________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૪૨
જે આ ૪૨મી ગાથામાં જણાવે છે. (૧) યોગ સંબંધી કથાઓ ઉપર અત્યંત ભાવપૂર્વકની પરમપ્રીતિ, અને (૨) જે મહાત્માઓમાં યોગદશાનો વિકાસ થયો છે તેવા નિર્મળ યોગીઓ પ્રત્યે ભક્તિ- બહુમાન.
અનાદિકાલીન ઓઘદૃષ્ટિમાંથી જીવ ધીરે ધીરે યોગદૃષ્ટિ તરફ વિકાસ પામે છે. ભાવમલ જેમ જેમ વધારે વધારે ક્ષય થતો જાય છે તેમ તેમ આ જીવને યોગમાર્ગ પ્રત્યે દૃષ્ટિ ખુલતી જાય છે. અને અવિચ્છિન્ન પરમપ્રેમ પ્રગટે છે. કારણ કે આવી યોગદશાની પ્રાપ્તિથી જ મારું
કલ્યાણ છે એવું આ જીવના મનમાં બરાબર ઠસ્સું છે તેથી જ તેનું ચિત્ત યોગની કથાઓ પ્રત્યે ભાવથી (અંદરના પરિણામથી) અનુબંધ પામ્યું છે એટલે કે ત્યાં ચોટ્યું છે. અંતરંગ પરમપ્રેમ પ્રાદુર્ભૂત થયો છે. યોગદશાની પ્રાપ્તિનો રંગ બરાબર લાગ્યો છે. યોગદશાની પ્રાપ્તિના રાગમાં ૨મે છે. તેથી તેવી જ કથાઓમાં રસ પડે છે. જેમ ધનના અર્થીને વેપાર-ધંધાની વાતમાં જ વધારે રસ હોય છે. કામના અર્થીને કામકથામાં આખી રાત્રિ વીતી જાય તેવો રસ હોય છે. તેમ આ યોગી મહાત્માને યોગની કથા સાંભળવામાં અત્યન્ત અવિચલ દૃઢ રસ હોય છે. તે યોગી એમ વિચારે છે કે અર્થ અને કામની કથા ભવોભવમાં ઘણી કરી. પરતું પૂર્ણ સુખની પ્રાપ્તિ ન થઇ, જે અર્થ અને કામ પ્રાપ્ત થયા તે પણ ત્યાં મૂકીને જ આવ્યા, માટે આત્મહિતકારી અને મુક્તિસુખ આપનારી એવી આ યોગકથા જ હિતકારી છે. આ કથા જ્યાં ચાલતી હોય ત્યાં સાંભળવા માટે આ જીવ દોડી જાય છે. આ યોગકથા પ્રાયઃ માનવભવમાં જ પ્રાપ્ત થાય તેમ છે તે પણ કવચિત્ જ શક્ય હોવાથી તેની પ્રાપ્તિ પરમદુર્લભ છે. એમ આ જીવ માને છે તેથી આ યોગકથા સાંભળતાં પરમપ્રેમરસમાં ડૂબી જાય છે. અમૃતપાનથી પણ વધુ પ્યારી
લાગે છે. હવે તેને ભોગકથા ઝેર જેવી લાગે છે.
૧૮૧
આ યોગકથા બે પ્રકારની છે. સાધકદશા આશ્રયી, અને સિદ્ધ દશા આશ્રયી, મોહનીય કર્મના ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષયથી ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી એવી જે આત્મગુણોની પ્રગટતા તે સાધકદશા કહેવાય છે. પહેલી મિત્રા દૃષ્ટિથી અંતિમ પરાર્દષ્ટિ સુધીનો આત્મગુણનો ક્રમે કરીને થયેલો વિકાસ તે સાધકદશા છે. સમ્યક્ત્વ પ્રાપ્તિથી ક્ષીણમોહ ગુણસ્થાનક સુધીની યાત્રા તે વિશિષ્ટ સાધકદશા છે. આ રીતે વિકાસની વૃદ્ધિ થતાં પૂર્ણતયા સર્વકર્મક્ષયજન્ય અથવા ઘાતીકર્મોના ક્ષયજન્ય આત્માની જે નિર્મળ અવસ્થા તે સિદ્ધયોગ કહેવાય છે. જ્યાં આ આત્મા સર્વજ્ઞાન-દર્શનમય પૂર્ણ આનંદસ્વરૂપે પ્રગટે છે. જે સહજ આત્મિકાનંદ છે તે રૂપ બને છે. અને સંપૂર્ણપણે સ્વભાવદશામાં લયલીન બને છે. ઘાતીકર્મોના ક્ષયજન્ય સિદ્ધદશા તેરમે-ચૌદમે ગુણઠાણે આવે છે. અને સર્વકર્મોના ક્ષયજન્ય સિદ્ધ દશા મુક્તિ અવસ્થામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org