________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ગુણ વિનાની ચીજ હોઈ શકે નહીં, અને એ શક્તિ ને ગુણ પરિપૂર્ણ આનંદ જ્ઞાનાદિ પરિપૂર્ણ ગુણ ને શક્તિ છે. તો જે તારી ચીજમાં નથી, એવા આ શરીર વાણી મન, પુણ્ય પાપના ભાવ, એનાથી જુદો પડી અને તારામાં જે પૂરણ પડ્યું છે તેમાં એનો આદર કરી, તેમાં એકાગ્ર થઈ, તને તારી દશામાં કેવળજ્ઞાન મુક્ત દશા, દુઃખથી મુક્ત અને આનંદ ને જ્ઞાનથી સહિત થશે તારી દશા. આહાહાહા !
બે લીટીમાં તો બહુ ભર્યું છે, એકલા સિદ્ધાંતો છે. આહાહા!
“જ્યારે આ જીવ” એમ કીધું ને? જીવની વ્યાખ્યા તો કરી. જ્યારે આ જીવ હવે પોતે કરે ત્યારે, કો'ક કરી દે ને કો'ક કરાવી દે ને, એમ છે નહીં. આહાહા! “જ્યારે આ આત્મા, સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાન સર્વજ્ઞ જ્ઞાન” એ પૂરણ જ્ઞાન પ્રગટ કરે તો એનો અર્થ છે કે અંદર પૂરણ જ્ઞાન છે. આહાહા ! અંદર કેવળ એક.. કેવળ એક જ્ઞાનસ્વરૂપ જ પ્રભુ છે. આહાહા ! અસ્તિ ચૈતન્યસ્વરૂપ પૂરણ, જ્ઞાન ને આનંદથી પૂરણ છે. તે ચીજમાં જેને એનો આદર કરવો હોય, એણે રાગાદિનો આદર છોડી દેવો, એટલે કે એનાથી ભિન્ન પડવું. આહાહા ! ચાહે તો દયા દાન વ્રત ને ભક્તિ પૂજા હો, એ પણ એક રાગ છે, વિકલ્પ છે, વૃત્તિ છે. (શ્રોતા. આ સાંભળવું ય રાગ?) સાંભળવું ઈ એ રાગ છે ને કહેવું ઈ એ રાગ છે. આહાહા !
આ તો જનમ મરણ રહિત થવાની વાતું છે પ્રભુ ! જનમ-મરણને ચોરાશીના અવતાર કરી કરીને અનંતા અવતાર કર્યા. વસ્તુ છે ને પોતે, છે તો રહી ક્યાં અત્યાર સુધી? છે તો છે આત્મા. એ રહી ચાર ગતિ રખડવામાં રહી આ કાગડા ને કૂતરાના ભવ કરી કરી નરકના ને નિગોદના ને મનુષ્યના. આહાહા ! અને એક ગતિમાં ગમે ત્યાં જાય ત્યાં દુઃખ જ છે, પરાધીનતા છે, સ્વર્ગ હોય તો ય દુઃખ છે પરાધીનતા. અબજોપતિ આ શેઠિયાવ ધૂળના ધણી કહેવાય એ બધા દુઃખી બચારા છે. આહાહા ! દુઃખી છે બિચારાં. આહાહા ! (શ્રોતા: પૈસા હોય અને બિચારા?) પૈસા જોઈએ છે ને એને? આત્મા જોતો નથી, એને આ ધૂળ જોઈએ છે. આ લાવો. આ લાવો. આ લાવો એ માગણ ભિખારી છે. અંદરમાં અનંત આનંદ ને અનંત જ્ઞાન ભર્યું છે. એવી લક્ષ્મીવાળો પ્રભુ (પોતે ) છે અંદર એની પાસે જાતો નથી. જ્યાં મળે એવું છે ત્યાં જાતો નથી. જેમાં(થી) આવે એવું નથી ત્યાં જઈને માગ્યા કરે છે. અને તે પણ પૈસો આવે તો કાંઈ એની પાસે આવતા નથી. એની પાસે તો મમતા આવે છે કે મને પૈસા આવ્યા, કે મને પૈસા આવ્યા, એવી મમતા (મારાપણું) પૈસો, પૈસામાં રહે છે, જડમાં. આહાહા!
અને આ તો એવી ચીજ છે વસ્તુ છે ને ! તો આંહી પુરણ જ્ઞાન પ્રગટ કરવાનો ઉપાય કહે છે ને? તો ઈ પૂરણ જ્ઞાન પ્રગટ કરવાની સમયની દશા એવી તો અનંતી શક્તિ જેનામાં હોય, એમાં એકાગ્ર થાય તો કેવળજ્ઞાન થાય. આહાહા ! એકલું કેવળજ્ઞાન એક જ પર્યાય હોય તો એમાંથી પર્યાય એક જ આવે તો બીજે સમયે શું થાય? આહાહા! એક સેકન્ડના અસંખ્યભાગમાં નાનામાં નાના સૂક્ષ્મ કાળમાં ત્રણકાળ ત્રણલોકને જાણે એવી આત્મામાં શક્તિ, પર્યાયમાં પ્રગટ થાય, એને કેવળજ્ઞાન કહે છે. દશામાં પ્રગટે એને કેવળજ્ઞાન કહે છે. એવી તો અનંતીઅનંતી શક્તિઓ અંદરમાં પડી છે. નહિતર એક જ પર્યાય બહાર આવી ને એવડો જ હોય ને (તો તો) ખાલી થઈ જાય તો પછી ખલાસ થઈ ગયું. એમ કોઈ દિ' બને નહીં. આહાહા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com