________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૬
૧૩૨
કહેવાય છે. આવા પ્રકારના દ્રવ્ય સાધુ અને દ્રવ્ય આચાર્યાદિ પ્રત્યે કુશલચિત્તાદિ રાખવાં તે યોગબીજ નથી.
મોહનીયકર્મનો ક્ષયોપશમ કરવો અથવા પૂર્ણપણે ક્ષય કરવો એ ધર્મ કહેવાય છે. તે મોહનીયકર્મના ક્ષયોપશમપૂર્વક થયેલા સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય એ ધર્મજલક્ષણવાળા (ધર્મયુક્ત લક્ષણવાળા) ભાવસાધુ કહેવાય છે. અને મોહનીયનો ઉદય તે અધર્મ કહેવાય છે. ઉદાયીરાજાની હત્યા કરવા માટે વિનયરત્ને લીધેલ દીક્ષા તે અધર્મજ લક્ષણવાળા દ્રવ્યસાધુ જાણવા. આવા મિથ્યાત્વના ઉદયવાળા, અથવા ક્રોધાદિના ઉદયવાળા જે સાધુ, અંતરમાં જે મોહના ઉદયને પરવશ છે તે અધર્મથી થયેલ સાધુને દ્રવ્યસાધુ કહેવાય છે. તથા અંગારમર્દક આચાર્ય જેવા આચાર્ય તે દ્રવ્યાચાર્ય કહેવાય છે. તેવા દ્રવ્યાચાર્યાદિમાં કરાયેલું કુશલચિત્તાદિ તે યોગબીજ કહેવાતું નથી. ખોટા રૂપિયામાં સાચા રૂપિયાપણાની બુદ્ધિ હોય તો પણ તે સાચા રૂપિયાના ફળને આપતી નથી, માટે અસુંદરજ છે. પીત્તળમાં સોનાની ગમે તેટલી તીવ્ર બુદ્ધિ કરીએ તો પણ તે સોનાનો ભાવ (પૈસા) લાવી આપતું નથી. તેમ દ્રવ્યાચાર્યમાં ભાવાચાર્યની બુદ્ધિ રાખીએ તો પણ તે નિર્જરા અને મોક્ષફળને આપતી નથી. આ રીતે જિનેશ્વર પરમાત્માને વિષે કુશલચિત્તાદિ જેમ યોગીબીજ છે. તેમ ભાવયોગી એવા આચાર્યાદિને વિષે કુશલચિત્તાદિ હોય તો તે પણ યોગબીજ છે. પરંતુ દ્રવ્યાચાર્યાદિમાં ભાવાચાર્યની બુદ્ધિ કરીએ તો પણ તે યોગબીજ કહેવાતું નથી. આ રીતે આ બે પ્રકારનાં જ યોગબીજ છે એમ નહીં, પરંતુ તે બે ઉપરાંત દેવ-ગુરુની વૈયાવચ્ચ કરવી એ પણ ત્રીજું યોગબીજ છે. વૈયાવચ્ચ એટલે કે શાસ્ત્રોમાં કહેલી વિધિપૂર્વક દ્રવ્ય (પુરુષ)- ક્ષેત્ર-કાળ આદિની અપેક્ષા રાખીને આહારાદિ વડે સેવા કરવી. ભક્તિ કરવી તે. જે સેવા-ભક્તિમાં અહંકાર-મમકાર અને પૌદ્ગલિક સુખની આશંસાનો વ્યાવૃત્તભાવ છે (એટલે તે અહંકારાદિનો ભાવ જેમાંથી ચાલ્યો ગયો છે) તે વ્યાવૃત્તભાવ લક્ષણવાળી સેવા-ચાકરી-ભક્તિને વૈયાવચ્ચ કહેવાય છે.
જે આચાર્યાદિએ ધર્મસંસ્કારો આપ્યા છે. અને જગતના જીવોને આપે છે. તેવા ઉપકારીઓની સેવામાં અમ્ અને મમત્વ હોય જ કેમ ! પૌદ્ગલિક સુખની આશંસા રખાય જ કેમ ! તેથી આશંસાભાવની વ્યાવૃત્તિપૂર્વક અર્થાત્ નિરાંશસભાવે આહાર-ઔષધલાવી આપવાં, શરીર-સેવા કરવી તે પણ યોગબીજ છે. ભરત-બાહુબલીના પૂર્વભવનું ચરિત્ર, તથા સંપ્રતિ મહારાજના પૂર્વભવનું ચરિત્ર ઉદાહરણ તરીકે સમજી લેવું. આ વૈયાવચ્ચ વિધિવત્ એટલે કે શાસ્ત્રમાં કહેલી વિધિપૂર્વક દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવાદિ જોઇને તે પુરુષાદિને સાતા ઉપજે, સંયમભાવની વૃદ્ધિ થાય, તેવી વૈયાવચ્ચ કરવી. એટલે વૈયાવચ્ચ કરતી વખતે વિવેકપૂર્વક નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org