________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
૨૯૧
ગાથા : ૮૧
મૂલશ્લોકમાં ભોગની ઇચ્છાના પરિક્ષયમાં બુદ્ધિ થતી નથી એમ જે કહ્યું છે. તેનો અર્થ ભોગની પ્રવૃત્તિના પરિક્ષયની કે નિવૃત્તિની પણ બુદ્ધિ થતી નથી એમ પણ સમજવો. ભોગેચ્છાના ઉપલક્ષણથી ભોગપ્રવૃત્તિ પણ સમજી લેવી.
ભાવાર્થ આ પ્રમાણે છે. ખસનો રોગી ખંજવાળની મીઠાશ માત્રનો વિનોદ માણનારો (મારે રોગ વધે છે. ખંજવાળ વધશે પણ ઘટશે નહી એમ) તત્ત્વને ન જાણતો મૂર્ખ પુરુષ જેમ કંડ્યન અને તેના દ્વારા ખણવાનું જ માત્ર ઇચ્છે છે. અને તેમાં થતા અલ્પકાલીન આનંદને જ (સુખને જ)સુખ માની રાચે-નાચે છે. પરંતુ ખણવાથી ખંજવાળ મટતી નથી પણ વધે છે. રોગ પણ વધે છે. બળતરા-પીડા પણ વધે છે. તત્ત્વનો અનભિજ્ઞ મૂર્ખ પુરુષ આ બધુ સમજી શકતો નથી. તેવી જ રીતે ભવાભિનંદી જીવોને પણ “ભવરોગ” રૂપી ખસનો રોગ લાગુ પડ્યો છે. તેથી આ જીવને વિષયભોગની ઇચ્છારૂપ ખંજવાળ ઉત્પન્ન થાય છે. અને વિષયભોગનાં સાધનોરૂપી કંડ્યનોની શોધમાં જીવન પસાર કરે છે. જે કંઇ વિષયભોગનાં સાધનો મળે છે, તેનાથી વિષયસેવન કરવા રૂપી ખણવાનું કાર્ય કરી ખંજવાળ મટાડવા ઇચ્છે છે. વિષયસેવનનું કાર્ય કરી વિષયભોગની ઇચ્છાને સંતુષ્ટ કરવા ઇચ્છે છે. પરંતુ તેનાથી વિષયભોગની ઇચ્છા સમાપ્ત થતી નથી, બલ્કે વૃદ્ધિ પામે છે. અગ્નિમાં ઇંધન જેમ જેમ નાખવામાં આવે છે તેમ તેમ અગ્નિ વૃદ્ધિ પામે છે. પરંતુ કદાપિ અગ્નિ સમાપ્ત થતો નથી. તેવી જ રીતે વિષયભોગની પ્રવૃત્તિથી કદાપિ વિષયસેવનની ઇચ્છાની તૃપ્તિ થતી નથી, અંતરમાં ભોગની ભાવના વધે જ છે. ભવરોગ રૂપી ખસનો રોગ વધે જ છે. રોગનાં મૂળ ઘણાં ઊંડાં જાય છે. તીવ્ર રાગ અને ભોગની આસક્તિથી બંધાતાં ચીકણાં કર્મોથી ભવભ્રમણ સદા વધે છે. વિષયોની તૃપ્તિ થવાને બદલે વિષયતૃષ્ણા વધે જ છે. વિષયસેવનથી કામવાસના સમાપ્ત થતી નથી, બલ્કે બળવાન્ થઇને વિશેષ વધે છે. પરંતુ તત્ત્વના અનભિજ્ઞ એવા આ ભવરોગી જીવને આ સમજાતું નથી, વિષયસેવનથી વિષયેચ્છાની તૃપ્તિ ઇચ્છે છે. પરંતુ પૂર્વભવમાં બાંધેલી પુણ્યાઇ સમાપ્ત થતાં વિષયસેવનથી નીચકુલ-નિર્ધનદશામાં આ ભવરોગીનો જન્મ થાય છે. કે જ્યાં વિષયસેવનનાં સાધનો રૂપી કંડૂયનો મળવાં દુર્લભ બની જાય છે. વિષયસેવનની ઇચ્છા રૂપી ખંજવાળ ઘણી જ ઉઠે છે પરંતુ પુણ્યાઇ ન હોવાથી સાધનો રૂપી કંડ્યનો મળવાં તેને દુર્લભ બને છે.
સાધનોની શોધમાં નીકળેલા આ ભવરોગી ભવાભિનંદી જીવને એક પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળા કોઇ ધર્મગુરુરૂપી વૈદ્યપથિકનો ભેટો થઇ જાય છે. જે ધર્મગુરુ પુણ્યોદયવાળા હોવાથી અનેકવિધ ભોગસુખોને પામ્યા છે. તે ભોગવી વૈરાગ્ય-પામીને દીક્ષિત બની ઉચ્ચ કક્ષાની આરાધના કરી મંત્ર-તંત્રાદિ વિવિધ શક્તિઓ અને લબ્ધિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org