર્વજ્ઞા એક જ છે.
પ્રશ્ન :- જો સર્વજ્ઞમાં “સર્વજ્ઞતા” સમાન જ છે તો તેના અનુયાયી વર્ગમાં સર્વજ્ઞ પ્રત્યેની માન્યતામાં પરસ્પર તફાવત કેમ દેખાય છે? અને સ્વમાન્ય વ્યક્તિને સર્વજ્ઞ સિદ્ધ કરવા તથા ઇતરવ્યક્તિને અસર્વજ્ઞ સિદ્ધ કરવા યુક્તિ અને ઉદાહરણોનો ઢગ કેમ ખડકે છે?
ઉત્તર :- સર્વજ્ઞમાં ભેદનો આશ્રય કરવો, અર્થાત્ સર્વજ્ઞોમાં ભેદ માનવો તે તેમના પ્રત્યેની અતિશય શ્રદ્ધાવાળા જીવોનો મોહ (અજ્ઞાન) માત્ર જ છે. તેથી જ તેમને ભેદ જણાય છે. સર્વજ્ઞ વ્યક્તિઓ ભલે અનંત હોય પરંતુ તે પરિપૂર્ણતાવાળી અને નિર્દોષ હોવાથી તેમનામાં મતભેદ કે ભિન્નભિપ્રાય કદાપિ નથી. તથા ભિન્ન અભિપ્રાયવાળી દેશના પણ કદાપિ સંભવતી નથી. તેથી જ તેમના પ્રત્યેની ભક્તિવાળા જીવોને કે તેમના ઉપરની શ્રદ્ધાવાળા જીવોને કદાપિ ભેદ હોતો નથી. ભક્તિ કરનારો શ્રદ્ધાળુ વર્ગ સર્વ સર્વજ્ઞોમાં સમાન એવી સર્વજ્ઞતાનો જ ઉપાસક છે. આ કારણે ઉપાસકોમાં પણ કોઈ જાતનો વિવાદ કે ઝઘડો સંભવતો નથી. પરંતુ સર્વજ્ઞ પ્રત્યે શ્રદ્ધાને બદલે અતિશ્રદ્ધાવાળા તથા ભક્તિને બદલે અતિભક્તિવાળા જ જીવો અર્થાત્ વ્યક્તિ પ્રત્યેના પક્ષપાતી જીવો યો. ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org