________________
૪૮૨
યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૬૯
કાનાદષ્ટિનો સાર
આ છઠ્ઠી કાન્તાદૃષ્ટિમાં વર્તતા આત્માનું જ્ઞાન સૂક્ષ્મબોધવાળું અને તર્કવિતર્ક પૂર્વક મનન-ચિંતનવાળું વ્યવસ્થિત થવાથી અને અન્ય લોકોને આ પરમતત્ત્વ સમજાવવાની કલા અતિશય સારી વિકસેલી હોવાથી અન્ય સર્વ લોકને આ જીવ પ્રિય થાય છે. પોતે કરવા ધારેલાં ધાર્મિક અનુષ્ઠાનોમાં મન અતિશય જામેલું હોવાથી “ધારણા” અંગની પ્રાપ્તિ થાય છે. તે તે અનુષ્ઠાનોમાં મન અતિશય જામેલું હોવાથી અન્ય કાર્યોમાં રસ થતો જ નથી તેથી “અન્યમુદ્ર” દોષ હોતો જ નથી. દિન-પ્રતિદિન તત્ત્વોની સૂક્ષ્મસૂક્ષ્મ વિચારણા પ્રવર્તતી હોવાથી હિતોદયને કરનારી “મીમાંસા” પ્રવર્તે છે.
આ દૃષ્ટિમાં આવેલો જીવ સાંસારિક ભાવોથી એટલો બધો અલિપ્ત બની જાય છે કે તેની કાયા” જ માત્ર ભોગકાર્યોમાં હોય છે. પરંતુ મન તો સદા શ્રુતજ્ઞાનમાં જ તલ્લીન હોય છે. તેથી એટલું પ્રભાવશાળી જ્ઞાન તેને પ્રાપ્ત થાય છે કે મન અનાદિકાળથી ભોગસુખોમાં જ લીન હતું તેને ત્યાંથી ખેંચીને (આક્ષેપ કરીને) શ્રુતધર્મમાં જ ઓતપ્રોત કરે છે. આવા પ્રકારના આક્ષેપકજ્ઞાનના પ્રભાવથી કાયા દ્વારા ભોગવેલા ભોગો પણ તે જીવને ભવ-હેતુ બનતા નથી.
જેમ ઝાંઝવાના જળને આ માયાવી જ જળ છે. વાસ્તવિક જળ નથી. એમ સમજનારો પુરુષ તે પાણીને દેખીને ગભરાતો નથી, પરંતુ તેની મધ્યમાં થઈને નિર્ભયપણે ચાલી જાય છે. તેવી જ રીતે સાંસારિક ભોગો એ મૃગજળ સમાન અસાર, તુચ્છ અને નાશવંત છે એમ જાણતો પુરુષ તે ભોગોને કાયાથી ભોગવતો છતો મનથી તેમાં નહી અંજાતો છતો ચાલ્યો જાય છે.
સંસારની અસારતા, પુદ્ગલસુખની અનિત્યતા, સર્વસંયોગો જે છે તે વિયોગવાળા છે ઇત્યાદિ સૂક્ષ્મ મીમાંસા પ્રતિદિન કરવાથી આ જીવને કોઈપણ ભાવોમાં મોહ થતો નથી. અને આવી ઉમદા મીમાંસાના બળે “તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ” (તત્ત્વસમાવેશ) થવાથી દિન-પ્રતિદિન સદા હિતોદય જ થાય છે. આ દૃષ્ટિમાં વિકાસ કરતો આ જીવ ૪ થી ૭ ગુણસ્થાનકોમાં આગળ વિકાસ સાધે છે.
કાન્તા દષ્ટિ સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org