________________
૧૫૨
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૩૩ ઉપાદાન, (૨) નિમિત્ત, (૩) અને તે બન્નેનું યથાયોગ્ય પુંજન એ ત્રણેની વિદ્યમાનતા એ જ કાર્યસાધક છે. મગને ઓછો અગ્નિ આપવામાં આવે તો પણ સીઝે નહીં, અધિક અગ્નિ આપવામાં આવે તો બળી જાય, પણ સીઝે નહીં, તથા મગને બદલે કોયડુ દાણાને અગ્નિ આપવામાં આવે તો પણ સીઝે નહીં. તેનો અર્થ એ થયો કે મગ, અગ્નિ અને તે બન્નેનો યથાયોગ્ય (જોઇએ તેટલો જ) સંયોગ આ ત્રણે જોઈએ, એમ સર્વત્ર સમજવું. તેથી આત્મહિત કરવું હોય તો (ઉપાદાનની) આત્માની ઓળખાણની જેટલી આવશ્યક્તા છે તેટલી જ તે શુદ્ધિમાં કારણ બનનાર શુભ નિમિત્તોની પણ જરૂરીયાત છે, માટે જે ઉપદેશકો સમયસારાદિ મહાગ્રંથો કે જે યોગી જીવોને માટે યોગ્ય છે તેનો આશ્રય લઈને ભોગીજીવોને કેવળ ઉપાદાનની જ આવશ્યક્તા સમજાવે છે. અને નિમિત્તને બીનજરૂરી સમજાવે છે તે એકાંતપક્ષ હોવાથી મિથ્યાત્વ છે. પુખ્તવયના પુરુષ વચ્ચે કરવા યોગ્ય વાત બાળજીવો વચ્ચે કરાતી નથી, પુખ્તવયના સ્ત્રી-પુરુષોને જ જોવા લાયક ચિત્રો બાળકોને બતાવાતાં નથી, જો બતાવવામાં આવે તો અનર્થકારી જ થાય છે. તે જ રીતે યોગી મહાત્માઓને સાલબનાવસ્થામાંથી પરભાવદશા છોડાવવા માટે અને નિરાલંબનાવસ્થાના મહાયોગી બનાવવા માટે નિમિત્તોનો ત્યાગ, વ્યવહારનો ત્યાગ, એકલવિહારીપણાની અનુજ્ઞા, ધ્યાનદશામાં જ વર્તવાની જે શાસ્ત્રીય વાતો છે તે વાતો ભોગીજીવો વચ્ચે કરવી જોઈએ નહીં, તથા તેવા તેવા જે યોગીને યોગ્ય મહાગ્રંથો છે. તેવા ગ્રંથો ભોગી વચ્ચે વાંચવા જોઇએ નહીં. ભોગીજીવોને તો ભોગમાંથી મુકાવવા માટે યોગીઓના સંપર્કની, તેમના વ્યાખ્યાન-શ્રવણ-સેવા-સુશ્રુષા, વૈયાવચ્ચ આદિ શુભ નિમિત્તાના આલંબનની વાત સમજાવવી જોઇએ, અશુભ નિમિત્તોના ત્યાગ માટે શુભ નિમિત્તોના સેવનની, અશુભ વ્યવહારના ત્યાગ માટે શુભવ્યવહારના સેવનની, એકલવિહારીને બદલે સમુદાયમાં જ રહેવાની, અને ધ્યાનદશાને બદલે સ્વાધ્યાય કરવાની અને ભણવા-ભણાવવાની પ્રવૃત્તિની જ વાત કરવી જોઈએ, જે જે વસ્તુ જ્યાં જ્યાં ઉપકારી હોય તે તે વસ્તુને ત્યાં ત્યાં જોડવી જોઇએ, માટે એકલા ઉપાદાનની વાત કરનારા, નિમિત્તનો અપલાપ કરનારા, એકાંત નિશ્ચયનો જ પક્ષ કરનારા, વ્યવહારનું ઉત્થાપન કરનારા, કેવળ નિયતિને જ કહેનારા, પુરુષાર્થને તોડનારા ઉપદેશકોની વાણી જમાલીની જેમ એકાન્ત-એકપક્ષીય હોવાથી મહા-મિથ્યાત્વ છે. વળી તેવી જ રીતે ઉપાદાનને કાઢી નાખી કેવળ નિમિત્તને જ કાર્યનો કર્તા માનનારા, નિશ્ચયને છોડી કેવળ વ્યવહારની જ શોભામાં વર્તનારા, અભિમાની અને અહંકારી બની સ્વ-પરના હિતના ઘાતક આત્માઓ પણ અહિતના સર્જક છે. એમ જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org