________________
ગાથા : ૧૪
યોગદૃષ્ટિ સમુચ્ચય
૫૯
“ઓઘદૃષ્ટિ” હોય છે. જ્યારે મિથ્યાત્વ ઘણું મંદ પડે છે. અને આ આત્મા અપુનર્બન્ધક બને છે. ત્યારથી યોગની દૃષ્ટિ શરૂ થાય છે. તેથી તે યોગદષ્ટિ શરૂ થાય તેના પૂર્વકાળમાં પ્રવર્તતી એવી પ્રથમ “ઓઘદૃષ્ટિ” આ ગાથામાં પ્રારંભમાં સમજાવે છે.
અનાદિકાળથી સર્વસંસારી જીવોને જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી અજ્ઞાન, અને મોહનીયકર્મના ઉદયથી સંસારના સુખનો રાગ, અને સુખના પ્રતિબંધક તત્ત્વો ઉપર દ્વેષ વર્તે છે. પરંતુ મતિ-શ્રુતજ્ઞાનાવરણીયકર્મ, અને અચક્ષુ-દર્શનાવરણીય કર્મનો સર્વજીવોને અલ્પ યા અધિક પ્રમાણમાં ક્ષયોપશમ પણ સદા હોય જ છે. કારણકે આ કર્મો ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમભાવવાળાં જ સદા હોય છે. તેથી નિગોદથી પ્રારંભીને સર્વેજીવોની જ્ઞાનમાત્રા કંઇકને કંઇક અંશે અવશ્ય ખુલ્લી જ હોય છે. વસ્તુને જાણવાની આત્માની અનાવૃત (પ્રગટ) રહેલી જે ચૈતન્ય શક્તિ તેને દૃષ્ટિ કહેવાય છે. સંસારમાં સર્વેજીવોની આ ચેતનાશક્તિ=જ્ઞાનશક્તિ રૂપ દૃષ્ટિ હંમેશાં મોહના ઉદયના કારણે સામાન્યથી પુગલોના સુખ તરફ જ હોય છે. સંસારના વિષય સુખમાં જ આનંદ માનનારી હોય છે. તે સુખો કેમ મળે ? મળેલાં સુખો કેમ વૃદ્ધિ પામે ? ચિરંજીવી કેમ બને ? કદાપિ દુઃખો ન આવે ? આવી પુદ્ગલાનંદી જ દૃષ્ટિ સામાન્યપણે પ્રવર્તે છે તેને “ઓઘદૃષ્ટિ” કહેવાય છે. ઓઘ એટલે સામાન્યથી અને દૃષ્ટિ એટલે જ્ઞાન, બોધ, આશય અર્થાત્ પુદ્ગલોના સુખ તરફની અપેક્ષા. એવો ઓઘદૃષ્ટિનો અર્થ જાણવો. પાંચે ઇંદ્રિયોનાં વિષયસુખો પ્રાપ્ત કરવાની, તેમાં જ આનંદ માનવાની અને તેની જ વૃદ્ધિ કરવાની જે દૃષ્ટિ તે ઓઘદૃષ્ટિ કહેવાય છે. આ દૃષ્ટિ પ્રવર્તતી હોય ત્યારે આ જીવને આત્મા, આત્માની નિર્મળતા, મુક્તિ, મુક્તિની પ્રાપ્તિ અને મુક્તિના ઉપાયોનું લક્ષ્ય બીલકુલ આવતું નથી. તે તરફનું જ્ઞાન, પ્રીતિ, કે પ્રયત્ન કંઈ જ નથી. માટે તેને “યોગદૃષ્ટિ” કહેવાતી નથી. કારણકે આત્માને મોક્ષની સાથે જોડે તે યોગ, અને તે તરફની દૃષ્ટિ તે યોગદષ્ટિ કહેવાય છે. તેવી યોગની દૃષ્ટિ આવા પુદ્ગલાનંદી જીવને અલ્પ અંશે પણ સંભવતી નથી. મોહનીયકર્મના ઉદયને લીધે આ આત્માની આવા પ્રકારની પુદ્ગલોના સુખ તરફની જે દૃષ્ટિ તે ઓઘદૃષ્ટિ જાણવી.
નિગોદની અવસ્થા કરતાં પૃથ્વીકાયાદિના ભવમાં, પૃથ્વીકાયાદિના ભવ કરતાં બેઇદ્રિય-ઇંદ્રિય-ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિયાદિના ભવોમાં જાતિનામકર્મના ઉદયના સહારાથી જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમજન્ય જ્ઞાનદૃષ્ટિ અધિક-અધિક વિકસે છે. પરંતુ મોહનીયકર્મનો ઉદય તો સર્વત્ર સાથે જ રહે છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમની વિચિત્રતા (હીનાધિકતા)ને લીધે જીવની આ ઓઘદૃષ્ટિ પણ ચિત્ર-વિચિત્ર બને છે. તે ઓઘદૃષ્ટિકાળે બોધ કેવો હીનાધિક હોય છે તે દષ્ટાન્ત આપીને સમજાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org